Tue Oct 20 2026

Logo

`રન મશીન' યશસ્વીને વન-ડે ટીમમાં કેમ નથી લેતા? માનવ સુથારને કેમ ભૂલી ગયા?: અશ્વિન

2026-10-18 20:01:00
Author: Ajay Motiwala
`રન મશીન' યશસ્વીને વન-ડે ટીમમાં કેમ નથી લેતા? માનવ સુથારને કેમ ભૂલી ગયા?: અશ્વિન

ચેન્નઈઃ ન્યૂ ઝીલૅન્ડમાં આગામી ચોથી નવેમ્બર શરૂ થનારી પાંચ મૅચની વન-ડે શ્રેણી માટેની ટીમમાં આક્રમક અને ભરોસાપાત્ર ઓપનિંગ બૅટ્સમૅન યશસ્વી જયસ્વાલને નથી સમાવવાના સિલેક્ટરોના અભિગમને સ્પિન-લેજન્ડ રવિચન્દ્રન અશ્વિને વખોડ્યો છે. ભૂતપૂર્વ સ્પિનરે પોતાની યુટ્યૂબ ચૅનલ પર એવું પણ કહ્યું છે કે નવા સ્પિનર માનવ સુથારની કિવીઓ સામેની ટેસ્ટ શ્રેણી માટેની ટીમમાં અવગણના કરવામાં આવી એ બદલ પણ નારાજગી વ્યક્ત કરી છે.

`રન મશીન' તરીકે જાણીતા યશસ્વી (Yashasvi)ને થોડા મહિનાઓથી મોટા ભાગે ટેસ્ટ ટીમમાં જ રમાડવામાં આવે છે. કિવીલૅન્ડમાં ટેસ્ટ સિરીઝની પહેલાં ઇન્ડિયા-એની સિરીઝમાં રમવાની તક મળશે એની પાક્કી સંભાવના છે. યશસ્વી છેલ્લી જે ત્રણ વન-ડે રમ્યો એમાંથી બે મૅચમાં તેણે સેન્ચુરી ફટકારી હતી. ભારત વતી ત્રણેય ફૉર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સમાં બીજું સ્થાન ધરાવતા અશ્વિને યશસ્વી વિશે કહ્યું છે કે જો તેને વન-ડે સિરીઝોમાં નહીં રમાડવામાં આવે તો તેના આત્મવિશ્વાસને તેમ જ બૅટિંગ-ફૉર્મને વિપરીત અસર થશે.

અશ્વિન (Ashwin)નું એવું પણ કહેવું છે કે `કૅપ્ટન શુભમન ગિલ ટેસ્ટ શ્રેણી માટેની તૈયારી કરવાનો હોવાથી એ અગાઉની વન-ડે શ્રેણીની અંતિમ બે મૅચમાં ન રમવાનો હોવાથી તેના સ્થાને એ બે મૅચની ટીમમાં યશસ્વીને સમાવવાની જરૂર હતી. એવું કરવાથી યશસ્વીને 19મી નવેમ્બરે શરૂ થનારી ટેસ્ટ શ્રેણી અગાઉ સારી મૅચ-પ્રૅક્ટિસ થઈ હોત. યશસ્વીના આત્મવિશ્વાસને સાવ તૂટી રહ્યો છે'

મૂળ રાજસ્થાનના લેફ્ટ-આર્મ સ્પિનર માનવ સુથારે આ વર્ષના જૂન-ઑગસ્ટ દરમ્યાન કરીઅરની જે પહેલી ત્રણ ટેસ્ટ રમ્યો એમાં તેણે કુલ 23 વિકેટ લીધી હતી. એમ છતાં તેને ન્યૂ ઝીલૅન્ડમાં બરાબર એક મહિના પછી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ માટેની ટીમમાં નથી સમાવવામાં આવ્યો. ટીમમાં ત્રણ સ્પિનર છે જેમાંથી બે ઑલરાઉન્ડર (રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર) અને ફક્ત એક સ્પેશ્યલિસ્ટ સ્પિનર (કુલદીપ યાદવ) છે. આ ત્રણેયમાંથી માત્ર જાડેજાને ન્યૂ ઝીલૅન્ડમાં ટેસ્ટ મૅચ રમવાનો અનુભવ છે. અશ્વિને કહ્યું છે, `કિવીઓ સામેની બે ટેસ્ટમાં સ્પેશ્યલિસ્ટ સ્પિનરને રમાડવાની જરૂર પડશે ત્યારે ટીમ મૅનેજમેન્ટ પાસે માત્ર કુલદીપ ઉપલબ્ધ હશે. સિલેક્ટરોએ માનવ સુથાર (Suthar)ને પણ ટેસ્ટ ટીમમાં સમાવવાની જરૂર હતી.'