મુંબઈ: મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પોતાની ફિલ્મો 'કોન બનેગા કરોડપતિ' શૉની સાથે સાથે સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે. બિગ-બી સોશ્યિલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ મુદ્દા પર પોસ્ટ કરતા રહે છે. ખાસ કરીને વધતી ઉંમર, જિંદગીની અનિશ્ચિતતા અને સમસ્યાને લઈને પોતાના મનની વાતો પોતાના ચાહકો સમક્ષ રજૂ કરતા રહે છે.
બિગ બીએ તાજેતરમાં જ પોતાના વિચારો તેમના ચાહકો સમક્ષ રજૂ કર્યા હતા, પણ આ વખતે તેઓ ભારે ટ્રોલ થયા હતા. હાલમાં અમિતાભ બચ્ચને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે હીરાના મોંઘા થવાનું કારણ જણાવ્યું હતું. આ પોસ્ટના લીધે બિગ-બી નેટિઝન્સના ટ્રોલિંગનો શિકાર બન્યા હતા.
અમિતાભ બચ્ચને પ્લેટફોર્મ એક્સ પર રાતના 2.12 પોસ્ટ કરીને પૂછ્યું હતું કે હીરો મોંઘો કેમ મળે છે. પોસ્ટમાં આગળ લખ્યું હતું, કે 'હીરો એટલે મોંઘો નથી કેમ કે તે દુર્લભ અને અસામાન્ય છે, તે એટલા માટે મોંઘો છે કેમકે તેને શોધવાનું મુશ્કેલ છે.' આ પોસ્ટ બાદ થોડી જ ક્ષણોમાં આ પોસ્ટ વાઇરલ થઇ ગઈ હતી. નેટિઝન્સે તેમના પર આકરા પ્રહારો શરૂ કરી દીધા હતા. લોકો પૂછવા લાગ્યા કે કેમ તેમણે નીટ પેપર લીક અને વિદ્યાર્થીઓના આપઘાતના મામલે કોઈ ટિપ્પણી કરી નહોતી.
T 5765 - ' diamonds are not expensive, because they are rare ; they are expensive because they are hard to find '
— Amitabh Bachchan (@SrBachchan) June 6, 2026
हीरा इस लिए महँगा नहीं क्यूँकि वो दुर्लभ, असामान्य है; वो मंहगा इस लिए है क्यूँकि उसे खोजना बहुत कठिन है
પોસ્ટ પર ભડક્યા યુઝર્સ
અમિતાભ બચ્ચનની આ પોસ્ટ જોઈને યુઝર્સ ગુસ્સે થઈ ગયા હતા અને કેટલાક યુઝર્સે સવાલો પણ ઉઠાવ્યા હતા, કે આવી ફાલતુ ચીજો પર લખવાની જગ્યાએ તેઓ અસલી મુદ્દાઓ પર ચર્ચા કેમ નથી કરી રહ્યા, નીટ પેપરલીક મુદ્દે કે પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વિશે રિએકશન કેમ ના આપ્યું જેવી ટિપ્પણીઓ યુઝર્સ દ્વારા કરવામાં આવી હતી.
બિગ બીની તાજેતરની પોસ્ટ પર રિએક્ટ કરતા એક યૂઝરે લખ્યું હતું કે, 'સર હીરાની જેમ જ જીવન પણ કિંમતી છે. નીટ પેપરલીક બાદ અત્યાર સુધીમાં 6 વિદ્યાર્થીએ આપઘાત કરી ચુક્યા છે. તમે વિદ્યાર્થીઓ માટે એક શબ્દ પણ બોલતા નથી. અફસોસ થાય છે કે ફિલ્મોમાં અન્યાય સહન ન કરનારા પાત્ર ભજવ્યા બાદ પણ અસલ જિંદગીમાં બાળકો અને યુવાનો પર થતા અન્યાય પર ચૂપ છો. આશા છે સાર, તમે રિપ્લાય આપશો.'
અમિતાભ બચ્ચને હીરાના ટ્વિટ પહેલા લખ્યો બ્લોગ
હીરાની પોસ્ટ પહેલા બિગ-બીએ થોડી મિનિટો પહેલા જ એક બ્લોગ પણ લખ્યો હતો. જેમાં તેમને પ્રેરણા આપતા વિચારકો વિશે વાત કરી હતી. આ પોસ્ટ બાદ પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. હવે આ મેગાસ્ટાર હાલમાં તેમની આ 2 બહુચર્ચિત પોસ્ટના કારણે ખૂબ ચર્ચામાં છે.