Mon Oct 05 2026

Logo

અભિ ભટ્ટાચાર્ય: મિસ્ટર જેન્ટલમેન

2026-09-11 09:07:03
Author: Henri Shashtri
અભિ ભટ્ટાચાર્ય: મિસ્ટર જેન્ટલમેન

હેન્રી શાસ્ત્રી


રંગભૂમિ હોય કે સિનેમા કે પછી બીજું કોઈ માધ્યમ, દરેક અભિનેતા આયામ (વિસ્તાર, ફેલાવો)ને ઝંખતો હોય છે. ‘વર્ક સેટિસ્ફેક્શન’ - કામ કરવાથી મળતો સંતોષ અને અભિનય કૌશલની રજૂઆત એ મુખ્ય કારણ હોય છે. બંગાળી ફિલ્મોથી હિન્દી ફિલ્મોમાં પ્રવેશી ખ્યાતિ મેળવનારા અભિનેતા અભિ ભટ્ટાચાર્યને પણ વિવિધ કિરદારમાં ચમકવાનો મોકો મળ્યો હતો.આજે એમની પુણ્યતિથિ છે એ નિમિત્તે ઓછા જાણીતા પણ માનીતા અભિનેતાની ફિલ્મ કારકિર્દી અને એમના પાત્ર વૈવિધ્યથી વાકેફ થઈએ.


અવિભાજિત બંગાળમાં જમીનદાર પરિવારમાં જન્મેલા અભિ ભટ્ટાચાર્ય કિશોરાવસ્થામાં હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. યુવાવસ્થામાં અભિની પ્રગતિ થાય એ આશય સાથે તેને બહેતર શિક્ષણ મેળવવા ગયામાં રહેતા ધનવાન મામાના ઘરે મોકલવામાં આવ્યો. મામા પર લક્ષ્મી દેવીના ચાર હતા જ્યારે મામી સરસ્વતી દેવીના ઉપાસક હતાં. મામીના સહવાસમાં વધુ રહેતા ભાણેજમાં સંગીત, કવિતા અને નાટક પ્રત્યે ગહન રુચિ કેળવાઈ. વિશેષ કરીને રવીન્દ્રનાથ ટાગોરની કૃતિઓ પ્રત્યે લગાવ થયો. 


ગ્રેજ્યુએટ થયા પછી એ સમયે અનેક બંગાળી યુવકો ઉજ્જળ ભવિષ્યની આશાએ કલકત્તાનો રસ્તો પકડતા એ જ રીતે અભિ ભટ્ટાચાર્ય પણ કલકત્તા પહોંચ્યા, પણ એમનો આશય કોઈ સારી કંપનીમાં નોકરી મેળવવાનો નહીં, બલ્કે ફિલ્મ જગતમાં ઝંપલાવવાનો હતો. જોકે, કલકત્તામાં દાળ ગળી નહીં અને પાછું ફરવું પડ્યું. પણ નસીબ સાથ આપવા તત્પર હોય એમ ફિલ્મ સંબંધિત કામ માટે મુંબઈ જવાનું થયું.


આ મુંબઈ કોલિંગે અભિ ભટ્ટાચાર્યની જીવન સડક બદલી નાખી. થયું એવું કે મુંબઈના કામકાજ દરમિયાન એક અખબારમાં ‘ધ બોમ્બે ટોકિઝ સ્ટુડિયોઝ’ દ્વારા આગામી બંગાળી ફિલ્મ માટે નવા ચહેરાની જરૂર હોવાની જાહેરખબર આવી. મિત્રના આગ્રહથી અભિ ભટ્ટાચાર્યએ સ્ક્રીન ટેસ્ટ આપી અને ફિલ્મ ‘નૌકાડૂબી’ માટે વરણી થઈ ગઈ. 


ટાગોરની આ જ વાર્તા પરથી 1946માં નીતિન બોઝે દિલીપ કુમારને લઈ ‘મિલન’ ફિલ્મ બનાવી હતી. દિલીપકુમારવાળો રોલ બંગાળી ફિલ્મમાં અભિ ભટ્ટાચાર્યએ કર્યો હતો. ત્યારબાદ તે કલકત્તા ગયા અને ત્યાં પણ બંગાળી ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું. જોકે, ફિલ્મો બંગાળી હોવાથી એમને ઝાઝા લોકો નહોતા ઓળખતા અને તેમણે કરેલી ફિલ્મોમાંની કોઈ ગાજી પણ નહોતી.


બીજો એક વળાંક આવ્યો. કલકત્તાની પ્રખ્યાત ફિલ્મમેકિંગ કંપની ન્યુ થિયેટર્સના સ્થાપક અને અગ્રણી નિર્માતા બી. એન. સરકારએ ‘નૌકડૂબી’ ફિલ્મ જોઈ. એમને અભિ ભટ્ટાચાર્યનું વ્યક્તિત્વ અને અભિનય પસંદ પડ્યા. ન્યુ થિયેટર્સના બેનર હેઠળ તૈયાર થનારી દ્વિભાષી ફિલ્મ ‘મહાપ્રસ્થાનેર પાથેય’ (બંગાળી) અને ‘યાત્રિક’ (હિન્દી)માં ભટ્ટાચાર્યને એક મહત્ત્વનો રોલ મળ્યો. ફિલ્મનાં ગીતો ખાસ્સા લોકપ્રિય થયાં અને ભટ્ટાચાર્ય ફિલ્મમેકરોની નજરમાં વસવા લાગ્યા. એ જ સમયે દેવકી બોઝની હિન્દી ફિલ્મ ‘રત્નદીપ’માં પણ જોવા મળ્યા. 1950-60ના દાયકામાં મિસ્ટર ભટ્ટાચાર્ય વ્યસ્ત અભિનેતા બની ગયા.


આ તરફ મુંબઈના ફિલ્મમેકરો સુધ્ધાંમાં બંગાળી અભિનેતાનો ચહેરો જાણીતો અને આવકાર્ય ચહેરો બની ગયો. એ સમયની અગ્રણી હીરોઈનો કામિની કૌશલ, મધુબાલા, માલા સિન્હા સાથે કામ કરવાનો મોકો મળ્યો. અગ્રણી ફિલ્મમેકરો પણ એમને સાઈન કરવા ઉત્સુક બન્યા. બિમલ રોયની ‘બિરાજ બહુ’, સત્યેન બોઝની ‘જાગૃતિ’ (ફિલ્મફેર અવોર્ડ) અને ‘પરિચય’, ડી. એન. મધોકની ‘નાતા’, ગુરુ દત્તની ‘સૈલાબ’. આસિત સેનની ‘અપરાધી કૌન’, હેમેન ગુપ્તાની ‘સુભાષચંદ્ર બોઝ’ વગેરે ફિલ્મોએ અભિ ભટ્ટાચાર્યની કારકિર્દીને ઘડવામાં મોટો ફાળો ભજવ્યો.


પ્રારંભિક ફિલ્મોમાં અભિ ભટ્ટાચાર્ય મુખ્યત્વે પ્રામાણિક - સદાચારી નાયકના રોલમાં નજરે પડ્યા.શક્તિ સામંતની ‘આરાધના’માં એક રામપ્રસાદ સક્સેના નામના સજ્જન અને આદરણીય વ્યક્તિના રોલમાં અને શક્તિદાની જ ‘અમાનુષ’માં પણ નૈતિક મૂલ્યોનું જતન કરતા ડોક્ટરના રોલમાં જોવા મળ્યા. એમનો ચહેરો મહોરો- એમનું વ્યક્તિત્વ કદાચ એના માટે જવાબદાર હતા. 


જોકે બીજા વિશ્વયુદ્ધ પછી ફિલ્મોમાં ઉચ્ચ માધ્યમ વર્ગનો પાશ્ર્ચાત્ય વિચારસરણી-મુક્ત વિચારધારા ધરાવતો ચોકઠા બહારનો નાયક નજરે પડ્યો. એની અસર હિન્દી ફિલ્મોમાં પણ વર્તાઈ. એટલે જ હૃષીકેશ મુખરજીની ‘અનુરાધા’માં પતિ (બલરાજ સાહની)ની ઉપેક્ષાનો ભોગ બનેલી અનુરાધા (લીલા નાયડુ)ના અંગત જીવનમાં વમળ પેદા કરતા યુવાનના રોલમાં એ નજરે પડ્યા. સોહરાબ મોદીની ‘જેલર’માં અભિ ભટ્ટાચાર્ય ડોક્ટરના રોલમાં છે જોકે તે નખશિખ સજ્જનની વ્યાખ્યામાં બંધબેસતો નથી.


અભિ ભટ્ટાચાર્યની કારકિર્દીનો ઉત્તરાર્ધ રસપ્રદ છે. મોટેભાગે સજ્જન - સદ્ગુણી વ્યક્તિના રોલમાં નજરે પડેલા અભિનેતાએ બે ફિલ્મમાં દુરાચારી વ્યક્તિનો રોલ પણ કર્યો. એક હતી વિનોદ ખન્ના - યોગિતા બાલીની ‘મેમસાબ’ જેમાં ક્રિમિનલ ગેન્ગ સાથે સંકળાયેલા સાગરીતના રોલમાં હતા. વિશ્ર્વજીત, સાધના અને ધર્મેન્દ્રની ‘ઈશ્ક પર જોર નહીં’ ફિલ્મમાં અભિ ભટ્ટાચાર્ય ટિપિકલ ખલનાયક શૈલીના નેગેટિવ રોલમાં નહોતા, પણ તેમનું શિપિંગ કંપનીના બોસનું પાત્ર પાત્રો વચ્ચે વિખવાદ નિર્માણ કરે છે. 


આ સિવાય પૌરાણિક ફિલ્મોમાં તે ભગવાન વિષ્ણુ તરીકે પણ જોવા મળ્યા. પ્રભાવશાળી પણ સૌમ્ય-શાંત અને હસમુખ ચહેરાને કારણે તેમને આ ભૂમિકા મળી હોવી જોઈએ. 1955માં ‘જગતગુરુ શંકરાચાર્ય’ ફિલ્મમાં ટાઈટલ રોલ કર્યા પછી 1970ના દાયકામાં તેઓ ‘તુલસી વિવાહ’, ‘કિસાન ઔર ભગવાન’, ‘હરિ દર્શન’, ‘વિષ્ણુ પુરાણ’, ‘હર હર મહાદેવ’ અને અન્ય ફિલ્મોમાં ભગવાન વિષ્ણુ તરીકે જોવા મળ્યા. જોકે ચાર દાયકામાં 150થી વધુ હિન્દી ફિલ્મો કરનારા આ અભિનેતાને નથી માનપાન મળ્યા કે નથી એ સ્મૃતિમાં સચવાયા.
 

આમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક ભુલાઈ ગયેલું- સ્મૃતિપટ પરથી ભૂંસાઈ ગયેલું પ્રકરણ એટલે અભિ ભટ્ટાચાર્ય એમ કહેવું પડે છે.