Fri Aug 28 2026

Logo

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના કુટુંબને  25.71 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ

2026-07-15 16:29:48
Author: Yogesh D. Patel
માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના કુટુંબને  25.71 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ

થાણે: થાણે મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) સાત વર્ષ અગાઉ ટેન્કર નીચે કચડાઇ મૃત્યુ પામેલા 28 વર્ષના યુવકના કુટુંબને 25.71 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

ટ્રિબ્યુનલે મંગળવારે આપેલા પોતાના આદેશમાં કેસની યોગ્ય તપાસ કરવામાં નિષ્ફળ રહેવા બદલ પોલીસની ઝાટકણી કાઢી હતી અને એવું નોંધ્યું હતું કે અકસ્માતમાં સામેલ વાહનના બોનટ પર ‘મહારાષ્ટ્ર સરકાર’ લખ્યું હતું. 

ટ્રિબ્યુનલના આદેશ અનુસાર ગણેશ ધુલા પાટીદાર ભિવંડી વિસ્તારમાં ચાનો સ્ટોલ ધરાવતો હતો. 12 ફેબ્રુઆરી, 2019ના રોજ પૂરપાટ વેગે આવેલા ટેન્કરે અડફેટમાં લેતાં તે ગંભીર રીતે ઘવાયો હતો અને હોસ્પિટલમાં લઇ જતી વખતે તેનું મૃત્યુ થયું હતું. બાદમાં તેના પરિવારે વળતર માટે દાવો દાખલ કર્યો હતો.

વીમા કંપનીએ દાવાનો વિરોધ કરતા દલીલ કરી હતી કે ગણેશ પાટીદાર માનસિક રીતે અક્ષમ હતો અને તેણે વાહન સામે આવીને આત્મહત્યા કરી હતી. જોકે ટ્રિબ્યુનલે વીમા કંપનીના દાવાને ફગાવી દીધો હતો.

જજે જણાવ્યું હતું કે મૃતક ટેન્શનમાં હતો અને ટેન્શનમાં તેણે આત્મહત્યા કરી હોવાનો કોઇ પુરાવા રેકોર્ડ પર નથી. એમએસીટીનાં સભ્ય આર. વી. મોહિતેએ મૃતકના શોકગ્રસ્ત ભાઇનું અસ્પષ્ટ નિવેદન નોંધવા અને એફઆઇઆર દાખલ કરવામાં નિષ્ફળ રહેવા બદલ સ્થાનિક ભોઇવાડા પોલીસની ટીકા કરી હતી. 

ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે અકસ્માતમાં સંડોવાયેલા ટેન્કરના બોનટ પર મહારાષ્ટ્ર સરકાર લખેલું હોવાથી તપાસ ન કરવા બદલ પોલીસના વર્તન પર શંકા ઊભી થાય છે. ટ્રિબ્યુનલે ટેન્કરના માલિક અને વીમા કંપનીને અરજીની તારીખથી વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે 25.71 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

(પીટીઆઇ)