Mon Oct 05 2026

Logo

મુંબઈગરાઓના ખિસ્સા પર મોંઘવારીનો માર! મલ્ટિપ્લેક્સ અને લાઈવ કોન્સર્ટની ટિકિટો થશે મોંઘી; જાણો BMCની નવી ટેક્સ નીતિ

2026-09-26 18:32:24
Author: Darshana Visaria
મુંબઈગરાઓના ખિસ્સા પર મોંઘવારીનો માર! મલ્ટિપ્લેક્સ અને લાઈવ કોન્સર્ટની ટિકિટો થશે મોંઘી; જાણો BMCની નવી ટેક્સ નીતિ

દેશની આર્થિક રાજધાની મુંબઈના નાગરિકો માટે ફિલ્મો અને લાઈવ કોન્સર્ટ જેવા એન્ટરટેઈન્ટમેન્ટ હવે મોંઘા થવાના એંધાણ છે. મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ મોંઘવારી અને આવક વધારવાના ભાગરૂપે મનોરંજન કર (Entertainment Tax)માં 570 ટકા સુધીનો જંગી વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 

જો મહારાષ્ટ્ર સરકારના નગરવિકાસ વિભાગ દ્વારા આ પ્રસ્તાવને લીલી ઝંડી આપવામાં આવશે, તો મુંબઈના થિયેટરો અને મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવી લગભગ પાંચ ગણી મોંઘી બની શકે છે. જોકે, આ પ્રસ્તાવ વચ્ચે રિજનલ લેન્ગ્વેજ ફિલ્મો અને કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે પાલિકાએ ગુજરાતી અને મરાઠી ફિલ્મો તેમજ નાટકોને સંપૂર્ણ 10 ટકા કરમુક્તિ આપવાની જોગવાઈ કરી છે.

ટિકિટના દરોમાં કેટલો વધારો સૂચવવામાં આવ્યો છે?:

એરકંડિશન્ડ થિયેટર્સ અને મલ્ટિપ્લેક્સમાં પ્રતિ શો એન્ટરટેઈન્ટમેન્ટ ટેક્સ હાલમાં રૂપિયા 60થી વધારીને સીધો રૂપિયા 400 કરવાનો પ્રસ્તાવ છે. નોન-એસી થિયેટર માટે વર્તમાન રૂપિયા 45ના દરને વધારીને રૂપિયા 200પ્રતિ શો કરવાની ભલામણ છે.

સંગીતના કાર્યક્રમો (લાઈવ મ્યુઝિક કોન્સર્ટ) અને નાટકો પર લાગતો કર રૂપિયા 50થી વધારીને રૂપિયા 100 અને અન્ય સામાન્ય મનોરંજન ઈવેન્ટ્સ પરનો ટેક્સ રૂપિયા 25થી વધારીને રૂપિયા 75 કરવાનો પ્રસ્તાવ છે. અગાઉ સંપૂર્ણ કરમુક્ત રહેલી આ શ્રેણીમાં હવે પ્રતિ શો રૂપિયા 90નો સંપૂર્ણ નવો ટેક્સ દાખલ કરવાની દરખાસ્ત મુકાઈ છે.

ગુજરાતી અને મરાઠી ફિલ્મો-નાટકોને 100 ટકા ટેક્સ માફી:

મુંબઈમાં ગુજરાતી અને મરાઠી ભાષાની સંસ્કૃતિ અને લોકરંગભૂમિને વેગ આપવા માટે પાલિકાએ ખાસ રાહત આપી છે. જે થિયેટરો અને મલ્ટિપ્લેક્સમાં ગુજરાતી કે મરાઠી ફિલ્મો, નાટકો કે સંગીતના કાર્યક્રમો યોજાશે, તેમને મનોરંજન કરમાંથી 100 ટકા માફી (Tax Exemption) મળશે, જેથી આ ભાષાઓના શો સસ્તા રહેશે.

હાલમાં શું સ્થિતિ છે અને નવો નિયમ ક્યારે લાગુ થશે?

પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, જ્યાં સુધી રાજ્ય સરકારનો નગરવિકાસ વિભાગ સુધારેલા દરોને મંજૂર કરીને સત્તાવાર ગેઝેટ બહાર ન પાડે, ત્યાં સુધી જૂના (2014-15ના) ટેક્સ દર જ યથાવત રહેશે. જે થિયેટર માલિકો દર મહિનાની ૫ તારીખ સુધીમાં એડવાન્સ ટેક્સ ભરે છે, તેમને વર્ષ 1959થી મળતી 6 ટકા છૂટછાટ વર્ષ 2027-28 સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે.