મુંબઈ: મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ ખાતે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા 'પ્રસાદથી ઊર્જા' નામની એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન મંડળના અન્નછત્ર અને પ્રસાદ કક્ષમાંથી દરરોજ ઉત્પન્ન થતા 8થી 10 મેટ્રિક ટન ભીના કચરાને સ્ત્રોત પર જ અલગ કરીને નાયર, કસ્તુરબા, GTB અને સાયન હોસ્પિટલના બાયોમીથેનેશન પ્લાન્ટ્સમાં મોકલવામાં આવશે.
ગણેશોત્સવ દરમિયાન મંડળની પ્રસાદ વિતરણ અને ભોજન વ્યવસ્થામાંથી દરરોજ અંદાજે 8થી 10 મેટ્રિક ટન ખાદ્ય તથા જૈવિક કચરો ઉત્પન્ન થવાની શક્યતા છે. આ કચરાને તેના સ્ત્રોત પર જ યોગ્ય રીતે અલગ કરવામાં આવશે. ત્યાર બાદ વાહનો દ્વારા તેને પાલિકાની નાયર હોસ્પિટલ, કસ્તુરબા હોસ્પિટલ, GTB હોસ્પિટલ અને સાયન હોસ્પિટલ ખાતે આવેલા બાયોમીથેનેશન પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવશે.
પ્રત્યેક પ્લાન્ટમાંથી દરેકની દરરોજ આશરે 2 મેટ્રિક ટન કચરાની પ્રક્રિયા કરવાની ક્ષમતા છે. આ પહેલ હેઠળ 11 દિવસ દરમિયાન અંદાજે 80 મેટ્રિક ટન ભીના કચરાની પ્રક્રિયા કરી તેમાંથી લગભગ 7,744 યુનિટ રિન્યુએબલ વીજળીનું ઉત્પાદન કરવાની યોજના છે. જોકે, વાસ્તવિક વીજ ઉત્પાદન અલગ કરવામાં આવેલા કચરાની માત્રા અને ગુણવત્તા તેમજ પ્લાન્ટની કાર્યક્ષમ સ્થિતિ પર નિર્ભર રહેશે. બાયોમિથેનેશન પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ હોસ્પિટલોના દર્દી રુમ, કોરિડોર તથા અન્ય કોમન વિસ્તારોમાં લાઇટિંગ સહિત યોગ્ય કામો માટે કરવામાં આવશે.
આ પહેલ ડેપ્યુટી કમિશનરના માર્ગદર્શન હેઠળ તેમ જ એફ/દક્ષિણ વિભાગના સહાયક કમિશનરની પહેલથી અમલમાં મૂકવામાં આવી રહી છે. પાલિકાના જણાવ્યા અનુસાર, આ પહેલ દ્વારા એ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે મોટા જાહેર ઉત્સવોમાંથી ઉત્પન્ન થતા ભીના કચરાને યોગ્ય રીતે અલગ કરીને વૈજ્ઞાનિક પ્રક્રિયા મારફતે ઉપયોગી ઊર્જામાં રૂપાંતરિત કરી શકાય છે. આથી પરંપરાગત કચરા નિકાલ વ્યવસ્થા પરનું ભારણ ઘટશે તેમજ સર્ક્યુલર ઇકોનોમીની સંકલ્પનાને પણ પ્રોત્સાહન મળશે.