Mon Oct 05 2026

Logo

આદિપુરમાં ટૂંકા ગાળામાં ઊંચા વળતરની લાલચ આપી બે મિત્રો સાથે રૂ ૧૫.૫૦ લાખની છેતરપિંડી: અમદાવાદના ગઠિયા સામે ગુનો

2026-09-15 13:09:00
Author: Mumbai Samachar Team
આદિપુરમાં ટૂંકા ગાળામાં ઊંચા વળતરની લાલચ આપી બે મિત્રો સાથે રૂ ૧૫.૫૦ લાખની છેતરપિંડી: અમદાવાદના ગઠિયા સામે ગુનો

ભુજ: ઈમ્પોર્ટ-એક્સપોર્ટના વ્યવસાયમાં ટૂંકા ગાળાના રોકાણ સામે ઊંચું વળતર આપવાની આકર્ષક લાલચ આપી આદિપુરના મેડિકલ સ્ટોર સંચાલક અને તેમના મિત્ર પાસેથી રૂપિયા ૧૫.૫૦ લાખની માતબર રકમ પડાવી લઈ વિશ્વાસઘાત આચરવાના પ્રકરણમાં અમદાવાદના એક ગઠિયા સામે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ભુજમાં રહેતા અને આદિપુરની ૩૪ નંબર બજારમાં ‘જલારામ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર’ ચલાવતા ભૂપેન્દ્ર હીરાલાલ સોલંકીની ઓળખાણ તેના મિત્ર ધૈવ્ય બુચ મારફતે અમદાવાદના વિશાલ નવીન પટેલ સાથે થઈ હતી. ૨૦૨૬ની આઈપીએલમાં ગુજરાત-હૈદરાબાદ મેચની ટિકિટો અપાવ્યા બાદ આરોપીએ નિકટતા કેળવી હતી. વિશાલ પટેલે પોતે ચીનથી કન્ટેનર મંગાવી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કમિશનથી માલ વેચતો હોવાનું જણાવી ૭ થી ૧૦ દિવસના રોકાણ પર ૨ થી ૫ ટકા સુધીનું માતબર વળતર આપવાનો દાવો કર્યો હતો.

આરોપીએ બોગસ બિલો, કન્ટેનરોના ફોટા અને ક્યૂઆર કોડ મોકલી વિશ્વાસ સંપાદિત કરતાં વેપારી ભૂપેન્દ્રભાઈએ તેના બેન્ક ખાતામાં રૂપિયા ૧૦,૫૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. શરૂઆતના બે મહિના આરોપીએ રૂપિયા ૨૫ થી ૩૦ હજાર આપીને વિશ્વાસ જાળવ્યો હતો, પરંતુ બાદમાં પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો.

તપાસ દરમિયાન આરોપીએ ફરિયાદીના અન્ય એક મિત્ર સપનદીપસિંહ ગુરુદેવસિંહ કલસી પાસેથી પણ આજ મોડસ ઓપરેન્ડી હેઠળ રૂ.૫ લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યું હતું. આમ, બંને મિત્રો પાસેથી કુલ રૂ.૧૫,૫૦,૦૦૦ મેળવી લઈ હાથફેરો કરનાર અમદાવાદના વિશાલ પટેલ સામે આદિપુર પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

ઉત્સવ વૈદ્ય