Mon Oct 05 2026

Logo

સાવરકુંડલામાં પિતાએ પુત્રીની હત્યા કરીને લાશને શણગારીને ફ્રીઝમાં મૂકી ને પછી પોતે...........

2026-09-18 10:42:00
Author: Mayur Patel
સાવરકુંડલામાં પિતાએ પુત્રીની હત્યા કરીને લાશને શણગારીને ફ્રીઝમાં મૂકી ને પછી પોતે...........

અમરેલીઃ સાવરકુંડલામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. પિતાએ પુત્રીના હત્યા કરીને લાશને શણગારીને ફ્રીઝમાં મૂકી હતી. સોની પરિવારના મોભીએ પોતાની પાંચ વર્ષની દીકરીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તેમણે આ અંગેની ત્રણ ચીઠ્ઠી લખી હતી અને તેમાં પૈસાની લેવડ-દેવડ અને આર્થિક તંગીનો ઉલ્લેખ હતો.

શું છે સમગ્ર મામલો

ઘટનાની મળતી વિગતો અનુસાર સાવરકુંડલાના હાડીડા ગામમાં ભાડાના મકાનમાં પરજીયા સોની પરિવાર રહેતો હતો. પરિવારના મોભી કિશોરભાઈ ધાણક 16મી તારીખે પૈસાની ઉઘરાણી માટે મહુવા જવાનું કહી નીકળ્યા હતા. સાંજે તેમનાં પત્ની બહાર ગયાં હતા અને પરત આવ્યા તો ઘર અંદરથી બંધ હતું અને ઘણું ખખડાવવા છતાં ન ખોલાતા ગ્રામજનોને બોલાવી દરવાજો તોડ્યો ત્યારે હાથપગમાં મોજા પહેરેલા અને મોઢું ઢાંકી લટકતા કિશોરભાઈને જોઈ સૌ કોઈ ગભરાઈ ગયા હતા. ત્યારબાદ નાની દીકરી હિમાંશી (દીકુ) જોવા ન મળતા તેની શોધખોળ કરી ત્યારે તે ફ્રીજમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. બાળકીને આસન પર બેસાડી હતી અને ઢળી ન જાય એ માટે આજુબાજું ઓશિકાના ટેકા મૂક્યા હતા. તેનાં મોઢામાં તુલસી જેવું પાંદડું મૂક્યું હતું અને તેને ફૂલોનો હાર પહેરાવ્યો હતો તેમ જ ચૂંદડી પણ ઓઢાડી હતી. બાળકીને આ રીતે જોઈ સૌ કોઈ સ્તબદ્ધ થઈ ગયા હતા. 

તેમણે લખેલી સ્યૂસાઈડ નોટમાં બાકી રહેલી ઉઘરાણીના નાણા ન મળતા હોવાથી અને પોતે લીધેલી લૉનનો બોજ વધી ગયો હોવાનો ઉલ્લેખ છે. પિતાના મૃત્યુ બાદ દીકરી અનાથ ન થઈ જાય એટલે તેને પણ મારી નાખી હોવાનું તેમણે જણાવ્યું હતું. 

મળતી વિગતો અનુસાર કિશોરભાઈ કન્સ્ટ્રક્શન સાઈટ પર સુપરવાઈઝરનું કામ કરતા હતા. તેમનાં પત્ની મંજૂબહેનની ફરિયાદને આધારે કેસ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. લોકો સમસ્યાઓથી પરેશાન થઈ જાય છે તે વાત ખરી, પરંતુ હત્યા કે આત્મહત્યા કોઈ સમસ્યાનો હલ નથી. આ ઘટનાએ ફરી માનસિક સ્વાસ્થ્યની તકેદારીની જરૂરિયાતને ઉજાગર કરી છે. 

પ્રથમ ચિઠ્ઠીમાં શું લખ્યું

કિશોરભાઈએ પ્રથમ ચિઠ્ઠીમાં લખ્યું, મહુવા ખાતે કામે જતો હતો. ત્રણ વર્ષથી ઘર ખર્ચના પૈસા લીધેલ, બાકી રકમ ત્યાં રાખતો અને પર્સનલ લોન લીધેલ, જેના પૈસા પણ બાંધકામમાં રોકાણ કર્યું હતું. મારે થઈને રૂા.7,25,000 લેવાના તેઓએ મને કાઈ હવે મારી પાસે કાંઈ પૈસો નથી. મને કાઈ દશ ઉકલતી નથી. માટે હું અને મારી દીકરી આત્મહત્યા કરીએ છીએ, દીકરીને મારવી પાપ  છે પણ મારા વગરની મારી દીકરી દુઃખી નો થાય માટે મારી નાખી છું. મારો બીજો કોઈ સ્વાર્થ નથી.

બીજી ચિઠ્ઠીમાં શું લખ્યું
બીજું ચિઠ્ઠીમાં તેણે લખ્યું, હું કિશોર મેં મારા હાથે દીકરીના મોઢા આડો હાથ દઈ મારી નાખી છે. કેમ કે મારી દીકરી થકી હું જીવતો હતો અને સમય નબળો આવેલ છે તો મારી દીકરી દુઃખી નો થાય તે માટે હું મારી દીકરીને મારી નાખું છું. મને ક્ષમા કરજે (મંજુ).

ત્રીજી ચિઠ્ઠીમાં શું લખ્યું
ત્રીજી ચિઠ્ઠીમાં તેણે લખ્યું, હું બધાની માફી માંગું છું. દીકુને મારીને ફ્રિજમાં મુકેલ છે.