બેંગલુરુ: કર્ણાટકની રાજધાનીમાં બેંગલુરુમાં હચમચાવી નાખે તેવી ઘટના બની હતી. જ્યાં એક આઈટી એન્જિનિયર દંપતીએ ગણતરીના કલાકોમાં જ આપઘાત કરી લીધો હતો. મૂળ તેલંગાણાના સિદ્દીપેટ જિલ્લાના વતની 32 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર ભાનુ ચંદ્ર રેડ્ડી કુંટાએ પોતાના એપાર્ટમેન્ટના એક રૂમમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે લાંબા સમય સુધી દરવાજો ન ખુલતા તેની પત્ની બીબી શાઝિયા સિરાજે સિક્યોરિટી ગાર્ડ અને પડોશીઓની મદદથી દરવાજો ખોલાવ્યો, ત્યારે ભાનુ ચંદ્રનો મૃતદેહ પંખે લટકતો મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.
પતિના મોતના આઘાતમાં ડૂબેલી પત્ની શાઝિયાએ પણ થોડી જ વારમાં ભયાનક પગલું ભર્યું હતું. આઈબીએમ (IBM) માં કાર્યરત શાઝિયાએ પતિનો મૃતદેહ મળ્યાના ગણતરીના કલાકોમાં જ સોસાયટીના 17મા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. એક જ પરિવારના બે સભ્યોના આવા કરુણ અંતથી આખી સોસાયટી અને આસપાસનો વિસ્તાર સ્તબ્ધ થઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તેલંગાણામાં રહેતા તેમના પરિવારજનોની ફરિયાદના આધારે બે અલગ-અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યા પાછળ કૌટુંબિક વિવાદ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. જાણવા મળ્યું છે કે આ દંપતીના લગ્ન 9 વર્ષ પહેલા થયા હતા અને તે પૂર્વે તેઓ લાંબા સમય સુધી લિવ-ઈન રિલેશનશિપમાં પણ રહ્યા હતા, તેમ છતાં તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. લાખો રૂપિયાનો પગાર મેળવતા આ હાઈપ્રોફાઈલ દંપતીએ આખરે કયા કારણોસર આટલું આત્યંતિક પગલું ભર્યું તે હજુ રહસ્ય છે. હાલ પોલીસ મૃતકના સંબંધીઓ અને પડોશીઓની પૂછપરછ કરી રહી છે અને ઊંડી તપાસ બાદ જ આ કરુણ ઘટના પાછળનું સાચું કારણ બહાર આવશે.
[આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી. જો તમને મદદની જરૂર હોય અથવા એવી કોઈ વ્યક્તિને ઓળખતા હો તો તમારી નજીકના માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લો. અથવા સંપર્ક કરો. વંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી - સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)]