ભરત ભારદ્વાજ
ભારતમાં મોરલ પોલિસિંગ વધી રહ્યું છે અને નૈતિકતાના ઠેકેદારોનો તો રાફડો ફાટી નીકળ્યો છે. રાજકારણીઓ કે જેમના પોતાના બીજા સ્વાર્થ છે એ લોકો મોરલ પોલિસિંગમાં મોખરે હોય છે ને એ સમજી શકાય એવી વાત છે કેમ કે તેના જોરે જ તેમની દુકાન ચાલે છે પણ ન્યાયતંત્ર આ પ્રકારનું મોરલ પોલિસિંગ કરે ત્યારે આઘાત લાગે. સુપ્રીમ કોર્ટે લગ્નનું વચન આપીને બળાત્કાર કરવાના આરોપોને લગતા એક કેસમાં કરેલી ટિપ્પણી સાંભળીને એવી જ લાગણી થઈ.
સુપ્રીમ કોર્ટે બળાત્કારના આરોપો સાથે સંકળાયેલા આ કેસમાં લગ્ન પહેલાંના શારીરિક સંબંધો અંગે આશ્ર્ચર્ય વ્યક્ત કરીને ટિપ્પણી કરી કે, એક છોકરો અને છોકરી લગ્ન પહેલાં શારીરિક સંબંધો કેવી રીતે બાંધી શકે એ જ અમને સમજાતું નથી. મતલબ કે, લગ્ન પહેલાં છોકરા અને છોકરી વચ્ચે શારીરિક સંબંધો ના બંધાવા જોઈએ.
આ કેસમાં મોરલ પોલિસિંગની વાત સાથે બીજી આઘાતજનક વાત પાછી એ છે કે, બળાત્કારના આરોપીએ યુવતી સાથેના શરીર સંબંધનો વીડિયો ઉતાર્યો હતો છતાં સુપ્રીમ કોર્ટે આરોપીના વકીલને યુવતીને વળતર આપીને કોર્ટની બહાર પતાવટ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટનાં મેડમના કહેવા પ્રમાણે, આ બધું સંમતિથી થયું છે એ જોતાં આ પ્રકારના કેસ ચલાવવાના જ ના હોય ને કોઈને દોષિત ઠેરવવાના જ ના હોય. જસ્ટિસ નાગરત્નાએ આ કેસમાં સમાધાનની શક્યતા શોધવા માટે વધુ સુનાવણી બુધવાર પર રાખી છે.
સુપ્રીમ કોર્ટનું વલણ આંચકાજનક કઈ રીતે છે એ સમજવા આખા કેસને સમજવો જરૂરી છે. આ કેસમાં બળાત્કારની ફરિયાદ કરનારી યુવતી 30 વર્ષની છે. આ યુવતીનો 2022માં એક મેટ્રિમોનિયલ સાઇટ મારફતે પરિચય થયો, બંને મળ્યાં અને લગ્ન કરવાનું નક્કી કર્યું પણ પછી યુવક ફરી ગયો ને બીજી યુવતી સાથે પરણી ગયો તેથી યુવતીએ બળાત્કારની ફરિયાદ કરી દીધી. યુવતીનો આરોપ છે કે, યુવકે યુવતી સાથે લગ્ન કરવાનું વચન આપીને દિલ્હી અને પછી દુબઈમાં વારંવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
આ યુવકના કહેવાથી યુવતી દુબઈ ગઈ ત્યારે તેની સંમતિ વિના આરોપીએ અશ્ર્લીલ વીડિયો રેકોર્ડ કર્યા હતા. યુવતીએ વિરોધ કરતાં આ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને ફરી શરીર સંબંધ બાંધ્યા હતા. યુવતી એમ જ માનતી હતી કે, યુવક લગ્ન કરવાનો છે તેથી તેને વાંધો નહોતો પણ પછી યુવતીને જાણ થઈ કે યુવકે 19 જાન્યુઆરી, 2024ના રોજ પંજાબમાં બીજી યુવતી સાથે લગ્ન કરી લીધાં હતાં. યુવતીને ખબર પડી કે, યુવક પોતાને મળ્યો ત્યારે પરણેલો હતો એ વાત પણ છુપાવી હતી અને પરિણીત હોવા છતાં લગ્નનું ખોટું વચન આપીને શરીર સંબંધ બાંધ્યા હતા.
આ વાતની ખબર પડતાં યુવતીએ ફરિયાદ કરતાં યુવકને ઉઠાવીને જેલભેગો કરી દેવાયો. યુવકે જામીન માટે અરજી કરેલી પણ નીચલી અદાલત અને દિલ્હી હાઈ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી. હાઈ કોર્ટે તો સાફ શબ્દોમાં કહેલું કે, આરોપી પહેલેથી જ પરિણીત હતો એ જોતાં તેણે પહેલેથી લગ્નનું ખોટું વચન આપેલું. મતલબ કે, જૂઠું બોલીને યુવતી સાથે છેતરપિંડી કરી હતી. હાઈ કોર્ટનું વલણ યોગ્ય હતું પણ સુપ્રીમ કોર્ટને આ વાત ગમી નથી તેથી તેમણે સમાધાન કરી લેવાનું સૂચન કરી નાખ્યું.
સુપ્રીમ કોર્ટનું આ વલણ પણ આઘાતજનક કહેવાય કેમ કે સુપ્રીમ કોર્ટનું કામ આરોપી દોષિત છે કે નહીં એ નક્કી કરીને સજા આપવાનું છે, સમાધાનો કરાવવાનું નથી. સંપત્તિનો વિવાદ હોય કે બીજી કોઈ દીવાની બાબત હોય તેમાં સુપ્રીમ કોર્ટ સમાધાન માટે આગ્રહ રાખે તો સમજી શકાય કેમ કે તેના કારણે કોર્ટનો અને પક્ષકારોનો પણ સમય અને નાણાં બચી જાય. આ કેસ દીવાની નથી પણ ફોજદારી છે અને બળાત્કારને લગતો છે. બળાત્કાર, હત્યા વગેરે અત્યંત ગંભીર અપરાધો છે ને તેમાં પણ વળતર આપીને સમાધાનો કરાવાય તો પછી કાયદાનો અર્થ શું રહે ? ને કાયદાનો ડર પણ કોને રહે?
આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટે આરોપી સામેના પુરાવાને ધ્યાનમાં રાખીને ચુકાદો આપવો જોઈએ, બીજી લપ્પનછપ્પનમાં ના પડવું જોઈએ. બહુ સાદી વાત છે કે યુવતીએ ખોટો કેસ કર્યો હોય તો આરોપીને છોડી મૂકવો જોઈએ ને કેસ સાચો હોય તો સજા કરવી જોઈએ. તેના બદલે સુપ્રીમ કોર્ટ પોતે જ આ સંબધો સંમતિથી બંધાયેલા હોવાનું તારણ કાઢીને સમાધાન કરાવવા મથે છે. સુપ્રીમ કોર્ટે બળજબરીથી અશ્લીલ વીડિયો બનાવ્યા કે ખોટું બોલીને યુવતીને ફસાવી એ વાતને પણ ધ્યાનમાં નથી લીધી એ પણ આશ્ચર્યજનક કહેવાય.
સુપ્રીમ કોર્ટની ટિપ્પણીના કેસમાં તો ડોશી મરી જાય તેના કરતાં વધારે મોટો ડર જમડા ઘર ભાળી જાય તેનો છે. સુપ્રીમ કોર્ટ પોતે બળાત્કારના કેસમાં વળતર આપીને સમાધાન કરાવે પછી તેમાંથી પ્રેરણા લઈને નીચલી અદાલતો પણ એ ધંધો માંડીને બેસી જશે. સુપ્રીમ કોર્ટનું કામ આદર્શ સ્થાપવાનું છે પણ તેના બદલે એ ખોટી પ્રણાલિ સ્થાપિત કરે તેનાં બહુ માઠાં પરિણામ આવે. બળાત્કારના ખોટા કેસ કરીને વળતરના નામે ખંખેરવાનો ધંધો પણ ચાલુ થઈ જાય એ પણ મોટું ભયસ્થાન છે.
સુપ્રીમ કોર્ટનું મોરલ પોલિસિંગ તો વધારે આઘાતજનક કહેવાય. લગ્ન પહેલાં છોકરા અને છોકરી વચ્ચે શરીર સંબંધ ના બંધાવા જોઈએ એ આદર્શ સ્થિતી છે. લગ્ન પહેલાંના શરીર સંબંધોના કારણે સમસ્યાઓ સર્જાતી હોય છે તેનો પણ ઈન્કાર ના થઈ શકે પણ લગ્ન પહેલાંના શારીરિક સંબંધો વ્યક્તિગત બાબત છે અને વધારે મહત્ત્વની વાત એ છે કે, કાનૂની રીતે માન્ય છે.
આ દેશમાં લગ્ન પહેલાં શરીર સંબંધ ના બાંધવા જોઈએ એવો કાયદો નથી ને સુપ્રીમ કોર્ટનું તો કામ જ કાયદાનું રક્ષણ ને અમલ કરવાનું છે ત્યારે સુપ્રીમ કોર્ટ લગ્ન પહેલાંના શરીર સંબંધો અંગે આશ્ર્ચર્ય કઈ રીતે વ્યક્ત કરી શકે ? આ દેશના કાયદા પ્રમાણે, છોકરી 18 વર્ષની ને છોકરો 21 વર્ષની ઉમંર વટાવે પછી પુખ્ત ગણાય. તેમને પોતાની મરજીથી વર્તવાનો અધિકાર છે ને તેમાં શરીર સંબંધ પણ આવી ગયા એ જોતાં છોકરો-છોકરી.
મેડમ જસ્ટિસ નાગરત્નાએ પોતે જુનવાણી હોવાનો ઉલ્લેખ કર્યો એ પણ આશ્ર્ચર્યજનક કહેવાય. સુપ્રીમ કોર્ટ કઈ રીતે જુનવાણી કહેવાય ? વ્યક્તિગત રીતે જુનવાણી હોવામાં કશું ખોટું નથી. આ દેશમાં દરેક વ્યક્તિને પોતાની માન્યતાઓ રાખવાનો અધિકાર છે પણ સુપ્રીમ કોર્ટના જજની ખુરશી પર કે બીજા કોઈ પણ જાહેર હોદ્દા પર બેસો પછી વ્યક્તિગત માન્યતાઓને બાજુ પર મૂકીને બંધારણે નક્કી કરેલી ફરજો પ્રમાણે વર્તવાનું હોય, વ્યક્તિગત અભિપ્રાયો કે માન્યતાઓ ના વ્યક્ત કરવાની હોય. ભારતમાં જાહેર જીવનમાં પડેલી મોટા ભાગની વ્યક્તિઓ આ ભેદરેખા સમજતી નથી પણ સુપ્રીમ કોર્ટનાં જજ એ ભેદરેખા ના સમજે એવી આશા નહોતી જ.