નવી દિલ્હી: ભારત સરકારે સરહદ પારથી ચાલતી આતંકવાદી ગતિવિધિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Ministry of Home Affairs - MHA) UAPA હેઠળ વધુ 23 વ્યક્તિઓને સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યા છે. આ અંગે સરકાર દ્વારા ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.
કયા મોટા હુમલાઓ સાથે જોડાયેલા છે આ આતંકીઓ?
નોટિફિકેશન પ્રમણે આ તમામ આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો જેવા કે જૈશ-એ-મોહમ્મદ (JeM), લશ્કર-એ-તૈયબા (LeT) અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) સાથે જોડાયેલા છે. આ તમામ ભારતમાં આતંકીઓની ભરતી, ફંડિંગ, હથિયારોની સપ્લાય અને ઘૂસણખોરી જેવી દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. ગૃહ મંત્રાલયના રિપોર્ટ મુજબ, આ લિસ્ટમાં સામેલ આતંકવાદીઓ ભારતીય સેનાના કેમ્પ પર થયેલા મોટા હુમલાઓના માસ્ટરમાઇન્ડ અને મદદગાર રહ્યા છે.
આ રહ્યું આખું લીસ્ટ
મસૂદ ઇલિયાસ કાશ્મીરી (JeM)ની વાત કરવામાં આવે તો, વર્ષ 2022 માં જમ્મુના સુનજવાં આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલાની કાવતરામાં તેની મુખ્ય ભૂમિકા હતી. મોહમ્મદ મુસદ્દિક (JeM) પર સુનજવાં આર્મી કેમ્પ પર આતંકીઓની ઘૂસણખોરી કરાવવા અને સમગ્ર ઓપરેશનનું સંકલન કરવાનો આરોપ છે. મુફ્તી મોહમ્મદ અસગર ખાન વર્ષ 2016 માં નગરોટા આર્મી કેમ્પ પર થયેલા ભીષણ આતંકી હુમલા માટે જવાબદાર ઘૂસણખોરી નેટવર્કનો તે મુખ્ય ઓપરેટર છે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, હાફિઝ અબ્દુલ શકૂર અને અબ્દુલ્લા જેહાદી પર નગરોટા હુમલા પહેલા સ્થાનિક સ્તરે આતંકીઓને મદદ કરવા, લોજિસ્ટિક્સ આપવા અને પાકિસ્તાનમાં જૈશના ટ્રેનિંગ કેમ્પ ચલાવવાનો તેમના પર આરોપ છે. તે પછી ફિરદોસ અહમદ ભટ અને બિલાલ અહમદ મીર (LeT), આ બંને લશ્કર-એ-તૈયબાના લોન્ચિંગ કમાન્ડર તરીકે કામ કરતા હતા અને સરહદ પારથી હથિયારો તેમજ આતંકીઓની ભારતમાં ઘૂસણખોરી કરાવતા હતા. આમ કુલ 23 ને આતંકવાદી જાહેર કરવામાં આવ્યાં છે.
UAPA કાયદા હેઠળ આ કાર્યવાહીનું શું મહત્વ છે?
UAPA સુધારો (2019)ની વાત કરવામાં આવે તો, અગાઉ આ કાયદા હેઠળ માત્ર આતંકી સંગઠનો પર જ પ્રતિબંધ લગાવી શકાતો હતો. પરંતુ વર્ષ 2019 ના સુધારા બાદ સરકારને કોઈપણ વ્યક્તિગત ગુનેગારને પણ 'આતંકવાદી' જાહેર કરવાની સત્તા મળી છે. આ નવી જાહેરાત બાદ NIA અને અન્ય સુરક્ષા એજન્સીઓ આ તમામ 23 આતંકીઓની સંપત્તિ જપ્ત કરી શકશે, તેમની આર્થિક લેવડદેવડ પર પ્રતિબંધ મૂકી શકશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમને ઘેરી શકાશે.