અનવર વલિયાણી
દુનિયામાં જન્નત, સ્વર્ગની બશારત, શુભ સમાચાર મળ્યા હતા, એ મહાન સહાબી, અલ્લાહ અને તેના નબી હઝરત મુહમ્મદ સાહેબ પર ઈમાન; આસ્થા, શ્રદ્ધા લાવનારા સાથી-સંગાથી હઝરત ઉરવહ બીન ઝુબયર સબ્ર; ધીરજ; સહનશીલતા-શક્તિના અજોડ ઉદાહરણ હતાં.
ગમે તેવી આકરી- ભયાનક- અસહ્ય મુસીબતો અને પરીક્ષાના સમયે આપ હઝરતની જબાન પરથી ‘ઉફ’ શબ્દ કદી પણ નીકળ્યો નહોતો.
- એક સમયે ખલીફા; અધ્યક્ષ અબ્દુલ-મલીકને મળવા માટે પાટનગર દમિશ્ક (સિરિયા) ખાતે આવ્યા ત્યારે આપની સાથે આપના સુપુત્ર હઝરત મુહંમ્મદ પણ હતા.
- દમિશ્કમાં આપ બંને પિતા-પુત્ર ‘શાહી ઘોડર’ જોવા માટે ગયા. ત્યાં એક અડિયલ ઘોડા પર હઝરત મુહંમ્મદ સવાર થઈ ગયા.
- ઘોડાએ હઝરતને બૂરી રીતે પટકી દીધા, તે કારણે હઝરત મુહંમ્મદનું ત્યાંજ અવસાન થઈ ગયું. આ બનાવને ગણતરીના દિવસો જ વિત્યા હતા ત્યાં હઝરત ઉરવહ (અ.સ.)ના પગમાં એક પ્રકારનું ઝેરી ગુમડું થયું. તેનું ઝેર આખા પગમાં ફેલાઈ ગયું. હકીમોએ કેટલોક ભાગ કપાવી નાખવાની સલાહ આપી, નહીંતર તેનું ઝેર આખા શરીરમાં ફેલાઈ જવાનો ભય બતાવ્યો.
હઝરત ઉરવહ વૃદ્ધાવસ્થામાં પ્રવેશી ચૂકયા હતા, પરંતુ તેમની હિંમત યુવાનોને શરમાવે તેવી હતી. તેઓ પગ કપાવવા માટે તૈયાર થઈ ગયા. ‘ઓપરેશન’ કરનારા તબીબે તેમને સલાહ આપી કે થોડો શરાબ પી લો જેથી પગ કપાવવાની તકલીફનો અહેસાસ ઓછો થાય. આપ હઝરતે ફરમાવ્યું કે જે બીમારીથી તંદુરસ્ત થવાની મને ઉમ્મિદ હોય તેમાં હું કોઈ હરામ વસ્તુની સલાહ લેવાને માટે તૈયાર નથી. તબીબે કહ્યું કે તો બેહોશીની દવાનો ઉપયોગ કરો. આપે ફરમાવ્યું કે નહીં હું એ ક્યારેય પસંદ કરતો નથી કે મારા શરીરનો કોઈ અવયવ કાપવામાં આવે અને હું તેની તકલીફને મહેસૂસ ન કરું.
તબીબે લાચાર થઈને કેટલાક સહાયકોને કહ્યું કે હઝરત ઉરવહ (અ.સ.)નો પગ કાપવામાં આવે ત્યારે તેમને અત્યંત સંભાળપૂર્વક મજબૂત રીતે પકડી રાખવામાં આવે, પરંતુ ત્યારે પણ હઝરત ઉરવહે કહ્યું કે મને કોઈની મદદની કંઈ જ જરૂર નથી. તમે તમારી રીતે આવશ્યક જણાય તે રીતે પગ કાપી શકો છો. એટલે તબીબે એ સમયનાં સાધનોથી તેમના ટખ્ના સુધીનો ભાગ અલગ કરી દીધો. હઝરત ઉરવહ અલૈયહિ સલ્લામની જબાન પર અલ્લાહતઆલાનો ઝીક્ર (યાદ) ચાલુ રહી.
ઓપરેશન પછી વહી રહેલા ખૂનને બંધ કરવા માટે જખ્મને ‘દાગવા’નો સમય આવ્યો, ત્યારે તેમને બેહદ તકલીફ થઈ. તેઓ બેહોશ થઈ ગયા, પરંતુ એ બેહોશી વધુ સમય રહી નહીં. હોશમાં આવતાં જ મુખ પરનો પરસેવો લૂછતાં કપાયેલો પગ જોવાની માગણી કરી. શરીરના ભાગથી છૂટો કરવામાં આવેલો પગ આપ હઝરત (અ.સ.)ની સામે લાવવામાં આવ્યો. તેને હાથમાં લઈને આપે ફરમાવ્યું કે - ‘એ પાકજાતની કસમ! જેણે તારા ઉપર મારો બોજ મૂક્યો હતો, એ ખૂબ સારી પેઠે જાણે છે કે હું તેના મના કરેલા કોઈ માર્ગ પર ચાલ્યો નથી.’
- આવી ભયાનક તકલીફ બરદાશ્ત (સહન) કરવા છતાં હઝરત ઉરવહ અલૈયહિ સલ્લામની જીભ પર શિકાયતનો એક શબ્દ પણ આવ્યો નહોતો. આપ દરેક સ્થિતિમાં ખુદાવંદે કરીમનો શુક્ર અદા કરતા રહ્યા. કોઈવાર આપ હઝરત ફરમાવતા હતા કે,
- ‘યા ખુદાવંદતઆલા!’
‘તારો લાખ લાખ શુક્ર, આભાર છે કે મારા ચાર હાથ-પગમાંથી તે એકને લઈને બાકીના ત્રણને તો સલામત રાખ્યા છે.’
‘તેં મને હમણાં થોડીક મુસીબતમાં; તકલીફમાં નાખ્યો છે, પરંતુ હમણાં ઘણા સમયથી લાંબી રાહતની જિંદગી પણ આપી જ છે ને..!’
- બનુ ઉમૈયાની પણ એક મહાન સત્તાધિશ, હકુમતકર્તા, ઈન્સાફ પ્રિય બાદશાહની સમાનતા, ઈન્સાફ અને જાહોજલાલીની હિદાયત પ્રદાન કરનારા સુવર્ણ યુગ વિશે ફરી કયારેક રોશની નાખીશું અને પ્રેરણા મેળવીશું.
* * *
સાપ્તાહિક સંદેશ:
પયગંબર હઝરત મુહંમ્મદ (સલ.) પર નાઝિલ, આકાશવાણીથી આવેલ કુરાન પાકના પ્રકરણ બાવીસમાં તથા ચોપનમાં સૃષ્ટિનો સર્જનહાર અલ્લાહ કહે છે કે
- ‘જેમને આકાશી કિતાબોનું જ્ઞાન આપવામાં આવ્યું છે, તેઓ જાણી લે કે તે (કુરાન) તમારા પરવરદિગાર તરફથી સત્ય છે, પછી તેના પર ઈમાન (આસ્થા; શ્રદ્ધા) લાવે, પછી તેમના અંત:કરણ તે (અલ્લાહ) માટે નરમ થઈ જાય અને બેશક: અલ્લાહ તે લોકોને કે જેઓ ઈમાન લાવ્યા છે, સીધા માર્ગે પહોંચાડી દેનાર છે.
- હુઝૂરે અનવર (સલ.)
આપ પયગંબરે ઈસ્લામની સત્યતા અને નિખાલસપણાની એ સર્વોત્તમ સાબિતી છે કે તેમના પર સૌ પ્રથમ ઈમાન લાવનાર તેમના જ ઘરના માણસો અને કુટુંજનો હતા.
‘તેઓ બધા તેમના ખાનગી જીવનથી અને તમામ વસ્તુઓ-બાબતોથી પૂર્ણ માહિતગાર હતા.
‘જો મહંમ્મદ સાહેબનાં જરા પણ, સહજ પણ દંભ કે અપ્રમાણિકતા હોત તો આ બધા તેમનો જરૂર વિરોધ કરત.
- ડેવીડ ડેવનપોર્ટ