Wed Aug 26 2026

Logo

"અદાલતોનું કામ ધર્મની વ્યાખ્યા કરવાનું નથી" સબરીમાલા વિવાદમાં કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ

2026-04-07 12:02:00
Author: Devayat Khatana
"અદાલતોનું કામ ધર્મની વ્યાખ્યા કરવાનું નથી" સબરીમાલા વિવાદમાં કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ

નવી દિલ્હી: સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશની મંજૂરી આપતા 2018ના ઐતિહાસિક ચુકાદા સામે દાખલ થયેલી પુનઃવિચાર અરજીઓ પર કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્વે દાખલ કરેલી વિગતવાર લેખિત દલીલોમાં કેન્દ્ર સરકારે પુનઃવિચાર અરજીઓનું સમર્થન કર્યું છે. સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે આ મામલો માત્ર લિંગ સમાનતાનો નથી, પરંતુ તે લાખો ભક્તોની ધાર્મિક આસ્થા, સદીઓ જૂની પરંપરાઓ અને સંપ્રદાયની સ્વાયત્તતા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલો વિષય છે.

કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં અદાલત સમક્ષ દલીલ કરી હતી કે ધાર્મિક પરંપરાઓને આધુનિકતા કે વૈજ્ઞાનિકતાના માપદંડો પર પરખવી એ ન્યાયિક અતિક્રમણ સમાન ગણાશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક વિધિઓ તર્કસંગત છે કે નહીં તે નક્કી કરવું એ બંધારણીય સમીક્ષાનો ભાગ ન હોઈ શકે. જો અદાલતો ધાર્મિક પ્રથાઓની સમીક્ષા આવા ભૌતિક ધોરણો પર કરશે, તો તે પોતાના દાર્શનિક વિચારો ધર્મ પર થોપવા જેવું ગણાશે, જે બંધારણીય ભાવનાની વિરુદ્ધ છે.

સરકારે વધુમાં એવી તાર્કિક રજૂઆત કરી છે કે અદાલતોએ ધાર્મિક ગ્રંથો કે ધર્મની વ્યાખ્યા કરવાની જવાબદારીથી દૂર રહેવું જોઈએ. દલીલોમાં જણાવાયું છે કે ન્યાયાધીશો ધાર્મિક ગ્રંથોના અર્થઘટન કરવા અથવા ગહન ધાર્મિક પ્રશ્નો પર ચુકાદો આપવા માટે સંસ્થાગત રીતે સક્ષમ કે પ્રશિક્ષિત હોતા નથી. ધર્મની આંતરિક બાબતોમાં અદાલતની દખલગીરી આસ્થાના મૂળભૂત માળખાને નુકસાન પહોંચાડી શકે છે, તેથી ધાર્મિક માન્યતાઓમાં ન્યાયતંત્રએ હસ્તક્ષેપ ન કરવો જોઈએ તેવું કેન્દ્રનું માનવું છે.

કેન્દ્ર સરકારે અનિવાર્ય ધાર્મિક પ્રથાના સિદ્ધાંત પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે કોઈપણ પ્રથા ધર્મ માટે કેટલી અનિવાર્ય છે તે નક્કી કરવાનો અધિકાર માત્ર સંબંધિત ધાર્મિક સંપ્રદાય પાસે હોવો જોઈએ, અદાલતો પાસે નહીં. અદાલતે માત્ર ત્યારે જ દરમિયાનગીરી કરવી જોઈએ જ્યારે કોઈ ધાર્મિક પ્રથાથી જાહેર વ્યવસ્થા, આરોગ્ય, નૈતિકતા અથવા મૂળભૂત અધિકારોનું ગંભીર ઉલ્લંઘન થતું હોય.