Tue Apr 21 2026

Logo

એ ડસ્ટબિન નહીં... તિજોરી છે!

2026-03-26 10:39:00
Author: Mumbai Samachar Team
Article Image

કૌશિક મહેતા

ડિયર હની,
રાજકોટમાં કડવા પટેલ સમાજનું એક મોટું સંમેલન યોજાયું હતું અને એમાં વિષય હતો પરંપરા અને પરિવર્તન. રાજકોટના સાંસદ પુરુષોતમ રૂપાલાએ આજના સમાજની કડવી વાસ્તવિકતાની વાત કરી. એમણે કહ્યું કે, ‘આજની યુવતીઓ ઘરના વડીલોને ડસ્ટબિન સમજે છે. અને આ યુવતીઓ સંયુક્ત કુટુંબમાં પરણવા તૈયાર નથી હોતી.’

પાંચ-સાત વર્ષ પહેલા મેં એક યુવક પાસેથી સાંભળેલું કે, ‘પહેલી મીટિંગ થઇ એમાં સામેની યુવતીએ પુછ્યું કે, ‘ઘરમાં કેટલા ડસ્ટબિન છે..?’ હું તો સમજ્યો નહિં પછી એણે ફોડ પાડ્યો કે, ‘ઘરમાં વૃદ્ધો કેટલા..?!’ યુવકે કહ્યું, આ સવાલનો એને શું જવાબ આપું?  

-પણ આ સવાલનો જવાબા આપવો જોઈએ, આપવો પડશે. એ વાત સાચી કે, આજની યુવતીઓ સંયુક્ત કુટુંબમાં પરણવા માગતી નથી. એ એની પસંદગી છે પણ એ વૃદ્ધોને ડસ્ટબિન કહે એવો અધિકાર એને કોણે આપ્યો?

માન્યું કે, આજની યુવતીઓ શિક્ષિત અને આત્મનિર્ભર છે. તે પોતાનું કરિયર, સમય અને જીવનશૈલી પોતાના પ્રમાણે જીવવા માંગે છે. સંયુક્ત કુટુંબમાં ઘણી વખત વ્યક્તિગત સ્પેસ ઓછું મળે છે. એ ય દલીલમાં દમ છે કે, ઘણી યુવતીઓ કામકાજ કરતી હોય છે. સંયુક્ત કુટુંબમાં ઘરેલુ જવાબદારીઓ વધારે હોય તો કરિયર પર અસર પડી શકે છે.

પણ એટલે વૃદ્ધો ડસ્ટબિન બની જતા નથી. આવી યુવતીઓને કહેવું જોઈએ કે વડીલો એ ડસ્ટબિન નહીં પણ તિજોરી છે. એના પુરતાં કારણો છે. તેમની પાસે અનુભવનું ભાથું છે જે કોઈ ગૂગલ કે પુસ્તક આપી શકતું નથી. મુશ્કેલીના સમયે તેમનું એક આશ્વાસન આખા પરિવારને હિંમત આપી શકે છે. બાળકો માટે દાદા-દાદી કે નાના-નાની એ વાર્તાઓ અને સંસ્કારનો અખૂટ સ્ત્રોત છે.

આજ આપણે જોઈએ છે કે, મમ્મીઓને વાર્તા આવડતી નથી એટલે એ મોબાઈલ ફોનમાં રાઈમ્સ અને બીજું બધું બતાવે છે. ઉપરાંત બાળક ઉછેર કેમ કરવો એનો એને અનુભવ ના હોય એ સ્વાભાવિક છે.

ત્યારે દાદા દાદી કામ લાગે છે. એમની પાસે કેટલાક ઘરગથ્થુ અને અકસીર ઉપાયો હોય છે અને આજની મમ્મીઓ નાની વાતમાં ડોક્ટર પાસે દોડી જાય છે એવું દાદા દાદી હોય તો નોબત આવતી નથી.

હા, દલીલો થાય છે કે, ન્યુક્લિયર ફેમિલીમાં દંપતી પોતાના નિર્ણયો સરળતાથી લઈ શકે છે, જ્યારે સંયુક્ત કુટુંબમાં મોટા લોકોનો પ્રભાવ વધુ રહે છે. અને જૂની અને નવી પેઢી વચ્ચે જીવનશૈલી, મૂલ્યો અને અપેક્ષાઓમાં તફાવત હોય છે, જેના કારણે મતભેદ થઈ શકે-ઘર્ષણ થઈ શકે. પતિ- પત્ની માટે પ્રાઈવસી મહત્ત્વની છે, જે સંયુક્ત કુટુંબમાં ઓછું મળતું હોય છે, પરંતુ દરેક સિક્કાની બીજી બાજુ હોય છે અને બધી યુવતીઓ એવું વિચારે છે એવું નથી. 

યુવતીઓ સંયુક્ત કુટુંબને પસંદ પણ કરે છે, કારણ કે, એકલા રહેવામાં ઘણીવાર એવું બને છે કે, કોઈ વાતે નિરાશ કે હતાશ હો ત્યારે કોઈ સહારો કે સલાહ મળતા નથી. સંયુક્ત પરિવારમાં લાગણીનો સભર સપોર્ટ મળે છે. સૌથી મહત્ત્વની વાત બાળકોની સંભાળમાં સહાય મળે છે. પરિવાર સાથેનો સંબંધ મજબૂત બને છે.

આજે માણસ એકલો પડતો જાય છે, સંયુક્ત કુટુંબ હોય તો અન્ય સભ્યોનો સંગ મળે છે અને એકલતા ઓછી રહે છે.

તારા-મારા લગ્નને ખાસ્સો સમય થઇ ગયો. આપણે બંને વચ્ચે પહેલી મીટિંગ થઇ ત્યારે બીજા બધા પ્રશ્નો એકબીજાને પૂછ્યા હતા પણ ઘરમાં કેટલા ડસ્ટબિન છે એવો પ્રશ્ન આવ્યો નહોતો. ત્યારે આ શબ્દ પ્રચલિત પણ નહોતો અને એવી ભાવના પણ જોવા મળતી નહોતી.

30-35 વર્ષમાં ચિત્ર બદલાઈ ગયું છે. યુવતીઓ વધુ ભણે છે. કમાય છે. પગભર થઇ છે. એ સારી નિશાની છે, પણ આ જ સમયમાં સંયુક્ત કુટુંબ ઘટતા ગયા છે. વિભક્ત કુટુંબની સંખ્યા વધતી જાય છે.

પરિવારની વ્યાખ્યા એટલી જ રહી છે કે, હૂતો - હુતી અને એમના એક કે બે બાળકો.

-તો શું આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી?. શોધીએ તો ઉકેલ જડી આવે છે. એવો જ ઉકેલ શોધી કઢાયો છે જેનું નામ છે, ‘ડિસ્ટન્સ વિથ ડિવોશન...’ આજના આધુનિક યુગનો આ એક બહુ જ પ્રાયોગિક અને સંતુલિત અભિગમ છે. આ વિચારધારા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, સંબંધોમાં મીઠાશ જાળવવી અને સાથે સાથે વ્યક્તિગત મોકળાશ પણ મેળવવી.

આજના સમયમાં દરેક વ્યક્તિની પોતાની જીવનશૈલી, ખાવા-પીવાની આદતો અને કામના કલાકો અલગ હોય છે. ‘ડિસ્ટન્સ વિથ ડિવોશન’માં પરિવારના સભ્યો એક જ બિલ્ડિંગમાં અલગ ફ્લેટમાં અથવા એક જ સોસાયટીમાં નજીક-નજીક રહે છે. આનાથી દખલગીરી ઓછી થાય છે અને આદર મર્યાદા જળવાય છે. જ્યારે તમે 24 કલાક સાથે નથી હોતા, ત્યારે જ્યારે પણ મળો છો ત્યારે વાતો કરવા માટે નવા વિષયો હોય છે અને એકબીજા પ્રત્યેનો પ્રેમ વધુ ગાઢ બને છે. રવિવારની રજા કે તહેવારોમાં આખું પરિવાર સાથે મળીને જમે ત્યારે તે સમય વધુ યાદગાર બને છે.

નજીક રહેવાથી વડીલોને જ્યારે પણ જરૂર પડે ત્યારે સંતાનો હાજર રહી શકે છે. તેવી જ રીતે, બાળકો પણ દાદા-દાદી પાસે જઈને વાર્તાઓ સાંભળી શકે છે અને સંસ્કારો મેળવી શકે છે એટલે કે એકલતા પણ નથી રહેતી અને ગૂંગળામણ પણ નથી થતી. શું આ વર્તમાન સમસ્યાનો સાચો ઉકેલ છે? આ દિશામાં વિચારવાનો સમય પાકી ગયો છે. 

તને શું લાગે છે? વળતી ટપાલે જણાવજે.
તારો બન્ની