ગાંધીનગર: ગુજરાતમાં જાહેર સલામતી વધુ સુદ્રઢ કરવા તથા ક્રાઈમ પ્રિવેન્શન અને ત્વરિત ડિટેક્શનના ઉદ્દેશથી સમગ્ર રાજ્યમાં સીસીટીવી સર્વેલન્સને લોકભાગીદારી થકી વધુ વ્યાપક અને મજબૂત બનાવવા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તેમજ અમદાવાદમાં ગુનાખોરી ડામવાના સીસીટીવી કેમેરા મોડલનો રાજયમાં અમલ કરવામાં આવશે.
24 હજારથી પણ વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા
અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિક સેવારત હતા ત્યારે વર્ષ 2024 થી 2026 દરમિયાન નાગરિકો, વેપારી સંગઠનો અને વિવિધ એસોસિએશનોના સ્વૈચ્છિક સહયોગથી 24 હજારથી પણ વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. નાગરિકોના આ સક્રિય સહયોગના પરિણામે શહેરમાં ક્રાઈમ પ્રિવેન્શન કરવામાં અને ખાસ કરીને ક્રાઈમ ડિટેક્શનમાં પોલીસને અભૂતપૂર્વ સફળતા મળી હતી. લોકભાગીદારીથી ઊભું થયેલું આ મજબૂત નેટવર્ક સુરક્ષા વ્યવસ્થામાં એક ગેમ-ચેન્જર સાબિત થયું હતું.
અમદાવાદ મોડલનો સમગ્ર રાજયમાં અમલ કરાશે
અમદાવાદના આ અત્યંત સફળ પ્રયોગને સમગ્ર રાજ્યમાં લાગુ કરી નાગરિકોની સીધી ભાગીદારીથી સલામતીનું એક મજબૂત કવચ તૈયાર કરવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
રાજ્યમાં હાલ 3.88 લાખથી વધુ ખાનગી સીસીટીવી કેમેરા
ગુજરાતમાં હાલ 3.88 લાખથી વધુ ખાનગી સીસીટીવી કેમેરા કાર્યરત છે, પરંતુ તેમાંથી જાહેર માર્ગો, પાર્કિંગ કે સોસાયટીઓના એન્ટ્રી-એક્ઝિટને આવરી લેતા કેમેરા પ્રમાણમાં ઓછા છે. સીસીટીવી નેટવર્કનો વ્યાપ જેટલો મોટો અને સુવ્યવસ્થિત હશે, તેનો સીધો લાભ નાગરિકોની પોતાની સુરક્ષા અને શાંતિ-વ્યવસ્થામાં થશે.
બેઠકો યોજીને મહત્તમ સીસીટીવી કેમેરા લગાડવા પ્રયાસ
આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા તમામ શહેરના પોલીસ કમિશનરઓ અને જિલ્લા પોલીસ વડાઓને સૂચના અપાઈ છે કે તેઓ સ્થાનિક નાગરિકો, રહેવાસી સોસાયટીઓ અને વેપારી મંડળો સાથે સ્નેહપૂર્ણ સંવાદ અને બેઠકો યોજીને મહત્તમ સીસીટીવી કેમેરા લગાડવા માટે વધુમાં વધુ લોકો સ્વેચ્છાએ પ્રેરાય તેવું વાતાવરણ ઊભું કરે.
નાઇટ વિઝન અને આધુનિક 4 મેગાપિક્સલ કેમેરા ઇન્સ્ટોલ કરવા અપીલ
નાગરિકો જ્યારે પોતાની સોસાયટી કે વ્યાપારી પરિસરમાં સીસીટીવી લગાવવાનું આયોજન કરે, ત્યારે તે કેમેરા માત્ર અંદર પૂરતા મર્યાદિત ન રહેતાં બહારના મુખ્ય રોડ, પાર્કિંગ અને અવરજવરના મુખ્ય પોઇન્ટ્સને આવરી લે તે હિતાવહ છે. આ ઉપરાંત, નાઇટ વિઝન ક્ષમતા અને આધુનિક 4 મેગાપિક્સલ કે તેથી વધુ સ્પષ્ટતા ધરાવતા તેમજ પૂરતો વિડીયો બેકઅપ ધરાવતા કેમેરા પસંદ કરવાથી રાત્રિના સમયે પણ ઉત્તમ સર્વેલન્સ મળે છે અને અસામાજિક તત્વોમાં ભય પેદા થાય છે.
લૉ એન્ડ ઓર્ડર પોલીસ મહાનિરીક્ષક નોડલ અધિકારી
રાજ્યકક્ષાએ આ જનજાગૃતિ અભિયાનના સંકલન અને સુચારુ અમલીકરણ માટે લૉ એન્ડ ઓર્ડર પોલીસ મહાનિરીક્ષકને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પોલીસ અને પ્રજાના પરસ્પર વિશ્વાસ અને સહયોગથી જ એક સલામત વાતાવરણનું નિર્માણ થઈ શકે છે. જેથી તમામ નાગરિકો સ્વેચ્છાએ પોતાના પરિસરને સીસીટીવી નેટવર્કથી સુરક્ષિત બનાવી 'સુરક્ષિત ગુજરાત'ના નિર્માણમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી છે.