લંડનઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ફ્રૅન્ચાઇઝીઓની માલિકી ધરાવનારાઓ સાઉથ આફ્રિકા અને યુએઇની લીગ ટૂર્નામેન્ટની ટીમો ઉપરાંત ઇંગ્લૅન્ડની `ધ હન્ડ્રેડ' ટૂર્નામેન્ટની ટીમોની પણ માલિકી ધરાવે છે અને એમાંની એક ટીમ સનરાઇઝર્સ લીડ્સે બુધવારે પાકિસ્તાનના સ્પિનર અબ્રાર અહમદ (Abrar ahmed)ને ખરીદ્યો એ સામે સોશ્યલ મીડિયામાં ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓમાં જાગેલા વિરોધના દાવાનળ વચ્ચે આ ટીમના હેડ-કોચ ડેનિયલ વેટોરીએ અબ્રારને ખરીદવા સંબંધમાં સ્પષ્ટપણે ક્રિકેટલક્ષી હેતુ સહિત કેટલાક કારણો આપ્યા છે.
પહેલી વાત એ છે કે `ધ હન્ડ્રેડ'ની ટીમોના ભારતીય માલિકો એક પણ પાકિસ્તાની ખેલાડીને નહીં ખરીદે એવી સંભાવનાની ખૂબ ચર્ચા હતી. જોકે વેટોરીએ કહ્યું છે કે `ધ હન્ડ્રેડ માટેના પ્લેયર્સ ઑક્શનમાં પાકિસ્તાની ખેલાડીઓને નહીં ખરીદવાના એવી અમારા ફ્રૅન્ચાઇઝીમાં કોઈ જ આંતરિક ચર્ચા નહોતી થઈ. અમે તો ઑક્શનમાં જે ખેલાડીઓના નામ હતા એમાંથી અમારી પસંદગીના શ્રેષ્ઠ પ્લેયરને ખરીદવાના હતા.'
રણનીતિ બદલી અને અબ્રારને ખરીદ્યો
સન ટીવી નેટવર્ક આઇપીએલની સનરાઇઝર્સ હૈદરાબાદ તેમ જ `ધ હન્ડ્રેડ'ની સનરાઇઝર્સ લીડ્સ ટીમની માલિકી ધરાવે છે. કાવ્યા મારન આ ફ્રૅન્ચાઇઝીની સીઇઓ છે. આ ફ્રૅન્ચાઇઝીએ અબ્રારને 2.34 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ભારતીય માલિકીના ગ્રૂપે પાકિસ્તાની પ્લેયરને ખરીદ્યો હોવાની આ પહેલી જ ઘટના છે. સધર્ન બે્રવ નામના ફ્રૅન્ચાઇઝીએ પાકિસ્તાની મૂળના બ્રિટિશ સ્પિનર આદિલ રાશીદને ખરીદી લીધો એટલે વેટોરીવાળા ફ્રૅન્ચાઇઝીએ વ્યૂહરચના બદલી હતી અને પાકિસ્તાનના અબ્રારને ખરીદવા પર બધુ ધ્યાન આપ્યું હતું. તેને ખરીદીને મને ખૂબ આનંદ થયો છે.'
હૈદરાબાદના ફ્રૅન્ચાઇઝીના ફૉલોઅર્સ ઘટ્યા
અબ્રારને ભારતના સનરાઇઝર્સ ફ્રૅન્ચાઇઝીએ પોતાના સ્ક્વૉડમાં સામેલ કર્યો એને પગલે સોશ્યલ મીડિયામાં વિવાદ વકર્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફૉલોઅર્સની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. સનરાઇઝર્સ લીડ્સના સત્તાવાર અકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયા હોવાની ચર્ચા વચ્ચે જાણવા મળ્યું હતું કે અકાઉન્ટ ફરી ઍક્ટિવ થઈ ગયું છે.