અમદાવાદ: શહેરના વસ્ત્રાલ ગામની સીમમાં ગઈ કાલે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક અને કાળમુખા બ્લાસ્ટના મામલે આખરે રામોલ પોલીસે કાર્યવાહી કરી છે. સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકીને ચાલતા આ મોતના કારખાનામાં સર્જાયેલી દુર્ઘટનામાં કુલ 9 શ્રમિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 6 લોકો હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પોલીસે આ મામલે ગેરકાયદેસર રીતે એકમ ચલાવતા સંચાલકો સામે ગુનાહિત કાવતરું રચવા બદલ એફઆઈઆર નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
પોલીસ તપાસ પ્રમાણે, ‘ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સ’ નામના આ એકમ પાસે ફટાકડા બનાવવા કે તેનો સંગ્રહ કરવા માટે કોઈ કાયદેસરની પાસ-પરમિટ કે ફાયર સેફ્ટીની મંજૂરી નહોતી. વસ્ત્રાલના સર્વે નંબર 629/1/2/3 વાળી જમીન ભાડે રાખીને આરોપીઓ માત્ર પોતાના આર્થિક સ્વાર્થ માટે માનવ જિંદગીને હોડમાં મૂકી રહ્યા હતા.
રામોલ પોલીસે નોંઘેલી ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે મેહુલ ડોડીયા, તેમના માતા અને મુખ્ય સંચાલક રમીલાબેન ડોડીયા તેમજ કારખાનાના ભાગીદાર સાદીક સૈયદના નામ જોગ ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન જે કોઈ સરકારી બાબુ કે અન્ય શખ્સોની મિલિભગત સામે આવશે, તેમને પણ આરોપી બનાવવામાં આવશે તેવું પોલીસે સ્પષ્ટ કર્યું છે.
બ્લાસ્ટમાં 9 નિર્દોષો મજૂરોના મોત થયાં
આ દુર્ઘટનામાં કુલ 9 લોકોના મોત થયાં તેમાં કેટલાકની ઓળખાણ થઈ છે, જ્યારે કેટલાકની ઓળખ થવાની બાકી છે. 12 વર્ષીય રવિના ચારણ, 7 વર્ષીય છોકરો, 45 વર્ષીય પુરૂષ, 10 વર્ષીય બાળકી, 24 વર્ષીય અઝર અલી, 37 વર્ષીય સ્ત્રી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ઈજાગ્રસ્તોની વાત કરવામાં આવે તો, 26 વર્ષીય અજય ડામોર, 25 વર્ષીય પાયલબેન ડામોર, 26 વર્ષીય ભરત ચારણ, 38 વર્ષીય સુરેશ ડામોર અને 48 વર્ષીય ગોવિંદ ડામોરની હાલત ગંભીર હોવાથી તેઓ અત્યારે સારવાર હેઠળ છે.
BNS અને વિસ્ફોટક કાયદા હેઠળ ગુનો નોંધાયો
ગુનેગારોને કડકમાં કડક સજા થાય તે માટે રામોલ પોલીસે નવી કાયદાકીય સંહિતા હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 (ગેરકાયદે મનુષ્યવધ), 287, 288 અને 61(2) (ગુનાહિત કાવતરું), વિસ્ફોટક પદાર્થ અધિનિયમ-1908ની કલમ 5(એ) અને 6, જ્યારે વિસ્ફોટક અધિનિયમ-1884ની કલમ 9(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ બ્લાસ્ટની ઘટનાએ વહીવટી તંત્રની પોલ ખોલી
વસ્ત્રાલની આ ભયાનક ઘટનાએ અમદાવાદ પોલીસ અને વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે. રહેણાંક અને ખુલ્લા ખેતરોની વચ્ચે સરેઆમ બારૂદના ઢગલા ખડકાયેલા હતા અને તંત્ર ઊંઘતું રહ્યું. જોકે, આ બ્લાસ્ટ બાદ મોડી રાત્રે જ પોલીસ હરકતમાં આવી હતી અને રામોલ-વસ્ત્રાલના ખુલ્લા વિસ્તારોમાં ધમધમતી અન્ય ગેરકાયદે ફેક્ટરીઓ પર ત્રાટકી હતી. પોલીસે ગ્યાસપુર ગામમાં આવેલી 'કિંગ્સ ફાયર વર્ક્સ' અને નારોલ વિસ્તારના ગુલાબ પ્લોટમાં છૂપી રીતે ચાલતી બે ફેક્ટરીઓમાંથી ફટાકડાનો મોટો જથ્થો જપ્ત કરી તેને સીલ કરવાની કડક કાર્યવાહી હાથ ધરી છે.