સંખુવાસભા, નેપાળ: નેપાલના પૂર્વીય વિસ્તારમાં ભારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.7 નોંધાઈ છે. મળતી વિગતો પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર નેપાળના સંખુવાસભા જિલ્લામાં નોંધાયું છે. ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના કારણે આસપાસના વિસ્તારમાં લોકોમાં ડરનો માહોલ છવાયો હતો. આ ભૂકંપ શુક્રવારે 3 વાગીને 18 મિનિટે આવ્યો હતો. સંખુવાસભા એ નેપાળના કોશી પ્રાંતમાં આવેલો એક જિલ્લો જ્યા આ ભૂકંપ આવ્યો હતો.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7 નોંધાઈ
NEMRC દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે ભૂકંપની તીવ્રતા 4.7 નોંધાઈ હતી. ભૂકંપ આવ્યો ત્યારે મોટાભાગના લોકો ઊંઘમાં હતા, આ દરમિયાન અચાનક ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. મળતી વિગતો પ્રમાણે આ ભૂકંપનું કેન્દ્ર કાઠમંડુથી 400 કિમી દૂર પૂર્વમાં આવેલા સંખુવાસભા-તાપ્લેજંગ સીમા ક્ષેત્ર પાસે નોંધાયું હતું. માત્ર સંખુવાસભા જિલ્લા સિવાય પણ નેપાળના અનેક પૂર્વીય જિલ્લામાં આંચકા અનુભવાયા હતાં.
સિક્કિમમાં ગુરૂવાર આવ્યો હતો ભૂકંપ
ખાસ કરીને વાત કરવામાં આવે તો, સંખુવાસભા સાથે ભાજપુરસ, પંચથરસ, તેહરથુમ અને તાપ્લેજંગ જિલ્લામાં પણ લોકોને આ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. નેપાળ પહેલા ગુરૂવારે સિક્કિમમાં પણ 4.6 અને 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે, પહેલો ભૂંકપ જેની તીવ્રતા 4.6 હતી, તે સવારે 11:24 વાગ્યે આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર અનુસાર, તેનું કેન્દ્ર ગ્યાલશિંગ જિલ્લામાં યુક્સોમથી ચાર કિલોમીટર ઉત્તરપૂર્વમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ સાથે 3.5ની તીવ્રતાનો બીજો ભૂકંપ બપોરે 12:17 વાગ્યે આવ્યો હતો.