Fri Apr 17 2026

Logo

સરહદી સુરક્ષામાં ગાબડું પાડવાનું પાકિસ્તાની ષડયંત્ર નિષ્ફળ: ભુજ અને રાજસ્થાનના એરબેઝની જાસૂસી કરતા બે કિશોરો ઝડપાયા

2026-03-23 11:41:00
Author: Mumbaisamachar Team
Article Image

 

 સોશિયલ મીડિયા પર ‘રીલ્સ’ બનાવવાના બહાને જાસૂસ કિશોરો પાકિસ્તાની આકાઓને મોકલાતા હતા ફાઈટર જેટના વીડિયો

ભુજઃ દેશની સરહદી સુરક્ષામાં ગાબડું પાડવાના પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઓપરેટિવ્સના મલિન ઈરાદાનો સુરક્ષા એજન્સીઓએ પર્દાફાશ કર્યો છે જેમાં કચ્છના ભુજ સ્થિત વાયુસેનાના વ્યૂહાત્મક મથક સહિતના સંવેદનશીલ વિસ્તારોની તસવીરો અને વીડિયો પાકિસ્તાની હેન્ડલર્સ સુધી પહોંચાડવાના ગંભીર મામલામાં બે સગીરોની ધરપકડ કરવામાં આવતા સંરક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે.

ગાઝિયાબાદથી પ્રાપ્ત વિગતો અનુસાર, પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટર તરીકે સક્રિય સરફરાઝ ધોગર ઉર્ફે ઝોરા સિંહ આ કિશોરોના સીધા સંપર્કમાં હતો. આ એજન્ટે કિશોરોને વધુ પૈસાની લાલચ આપી ભુજના એરફોર્સ બેઝ સહિતના મહત્વના સ્થળોની વિગતો મેળવી હતી. જાસૂસી માટે ટ્રેસ ન થઈ શકે તેવી 'બોટીમ' અને મેસેન્જર જેવી એપ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો.

સુરક્ષા એજન્સીઓની અત્યારસુધીની તપાસમાં બહાર આવ્યું છે કે ધરપકડ કરાયેલા બંને સગીરો મજૂરીકામના બહાને ભુજમાં ૧૪ દિવસ રોકાયા હતા. આ દરમિયાન તેઓએ રુદ્રમાતા એરફોર્સ બેઝ, ભુજિયો ડુંગર ઐતિહાસિક આયના મહેલ અને પ્રાગ મહેલ જેવા સ્થળોની રેકી કરી હતી. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ, આ કિશોરો એરબેઝની બહાર ઉભા રહી 'રીલ' બનાવવાના બહાને મોબાઈલ ફોનમાં મિગ-૨૧ અને સુખોઈ-૩૦ જેવા ફાઈટર જેટ્સના વીડિયો શૂટ કરી સામેપાર પાકિસ્તાન મોકલતા હતા. પૂછપરછ દરમિયાન ગજરૌલા અને ભોવાપુરના આ સગીર જાસૂસોએ ચોંકાવનારી કબૂલાત કરી છે. 
તેઓએ માત્ર ભુજ જ નહીં, પરંતુ રાજસ્થાનના જોધપુર એરબેઝ, બિકાનેર, જેસલમેર, બાડમેર અને ફલોદી જેવા અત્યંત સંવેદનશીલ વિસ્તારોના ડેટા પણ મોકલ્યા હતા. બિહારના વિવેક અને મેરઠના ગગન કુમાર નામના શખ્સોને રાજસ્થાનમાં બની રહેલા નવા 'ફોરવર્ડ કમ્પોઝિટ એરબેઝ'ની વિગતો મેળવવાનું કામ સોંપાયું હતું, જોકે તેઓ ત્યાં પહોંચે તે પૂર્વે જ પોલીસે તેમને દબોચી લીધા હતા. હાલ સુરક્ષા એજન્સીઓ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય તાર શોધી રહી છે અને આ કિશોરોને આર્થિક મદદ કઈ રીતે પહોંચાડવામાં આવતી હતી તેની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરહદી કચ્છ જિલ્લામાં અનેક સ્લીપર સેલ કાર્યરત છે. તો, ખુદ હાફિઝ સઈદ પણ કચ્છમાં અગાઉ લટાર મારી ગયાની ચર્ચા થઈ હતી. હની ટ્રેપના બનાવો તો અવારનવાર સામે આવી ચુક્યા છે. કચ્છમાં મોટા ભાગની તમામ એજન્સીઓ રો,આઈ.બી. ઈન્ટેલિજન્સ,આર્મી, એરફોર્સની ગુપ્તચર સંસ્થાઓ કાર્યરત હોવા છતાં તેઓને જે ખુફિયા ઈનપુટ્સ મળવા જોઈએ તે પ્રમાણમાં ઓછા મળી રહ્યા હોવાનું પણ કહેવાય છે. ગુપ્તચર સંસ્થાઓ પાસે માહિતી હોવી અનિવાર્ય છે પરંતુ કચ્છમાં એવી અનેક ગતિવિધિઓ થતી આવી છે, જે દેશની સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત જોખમી કહી શકાય. 

(ઉત્સવ વૈદ્ય)