વોશિંગ્ટન ડીસી: અમેરિકાના રોડ આઈલેન્ડ રાજ્યમાં ફરી એકવાર અંધાધૂંધ ગોળીબારની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આઈસ હોકી મેચ દરમિયાન અચાનક થયેલા ફાયરિંગમાં બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે હુમલાખોરે પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હોવાના અહેવાલ છે.
અહેવાલ મુજબ, પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે આ હિંસક ઘટનામાં અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, આ કોઈ આકસ્મિક હુમલો નહીં પરંતુ ચોક્કસ ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલી ગોળીબારની ઘટના છે, જેની પાછળ કદાચ કૌટુંબિક વિવાદ કારણભૂત હોઈ શકે છે.
મૃતકોની ચોક્કસ ઉંમર હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેઓ પુખ્ત વયના હોવાનું જણાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો ફૂટેજમાં ગોળીબારના અવાજો વચ્ચે ખેલાડીઓ પોતાનો જીવ બચાવવા મેદાનમાં દોડતા જોઈ શકાય છે, જ્યારે પ્રેક્ષકોમાં પણ ભારે નાસભાગ મચી ગઈ હતી.