નવી દિલ્હીઃ વર્તમાન ખરીફ મોસમમાં ગત 31મી જુલાઈ સુધીમાં વર્ષ 2020-2021થી 2024-25 સુધીના સામાન્ય સરેરાશ 1104.46 લાખ હેક્ટરનાં વાવેતર વિસ્તાર પૈકી 81 ટકા અર્થાત્ 920.72 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. તેમ છતાં કુલ ખરીફ પાક હેઠળનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 920.72 લાખ હેક્ટર સામે હજુ 26.5 ટકા ઓછો હોવાનું કૃષિ મંત્રાલયે આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર ગત 31મી જુલાઈ સુધીમાં મુખ્ય ખરીફ પાક ગણાતા ડાંગરનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 308.399 લાખ હેક્ટર સામે 6.89 ટકા ઘટીને 301.49 લાખ હેક્ટરની સપાટીએ રહ્યો છે. આ ઉપરાંત કઠોળનો વાવેતર વિસ્તાર પણ ગત સાલના સમાનગાળાના 101.60 લાખ હેક્ટર સામે 6.41 ટકા ઘટીને 95.18 લાખ હેક્ટર રહ્યો છે. કઠોળના વાવેતરમાં મુખ્યત્વે તુવેરનો વાવેતર વિસ્તાર 3.53 ટકા ઘટીને 34.91 લાખ હેક્ટર (38.44 લાખ હેક્ટર), મગનો વાવેતર વિસ્તાર 3.53 ટકા ઘટીને 29.22 લાખ હેક્ટર (32.23 લાખ હેક્ટર), મઠનો વાવેતર વિસ્તાર 1.72 ટકા ઘટીને 6.95 લાખ હેક્ટર (8.66 લાખ હેક્ટર) અને અન્ય કઠોળનો વાવેતર વિસ્તાર 0.19 ટકા ઘટીને 2.85 લાખ હેક્ટર (3.04 લાખ હેક્ટર)ની સપાટીએ રહ્યો હતો. જોકે, અડદનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 19.04 લાખ હેક્ટર સામે 2.03 ટકા વધીને 21.08 લાખ હેક્ટર અને કળથીનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાની સમકક્ષ 18,000 હેક્ટરની સપાટીએ રહ્યો હતો.
ગત 31મી જુલાઈ સુધીમાં કડ ધાન્ય અથવા તો જાડા ધાન્ય અથવા તો શ્રી ધાન્યનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 170.60 લાખ હેક્ટર સામે 12.83 ટકાના ઘટાડા સાથે 157.77 લાખ હેક્ટરના સ્તરે રહ્યો હતો. જેમાં જુવારનો વાવેતર વિસ્તાર 0.45 ટકા ઘટીને 12.16 લાખ હેક્ટર (12.61 લાખ હેક્ટર), બાજરાનો વાવેતર વિસ્તાર 4.20 ટકા ઘટીને 57.44 લાખ હેક્ટર (61.64 લાખ હેક્ટર), રાગીનો વાવેતર વિસ્તાર 0.93 ટકા ઘટીને 1.87 લાખ હેક્ટર (2.80 લાખ હેક્ટર), નાની બાજરીનો વાવેતર વિસ્તાર 0.66 ટકા ઘટીને 2.75 લાખ હેક્ટર (3.40 લાખ હેક્ટર) અને મકાઈનો વાવેતર વિસ્તાર 6.59 ટકા ઘટીને 83.56 લાખ હેક્ટર (90.15 લાખ હેક્ટર)ની સપાટીએ રહ્યો હતો.
જોકે, સમીક્ષા હેઠળના સમયગાળા સુધીમાં તેલીબિયાનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 171.13 લાખ હેક્ટર સામે સાધારણ 1.19 ટકા વધીને 172.32 લાખ હેક્ટર રહ્યો છે. જેમાં મગફળીનો વાવેતર વિસ્તાર 1.16 ટકા વધીને 43.06 લાખ હેક્ટર (41.90 લાખ હેક્ટર), સૂર્યમુખીનો વાવેતર વિસ્તાર 0.41 ટકા વધીને 98,000 હેક્ટર (58,000 હેક્ટર), તલનો વાવેતર વિસ્તાર 1.10 ટકા વધીને 9.27 લાખ હેક્ટર (8.17 લાખ હેક્ટર) અને અન્ય તેલીબિયાંનો વાવેતર વિસ્તાર 0.04 ટકા વધીને 10,000 હેક્ટર (5000 હેક્ટર)ના સ્તરે રહ્યો છે, જ્યારે સોયાબીનનો વાવેતર વિસ્તાર 0.84 ટકા ઘટીને 117.68 લાખ હેક્ટર (118.52 લાખ હેક્ટર), ખુરસાણીનો વાવેતર વિસ્તાર 0.02 ટકા ઘટીને 10,000 હેક્ટર (12,000 હેક્ટર) અને એરંડાનો વાવેતર વિસ્તાર 0.65 ટકા ઘટીને 1.13 લાખ હેક્ટર (1.79 લાખ હેક્ટર)ની સપાટીએ રહ્યો છે.
વધુમાં ગત 31મી જુલાઈ સુધીમાં રોકડિયા પાકમાં શેરડીનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 56.72 લાખ હેક્ટર સામે 0.86 ટકા વધીને 57.58 લાખ હેક્ટર, જ્યૂટ અને મેસ્ટાનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 6.21 લાખ હેક્ટર સામે 0.12 ટકા વધીને 6.33 લાખ હેક્ટર અને કપાસનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 106.06 લાખ હેક્ટર સામે 2.52 ટકાના ઘટાડા સાથે 103.539 લાખ હેક્ટરની સપાટીએ રહ્યો હોવાનું મંત્રાલયે આંકડાકીય માહિતીમાં ઉમેર્યું હતું.