Tue Sep 22 2026

Logo

શંકાને પગલે લિવ-ઈન પાર્ટનરનું ગળું ચીર્યું: યુવાન આસામમાં પકડાયો

2026-06-03 17:40:00
Author: Yogesh C. Patel
શંકાને પગલે લિવ-ઈન પાર્ટનરનું ગળું ચીર્યું: યુવાન આસામમાં પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બીજા યુવક સાથે સંબંધ હોવાની શંકા પરથી મલાડમાં લિવ-ઈન પાર્ટનરની ગળું ચીરી હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા યુવાનને આસામમાં પકડી પાડવામાં આવ્યો હતો.
માલવણી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ મોહમ્મદ શમસુદ્દીન અબ્દુલ મતીન (29) તરીકે થઈ હતી. સલિમા ખાતૂન (33)ની હત્યાના આરોપસર મતીનને આસામના ભોજાઈ જિલ્લામાંથી મંગળવારે તાબામાં લેવાયો હતો. મુંબઈ લાવવામાં આવેલા આરોપીને કોર્ટે છઠ્ઠી જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

પોલીસના જણાવ્યા મુજબ આસામના વતની મતીન અને કોલકતાની સલિમાની ઓળખાણ સોશ્યલ મિડિયા પર થઈ હતી. બન્ને વચ્ચે મિત્રતા થયા પછી પ્રેમપ્રકરણ શરૂ થયું હતું. પછી છેલ્લા દોઢ મહિનાથી બન્ને લિવ-ઈન રિલેશનશિપમાં મુંબઈમાં માલવણી વિસ્તારના ન્યૂ કલેક્ટર કમ્પાઉન્ડમાં ભાડેના ઘરમાં રહેતાં હતાં.તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીને શંકા હતી કે સલિમા બીજા યુવક સાથે સંબંધ ધરાવે છે અને તેને છેતરી રહી છે. આ મુદ્દે દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા હતા.

કહેવાય છે કે આ જ વાતને લઈ 19 મેના દંપતી વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. રોષમાં આવી આરોપીએ છરીથી સલિમાનું ગળું ચીર્યું હતું. પછી લોહીલુહાણ હાલતમાં સલિમાને છોડી આરોપી ફરાર થઈ ગયો હતો.પોલીસે જણાવ્યું હતું કે સલિમાની બહેન તેને કૉલ કરતી હતી, પરંતુ સલિમા કૉલ રિસીવ કરતી નહોતી. વારંવાર ફોન કરવાને કારણે સલિમાનો મોબાઈલ પણ સ્વિચ ઑફ્ફ થઈ ગયો હતો. દરમિયાન ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ પડોશીઓએ કરી હતી. 

માહિતી મળતાં જ માલવણી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. દરવાજો ખોલતાં જ સલિમાનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમના અહેવાલમાં ગળું ચીરીને હત્યા કરવામાં આવી હોવાની ખાતરી થતાં પોલીસે ગુનો નોંધી આરોપીની શોધ હાથ ધરી હતી. હત્યાના ત્રણ દિવસ પછી સલિમાનો મૃતદેહ મળ્યાનું પોલીસે જણાવ્યું હતું.ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરતાં આરોપી આસામમાં હોવાનું જાણવા મળતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. પકડાયેલા આરોપીએ ગુનો કબૂલ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો.