Mon May 25 2026

Logo

દુનિયાના ટૉપ 10 ગરમ જિલ્લામાંથી 8 યૂપીના, સાઉદી અરેબિયા જેવા હાલ; બાંદામાં કેમ આટલું તાપમાન

2026-05-20 12:55:00
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ દેશના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે દેશના કેટલાક ભાગો લગભગ 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઉકળી રહ્યા છે અને દિવસના 10 થી 11 વાગ્યા પછી જ સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ સર્જાઈ જાય છે. સામાન્ય રીતે લોકો સવારના સમયે જ પોતાના કામ પતાવી લે છે અને બપોર થતાં પહેલાં ઘરોમાં પાછા ફરે છે.

ખાસ કરીને ઉત્તર પ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં ગરમીને કારણે હાલત ખરાબ છે. ઈટાવા, બાંદા, સંભલ સહિત પૂર્વી, પશ્ચિમી યુપી અને બુંદેલખંડ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ગરમી 45 ડિગ્રી સેલ્સિયસને પાર જ છે. મંગળવારની વાત કરીએ તો દેશના સૌથી વધુ ગરમી ધરાવતા 10 જિલ્લાઓમાંથી 8 યુપીના રહ્યા છે, જ્યારે 2 જિલ્લા છત્તીસગઢના છે.

આ છે દેશના સૌથી ગરમ જિલ્લા

ઉત્તર પ્રદેશના જે 8 જિલ્લાના નામ સૌથી વધુ ગરમી ધરાવતા ટોપ 10 સ્થળોમાં સામેલ છે, તે આ મુજબ છે: ઇટાવા, બાંદા, ઔરૈયા, એટ્ટા, પ્રયાગરાજ, ફતેહપુર, મૈનપુરી અને સંભલ.

આ સિવાય છત્તીસગઢના 2 જિલ્લાઓમાં બિલાસપુર અને મહાસમંદના નામ સામેલ છે. આ 10 જિલ્લાઓમાંથી 7 જિલ્લા એવા રહ્યા છે, જ્યાં પારો 47 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો હતો. આ સિવાય અન્ય જિલ્લાઓમાં પણ તાપમાન 47 ડિગ્રી રહ્યું છે. આ આંકડો મંગળવારે બપોરે 2 વાગ્યાનો છે. પરિસ્થિતિ એવી છે કે ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યના નીચાણવાળા વિસ્તારોમાં પણ લૂ (ગરમ પવન) ફૂંકાઈ રહી છે. વહીવટીતંત્ર દ્વારા સામાન્ય લોકોને ગરમીથી બચવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બાંદામાં સાઉદી અરેબિયા જેવી હાલત

બાંદા છેલ્લા એક મહિનામાં ચોથી વખત એશિયાનો સૌથી ગરમ જિલ્લો બન્યો છે. મંગળવારે અહીં તાપમાન 48.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને દુનિયાનો સૌથી વધુ ગરમી ધરાવતો વિસ્તાર સાઉદી અરેબિયાનું જેદ્દાહ બન્યું, જ્યાં તાપમાન 48.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. આ સિવાય અરાફાતમાં તાપમાન 48.4 ડિગ્રી હતું. આ રીતે સાઉદી અરેબિયાના બે શહેરો પછી સૌથી વધુ ગરમી બાંદામાં જ હતી. 18 મેના રોજ તો બાંદા દુનિયાનું સૌથી ગરમ સ્થળ બની ગયું હતું. 

આ પ્રચંડ ગરમીના કારણે ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં વહીવટીતંત્ર એલર્ટ પર છે અને લોકોને જરૂરી કામ હોય તો જ બહાર નીકળવાની તેમજ ખૂબ પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. બાળકોને પણ રજાઓ આપી દેવામાં આવી છે જેથી તેઓ ગરમીથી પ્રભાવિત ન થાય.