હેં... ખરેખર?! - પ્રફુલ શાહ
નાગરિકો ખરા પણ દેશ વગરના. ન નાગરિકતા, ન બંધારણ ને ન કાયદો. રહેવા માટે સમ ખાવા પૂરતી જમીન સુધ્ધાં નહિ હોં. રહેવાનું સ્થળ નિશ્ચિત પણ કોઈ જમીની સીમાડા નહિ. આ લોકો સ્ટેટલેસ (દેશ વિહોણા) હોવાથી તેમની પાસે કોઈ દેશની કાયદેસર નાગરિકતા, પાસપોર્ટ અથવા સત્તાવાર દસ્તાવેજો નથી.
આવા લોકો દક્ષિણ-પૂર્વ એશિયામાં રહેતા એક આદિવાસી જાતિ જૂથ ‘બજાઉ’ છે, જે તેમના સમુદ્રી, ભટકતી (કે તરતી?) જીવનશૈલી માટે જાણીતા છે. તેઓ મુખ્યત્વે મલેશિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સના સમુદ્રી વિસ્તારોમાં રહે છે. બજાઉ લોકો, અને એમાં ય ખાસ કરીને બજાઉ લાઉટ ‘સી નોમાડ્સ’ અથવા ‘સી જિપ્સીઝ’ તરીકે ઓળખાય છે.
વધુ વિગતમાં ઊંડા ઉતરીએ તો આ જમીન વગરના માનવી મુખ્યત્વે સુલુ સમુદ્ર અને સેલેબેસ સમુદ્રમાં જોવા મળે. ચોક્કસ દરિયાઈ સ્થાન ફિલિપાઇન્સના સુલુ દ્વીપસમૂહ, મલેશિયાના સાબાહ રાજ્યના સેમ્પોર્ના વિસ્તારમાં અને ઇન્ડોનેશિયાના સુલાવેસી છે. હા, તેઓ આ ત્રણ દેશો વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં રહે છે.
આ લોકોની ભટકતી જીવનશૈલી અચંબિત કરનારી છે. મોટેભાગે તેઓ ‘લેપા-લેપા’ નામની નાની હાથે બનાવેલી નૌકાઓમાં કે સમુદ્રમાં મુંગા રીફ ઉપર બનાવેલા થાંભલાવાળા મકાનોમાં રહે છે. ટૂંકમાં જવલ્લે જ જમીન પર પગ મૂકવાનું થાય.
એમને ભલે લાગે કે ન લાગે પણ આ જીવન અત્યંત દુષ્કર છે. કોઈ સ્થિર દેશ નથી એટલે સરકાર નથી. આને પાપે જાહેર શિક્ષણ, આરોગ્ય સેવા અને રોજગાર જેવી સરકારી સેવાઓ ઉપલબ્ધ નથી.
આવી હાલતમાં માનવીની જીવનશૈલી કેવી હોય એ જાણવું ગમે. અગાઉ જણાવ્યા મુજબ પરંપરાગતપણે નૌકામાં રહે અથવા પાણી ઉપર બનાવેલા મકાનોમાં વસે છે. એમનો જીવન નિર્વાહનું માછીમારી તથા ડાઇવિંગ પર અવલંબન છે. આને પ્રતાપે તેઓ તેમની અદ્ભુત, સહાયતા વગરની ડીપ-ડાઇવિંગ ક્ષમતા માટે જાણીતા છે. ક્યારેક તો ખોરાક મેળવવા 70 મીટર (230 ફૂટ) ઊંડી ડૂબકી મારી છે, પરંતુ એમાં ય મુશ્કેલી વધતી જાય છે. ક્યારેક પરંપરાગત માછીમારી પર પ્રતિબંધો, પર્યાવરણીય સમસ્યાઓ ખાબકે કે આસપાસની સરકારના દબાણ આવે.
હકિકતમાં દરિયાના જીવ એવા ઘણા બજાઉ લોકોને જમીન પર વસવાટ કરવા મજબૂર કરવામાં આવે છે. અમુક બજાઉ લોકો એ સ્વીકારી લે તો તે દેશની નાગરિકતા મળી જાય.
જો કે હજી મોટાભાગના સરહદો વચ્ચે ભટકતા ઘણા લોકો હજુ પણ બિન-રાષ્ટ્રીય છે. ‘સી જિપ્સીઝ’ કે ‘સી નોમાડ્સ’ તરીકે ઓળખાતી આ એક આદિવાસી સમુદ્રી જાતિ સતત દરિયાના પાણીમાં રહેતી હોવાથી તેઓમાં શારીરિક ફેરફારો વિકસ્યા હોવાનું સંશોધનમાં બહાર આવ્યું છે. તેમના શરીરમાં મોટી બરોળ વિકસી છે જે લાંબા સમય સુધી પાણીની અંદર રહેવામાં મદદ કરે છે.
સતત ખારા પાણીમાં રહેતા દરિયાઈ આદિવાસી બજાઉ લોકોની વાત કરીએ ત્યારે સોવરેન મિલિટરી ઓર્ડર ઑફ માલ્ટા (The Sovereign Military Order of Malta)ના ઉલ્લેખ વગર ન ચાલે. એક અનોખી સત્તાવાળા એકમ તરીકે ઓળખાતા સોવરેન મિલિટરી ઓર્ડર ઑફ માલ્ટા પાસે કોઈ જમીન, પ્રદેશ અથવા ભૂમિ સીમાઓ નથી. એ રોમમાં મુખ્ય મથક ધરાવતા રાજદ્વારી એકમ તરીકે કાર્ય કરે છે. 1099માં સ્થાપિત આ એકમ 100થી વધુ દેશો સાથે રાજદ્વારી સંબંધો ધરાવે છે અને બહિર્ભૌમિક અધિકારો સાથે કાર્ય કરે છે. સોવરેન મિલિટરી ઓર્ડર ઑફ માલ્ટા એકદમ અનોખું છે કારણકે તે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળનું સત્તાવાળું એકમ છે પરંતુ તેની પાસે કોઈ પ્રદેશ નથી.
દરિયાની સેંકડો હકિકતથી આપણે અજાણ છીએ. ખબર પડશે ત્યારે મોંઢું આશ્ર્ચર્યથી ખુલ્લું રહી જશે એની 101% ગેરંટી હોં.