જયવંત પંડ્યા
નરસિંહ મહેતાના સમયની અર્થવ્યવસ્થા જાણવા ‘હૂંડી’નો અર્થ જાણવો પડે. સૌરાષ્ટ્રની સંસ્કૃતિ જાણવા ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓ વાંચવી પડે. ભાઈ-બહેનનો પ્રેમ જાણવા ‘ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ’નો અર્થ સમજવો પડે
આપણી ઘરની ભાષાને પિતૃભાષા નથી કહેતા. બાળકના જન્મ પછી માતાના હોઠ ફફડે છે તેને બાળક ટગર-ટગર જુએ છે અને સાંભળીને શીખવાનો અને સમજવાનો પ્રયત્ન કરે છે. બાળકની ભાષા અનોખી જ હોય છે. તે પાણી નથી કહેતું. ભૂ કહે છે. તે નીંદર કે ઊંઘ નથી કહેતું, નીની કહે છે. તે શૌચ કે લેટ્રિન નથી કહેતું, તે છી કહે છે. તે પેશાબ કે યુરિન નથી કહેતું, તે પીપી કહે છે.
શરૂઆતમાં તે એક-એક શબ્દ જ બોલે છે. ધીમેધીમે તેને વાક્યમાં રૂપાંતરિત કરતા શીખે છે. આ એક-એક શબ્દ જ કોઈ પણ ભાષા શીખવા માટેના મહત્ત્વના છે. આ રીતે જો ભાષાને શીખવવા માં આવે તો ભાષા જલદી આવડી જાય, પરંતુ ભાષા શીખવવામાં વ્યાકરણને એટલું મહત્ત્વ આપવામાં આવે છે કે બાળક કંટાળી જાય છે. તેને પ્રત્યય, કર્તા, ક્રિયાપદ, સંજ્ઞા, વિશેષણ, કર્મણિ, કર્તરીની ખબર પડતી નથી. જોડણીના નિયમો પણ રટાવવાના બદલે હાસ્યની સાથે જોડીને કેમ ન સમજાવાય?
હું એક સમાચારપત્રમાં પ્રથમ પૃષ્ઠનો તંત્રી હતો ત્યારે મારા સાથી મિત્રોને સમજાવવા રમૂજી ઉદાહરણ આપતો, ‘બીમારી’માં બંને બ અને ર દીર્ઘ આવે. કારણકે દરેકને પોતાની ‘બીમારી’ મોટી જ લાગે.... ‘પતિ’માં ત હૃસ્વ ઇ અને ‘પત્ની’માં ન દીર્ઘ ઈ સાથે આવે કારણકે પતિ અને પત્નીમાં પત્નીનું જ ચાલે.... જો કર્તા સ્ત્રી કે નાન્યતર જાતિ હોય તો ક્રિયાપદમાં ચાંદલો મૂકી દેવાનો- પછી સીતાજી રાવણ તરફ ભિક્ષા દેવા આગળ વધ્યાં....
ગુજરાત અલગ રાજ્ય થયું તે પછી ગુજરાતી ભાષાનો મહિમા સચવાયો. ગાંધીનગરમાં વિસ્તારોના નામ ‘ક’, ‘ખ’ વગેરે પડ્યા. અમદાવાદમાં નરોડા પાટિયા કે સુરેન્દ્રનગરમાં ટાવર ચોક છે, પરંતુ હવે એવું નથી. અમદાવાદમાં નવા વિસ્તારોના નામ ‘બોપલ ઍપ્રોચ’ જેવાં છે. અગાઉ ગણિત, વિજ્ઞાનથી લઈને પાઠ્યપુસ્તકોમાં ગુજરાતી ભાષામાં સારો અનુવાદ થયો.
પરિણામે, 1980ના દાયકા સુધીની પેઢીને અવયવ, અવયવી, વિભાજિત, અવિભાજિત, પૂર્ણાંક,વગેરે ,વગેરે, જેવા આગવા અને મૌલિક શબ્દો મળ્યા. વિજ્ઞાનમાં ઘન, પ્રવાહી, વાયુ, ઘનતા, ગુરુત્વાકર્ષણ, તરંગો, પૃષ્ઠતાણ, કેશાકર્ષણ, બાષ્પીભવન, ઈત્યાદિ.
જો નવી પેઢીને ગુજરાતી નહીં આવડે તો ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારની એ માનવતા, ખુમારી, વટ, વચન, વાત્સલ્ય, પ્રેમ, ધીંગાણાની વાતો ક્યાંથી સમજાશે? સોળ વર્ષની ચારણક્ધયાની વીરતા કેમ કરીને એ સમજશે? શિવાજીને શિવાજી બનાવનાર જીજાબાઈનું હાલરડું નહીં સમજાય. ‘ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ’માં બહેનની લાગણી કે ‘કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી’માં ભાઈનો બહેન પ્રત્યે પ્રેમ કેમ કરીને સમજાશે? એ પેલી ‘કુછ મીઠા હો જાયે’ વાળી ચોકલેટનો પ્રેમ નથી...
પોરો, થાકોડો, ગોધૂલિવેળા, પ્રહર એટલે શું? શિરામણ, મહેરામણ અને નીંદામણનો તફાવત શું? યુપીઆઈ પેમેન્ટ ભલે કરીએ, પણ ગુજરાતી જાણતા હોઈશું તો ‘મારી હૂંડી સ્વીકારો મહારાજ રે’માં ‘હૂંડી’નો અર્થ સમજાશે. તે સમયની અર્થવ્યવસ્થા પણ સમજાશે.છડા અને અછબડા વચ્ચેનો તફાવત શું? બાળકને છિંક આવે ત્યારે ‘ગોડ બ્લેસ યૂ’ કરતાં ‘ખમ્મા’માં વધુ પોતીકાપણું છે. કાકા, કાકી, ફઈ, ફૂઆ, મામા, મામી ઈત્યાદી શબ્દોમાં સ્પષ્ટતા છે. ડેડ અને મોમ કરતાં ભાઈ-બા અથવા બાજી-બામાં વધુ સજીવતા લાગે છે.
ગુજરાતીઓને અંગ્રેજી નથી આવડતું એવા ટોણા એટલા બધા લાગ્યા કે અંગ્રેજી માધ્યમની શાળાનો મહિમા વધી ગયો. ગુજરાતી માધ્યમની શાળાઓને લઈને મુંબઈમાં પરિસ્થિતિ દુ:ખદ છે તો ગુજરાતમાં પણ પરિસ્થિતિ ચિંતાજનક જ છે. ગુજરાતીઓને આજે નથી બરાબર અંગ્રેજી આવડતું, ગુજરાતી તો સાવ નથી આવડતું. ‘ળ’ ક્યાં આવે? ‘ડ’ ક્યાં આવે? ‘ણ’ ક્યાં આવે? ‘પાળવું’ અને ‘પાડવું’ બંને સાવ જુદા અર્થવાળા છે.
ગુજરાતમાં ગુજરાતીને શિક્ષણમાં મરજિયાત બનાવીને તેનો છેદ જ ઉડાવી દેવાયો છે. સમાચારપત્રોથી માંડીને ફિલ્મોમાં અંગ્રેજી શબ્દો અને રોમન લિપિ થકી ગુજરાતીનું ગળું વધુ ને વધુ ઘોંટાઈ રહ્યું છે. ગુજરાતી ફિલ્મોનાં નામો અંગ્રેજીમાં રાખવામાં આવે છે- ‘જય માતાજી-
લેટ્સ રોક’, ‘જલસો: અ ફેમિલી ઇન્વિટેશન’, ‘ઓમ્ મંગલમ્ સિંગલમ્’, ‘આંટીપ્રિન્યોર’, વગેરે હદ તો ત્યારે થાય છે , જ્યારે ગુજરાતી કલાકારોને રોમન સ્ક્રિપ્ટમાં સંવાદો લખીને આપવા પડે છે ! આઠ ધોરણ પાસ હર્ષભાઈ સંઘવી વિશ્વ આર્થિક મંચ પર અંગ્રેજીમાં ભાષણ કરી આવ્યા તેના જેટલા જ હરખના સમાચાર ગુજરાતીઓ ગુજરાતી સ્પષ્ટ બોલે તેના થાય તેવા દિવસો આવ્યા છે !
બાકી, કહેવાતી નિરક્ષર પ્રજાએ તો ગુજરાતી જાળવી જ છે.સરકારના ખરડા પણ હવે અંગ્રેજી નામોવાળાં ! પ્રોહિબિશન ઍક્ટ, લેન્ડ ગ્રેબિંગ ઍક્ટમની લોન્ડરિંગ અમદાવાદના બજેટમાં ‘આઈકોનિક રોડ’ અને ‘એલિવેટેડ કોરિડોર’ બનાવવા જાહેરાતો થાય છે. આવાં નામોથી વજન પડે છે, યૂ નો ! દુકાનો-રેસ્ટોરન્ટનાં નામોનું પણ એવું જ છે.
સમાચારપત્ર-સામયિકોમાં પણ હવે રોમન સ્ક્રિપ્ટ ઘુસાડાય છે. વડા પ્રધાનના બદલે પ્રધાનમંત્રી અને તેમાંય વડા પ્રધાન!
જોકે કમ્પ્યૂટર/મોબાઇલમાં ગુજરાતી કીબોર્ડ, કીર્તિદાન ગઢવી- આદિત્ય ગઢવી, ડાયરાના કલાકારો અને સોશ્યલ મીડિયાના કારણે આજે ગુજરાતી હજુય જીવંત છે.
‘મોરેમોરો’, ‘રાણો રાણાની રીતે’, ‘હા મોજ હા’ જેવા શબ્દપ્રયોગો પ્રચલિત બને છે. ‘હતો હું સૂતો પારણે પુત્ર નાનો’ કે ‘ગોતી લો’ જેવી કવિતાઓ પ્રચલિત બને છે....ગુજરાતી નબળી પડી છે- માંદી પડી છે- મરવા નથી પડી.