અમદાવાદ - નવી દિલ્હીઃ હવામાન વિભાગે ફરી દેશના અનેક રાજ્યોમાં આંધી-વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદની આગાહી છે. દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન 60 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ગુજરાતમાં ક્યાં છે વરસાદની એલર્ટ
હવામાન વિભાગે રાજ્યમાં 10 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. દેશમાં નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું હોવાથી અને ઉત્તરી પાકિસ્તાન તરફ સક્રિય વિવિધ સિસ્ટમોને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. 6 જૂન એટલે કે આજે સમગ્ર રાજ્યમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વાવાઝોડાનો માહોલ રહેશે, જેના પગલે ઉત્તર ગુજરાતના પંચમહાલ-દાહોદ, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ કે વરસાદી ઝાપટાં પડવાની પ્રબળ શક્યતા છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. ગુજરાતના તમામ જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કલાકના 40થી 50 કિમીની તીવ્ર ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારે ગાજવીજ સાથે વાવાઝોડાનો માહોલ સર્જાવાની પ્રબળ સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્ય પાકિસ્તાન અને તેની આસપાસના ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન પર નીચલા ક્ષોભમંડળ સ્તરે એક સાયક્લોન સર્કુલેશન સક્રિય છે. આ સિવાય ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારમાં નીચલા અને મધ્ય ક્ષોભમંડળ સ્તરો વચ્ચે પણ સાયક્લનોન સર્કુલેશન સર્જાયું છે.
હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. કેરળમાં 6 અને 7 જૂનના રોજ કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ થવાની પણ સંભાવના છે. બીજી તરફ, ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં પણ આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદનો દોર ચાલુ રહી શકે છે.
ચોમાસાની પ્રગતિ અને અન્ય રાજ્યોની સ્થિતિ
હવામાન વિભાગના અંદાજ મુજબ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 5 જૂનના રોજ કર્ણાટક, તમિલનાડુ અને ગોવાના ઘણા ભાગોમાં આગળ વધવાની સાથે વધુ તીવ્ર બન્યું છે. આગામી 48 થી 72 કલાકમાં ચોમાસું મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, અરબી સમુદ્ર અને ઉત્તર-પૂર્વ ભારતના અન્ય ભાગોમાં પણ આગળ વધી શકે છે.
IMDની અન્ય રાજ્યો માટે આગાહી
બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં અલગ-અલગ દિવસોમાં તેજ પવન સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન વાવાઝોડું અને વીજળી પડવાની પણ આશંકા છે.