Mon Oct 05 2026

Logo

2029 લોકસભા ચૂંટણીમાં વધશે પોલિંગ સ્ટેશન, 46%  વધુ હશે મતદાન કેન્દ્ર, RTIમાં ખુલાસા

2026-09-15 14:19:24
Author: Mumbai Samachar Team
2029 લોકસભા ચૂંટણીમાં વધશે પોલિંગ સ્ટેશન, 46%  વધુ હશે મતદાન કેન્દ્ર, RTIમાં ખુલાસા

RTI હેઠળ માંગવામાં આવેલી જાણકારીમા દેશમાં વોટિંગ મશીનોની સંખ્યા અને 2029મા સામાન્ય ચૂંટણી પહેલા નવા મશીનોની ખરીદીની યોજના સાથે જોડાયેલા સવાલ પૂછ્યા હતા. ચૂંટણી પંચના જવાબથી સંકેત મળે છે કે આગામી લોકસભાને જોતા દેશના મતદાનના માળખાનો વિસ્તાર કરવામા આવી રહ્યો છે. 

ચૂંટણી પંચ (આયોગ)ના જણાવ્યા અનુસાર, દેશભરમાં 2029ની સામાન્ય ચૂંટણી લગભગ 15.38 લાખ મતદાન મથકો (પોલિંગ સ્ટેશનો) પર યોજાઈ શકે છે. આ સંખ્યા 2024ની લોકસભા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા 10.52 લાખ મતદાન મથકોની સરખામણીએ આશરે 46 ટકા વધુ છે.

ચૂંટણી પંચ પાસે કેટલા EVM છે?

RTI ના જવાબમાં ચૂંટણી પંચે જણાવ્યું કે તેની પાસે હાલમાં આશરે 30.48 લાખ બેલેટ યુનિટ (BU) અને 21.92 લાખ કંટ્રોલ યુનિટ (CU) ઉપલબ્ધ છે. આ આંકડાઓની સરખામણી જો 2019 ની લોકસભા ચૂંટણી સાથે કરવામાં આવે, તો તે સમયે ચૂંટણી પંચ પાસે આશરે 14.88 લાખ બેલેટ યુનિટ અને 11.30 લાખ કંટ્રોલ યુનિટ હતા. એટલે કે છેલ્લા કેટલાક વર્ષોમાં EVM ના હાલના સ્ટોકમાં નોંધપાત્ર વધારો થયો છે.

3.57 લાખ બેલેટ યુનિટ અને 1.25 લાખ કંટ્રોલ યુનિટ બદલવામાં આવશે

2029ની લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચ આશરે 3.57 લાખ બેલેટ યુનિટ અને 1.25 લાખ કંટ્રોલ યુનિટ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. ખાસ વાત એ છે કે પંચે આટલી જ સંખ્યામાં જૂના મશીનોને નિવૃત્ત (રિટાયર) કરવાની યોજના પણ દર્શાવી છે. આનો અર્થ એ છે કે નવા EVM ની ખરીદી દ્વારા પંચ પોતાના કુલ કાફલામાં મોટા પાયે વધારો કરવાને બદલે જૂના મશીનોની જગ્યાએ નવા મશીનો લાવવાની તૈયારી કરી રહ્યું છે. એટલે કે 3.57 લાખ બેલેટ યુનિટ અને 1.25 લાખ કંટ્રોલ યુનિટની ખરીદી લગભગ વન-ટૂ-વન રિપ્લેસમેન્ટ તરીકે થશે.

EVM અને VVPAT પર 486 કરોડ રૂપિયાનો ખર્ચ

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 2029ની લોકસભા ચૂંટણી પહેલાં EVM અને VVPATની ખરીદી પર આશરે 486 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે.