Sun Sep 06 2026

Logo

સુરતમાં ભારે વરસાદને કારણે બીઆરટીએસ અને સિટી બસના રૂટમાં ડાયવર્ઝન; 2 પરીક્ષા મુલતવી

2026-07-25 17:45:26
Author: Devayat Khatana
સુરતમાં ભારે વરસાદને કારણે બીઆરટીએસ અને સિટી બસના રૂટમાં ડાયવર્ઝન; 2 પરીક્ષા મુલતવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: દક્ષિણ ગુજરાતમાં પડેલા અનરાધાર વરસાદને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ત્યારે ડાયમંડ સિટી સુરતમાં પડી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકા દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી હતી. મુસાફરોની સલામતીને પ્રાધાન્ય આપતાં મનપા સંચાલિત બીઆરટીએસ અને સિટી બસની કુલ 6 સેવાઓમાં રૂટ ડાયવર્ઝન તથા રૂટ ટૂંકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં 4 બીઆરટીએસ રૂટ અને 2 સિટી બસ રૂટનો સમાવેશ થાય છે.

બીઆરટીએસ સેવાઓમાં, સરોલી અને કુંભારિયા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે રૂટ નંબર 13 અમેઝિયાથી સાબર ગામ સુધી રિંગ રોડ મારફતે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. મગોબ પરવત ખાડી પાસે પાણી ભરાવાના લીધે રૂટ નંબર 15એસી આલથાણ ટર્મિનલથી આલથાણ ટર્મિનલ (એન્ટિ ક્લોકવાઇઝ) હવે આલથાણ ટર્મિનલ - જય જોગણી માતા બીઆરટીએસ-આલથાણ ટર્મિનલ વચ્ચે જ ચલાવવામાં આવશે, જ્યારે રૂટ નંબર 15સી (ક્લોકવાઇઝ) આલથાણ ટર્મિનલ - અમેઝિયા - આલથાણ ટર્મિનલ વચ્ચે સંચાલિત થશે. એ જ કારણોસર રૂટ નંબર 16 સચિન જીઆઈડીસી જંક્શનથી કોસાડ સુધીનો રૂટ જય જોગણી માતા બીઆરટીએસ સુધી ટૂંકો કરાયો છે, અને રૂટ નંબર 21 ઝગીરપુરાથી આલથાણ ટર્મિનલ સુધીનો રૂટ ઝગીરપુરાથી અમેઝિયા તથા આલથાણ ટર્મિનલથી જય જોગણી માતા બીઆરટીએસ સુધી મર્યાદિત કરવામાં આવ્યો છે.

સિટી બસ સેવાઓની વાત કરીએ તો, મીઠી ખાડી ખાતે પાણી ભરાવાના કારણે રૂટ નંબર 254 કતારગામથી લિંબાયત સુધીનો રૂટ કિન્નરી સિનેમા સુધી ટૂંકો કરાયો છે, જ્યારે ડુંભાલ વિસ્તારમાં પાણી ભરાવાના લીધે રૂટ નંબર 504 ભેસ્તાનથી અમેઝિયા સુધીનો રૂટ નારાયણ નગર સુધી કરવામાં આવ્યો છે. મનપા દ્વારા મુસાફરોને આ ફેરફારોની નોંધ લેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી.

આ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે 26 જુલાઇના રોજ યોજાનાર લેબોરેટરી ટેકનીશ્યન અને ત્રીજી શ્રેણી કલાર્ક (ઓડિટ)ની લેખિત પરીક્ષા હાલ રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના કારણે મુલતવી રાખવામાં આવી છે. મનપા દ્વારા સંબંધિત ઉમેદવારોને આ બાબતની નોંધ લેવા તેમજ પરીક્ષાની નવી તારીખ સુરત મહાનગરપાલિકા દ્વારા હવે પછી અલગથી જાહેર કરવામાં આવશે તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.