Sat Jul 25 2026

Logo

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સોનમ વાંગચુકે શું કહ્યું? નિવેદનથી વધી ચર્ચા

2026-07-25 16:34:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ દિલ્હીના જંતરમંતર પર કોક્રોચ જનતા પાર્ટીના ધરણા પ્રદર્શનને લઈ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. આ રાજીનામા બાદ ધરણા પ્રદર્શનના મુખ્ય વ્યક્તિ રહેલા સોનમ વાંગચૂકે પોતાની વાત સ્પષ્ટ કરી છે. તેમણે કહ્યું કે, આ જીતનો સંપૂર્ણ શ્રેય દેશના આ યુવાનોને જાય છે. સામાન્ય માણસે જે સાહસ કર્યું છે એની પણ નોંધ લેવાવી જોઈએ. સોનમ વાંગચૂકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું કે, આ લોકતંત્રની જીત છે.રસ્તા પરનું આંદોલન ડાયરેક્ટ લોકતંત્ર સુધી પહોંચ્યું છે. શાંતિ, ધૈર્ય અને અડગ સંકલ્પની આ જીત છે. લાખો યુવાનોને સમર્થન છે જેણે આ વ્યવસ્થા સામે મોરચો માંડ્યો હતો. 

નાગરિકોનો આભાર માન્યો
દેશભરમાં લાંબા સમય સુધી યથાવત રહેલા અને રસ્તા પર ઊતરેલા યુવાનોના અવાજની આ અસર છે. સરકાર ઝુકી ગઈ જેને પ્રજાની તાકાતના અર્થમાં જોવામાં આવી રહ્યું છે. નાગરિકોના નીડર અભિગમને સલામ કરતા વાંગચૂકે લખ્યું કે, CJP અને દેશની ઝેન-ઝી પ્રજાને અભિનંદન. દેશના દરેક ખૂણામાંથી ઊભા થયેલા અને ડરને પાછળ મૂકી આગળ આવનારા દરેક નાગરિકોનો ધન્યવાદ. આ કોઈ સંઘર્ષનો અંત નથી. પણ એક નવી શરૂઆત છે. જવાબદારીથી હવે સુધારા તરફ. સતત 26 દિવસ સુધી અનશન પર ઊતરેલા સોનમ વાંગચૂકે શુક્રવાર (24 જુલાઈ)ના રોજ પોતાના ધરણા સમાપ્ત કર્યા હતા. ગુરૂગ્રામની મેંદાતા હોસ્પિટલમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા ને ડૉ. જિતેન્દ્ર સિંહે જ્યૂસ પીવડાવીને હોસ્પિટલમાંથી ધરણાનો અંત લાવ્યો હતો. સરકારે પણ ભરોસો અપાવ્યો હતો કે, એમના મુદ્દાઓ પર ગંભીર રીતે ધ્યાન આપવામાં આવશે. 

સરકારનું આશ્વાસન
સરકારે આશ્વાસન આપ્યું કે, જંતરમંતર પર શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા કોઈ યુવાનોની સામે કોઈ પ્રકારની પોલીસ કાર્યવાહી નહીં થાય. આ ભરોસા બાદ જ વાંગચૂકે ઉપવાસ આંદોલનનો અંત કરવાનો નિર્ણય કર્યો હતો. ખાસ કરીને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાનો તેને પોતાની જીત ગણાવી રહ્યા છે. વિદ્યાર્થી એકતા જિંદાબાદના નારા લગાવી રહ્યા છે. કોક્રોચ જનતા પાર્ટીએ કહ્યું કે, સરકાર પાસે અમારી હજુ બે માગ છે.જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે એ વિદ્યાર્થીઓના પરિવારજનોને 1 કરોડની આર્થિક સહાય આપવામાં આવે.આ ઉપરાંત પોલીસે જે લાઠીચાર્જ કર્યો એની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે. અભિજીત દિપકેએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ આ પ્રકારની માગ કરી છે. વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા યુવાનો એવું કહી રહ્યા છે કે, આ માગને લઈને સરકાર સાથે વાત કરવામાં આવી છે.