Mon Nov 16 2026

Logo

ગેરકાયદે સ્કૂલ સામે બીએમસીની કડક કાર્યવાહી: ૧૬૪ શાળાઓમાંથી ૧,૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને અન્યત્ર ખસેડાયા, ૭૭ શાળાઓ વિરુદ્ધ  ગુનો દાખલ

2026-11-02 20:41:26
Author: Sapna Desai
ગેરકાયદે સ્કૂલ સામે બીએમસીની કડક કાર્યવાહી: ૧૬૪ શાળાઓમાંથી ૧,૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને અન્યત્ર ખસેડાયા, ૭૭ શાળાઓ વિરુદ્ધ  ગુનો દાખલ

મુંબઈ: મુંબઈમાં ચાલતી ૧૬૪ ગેરકાયદે સ્કૂલમાં અભ્યાસ કરતા ૧,૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને હવે માન્યતા પ્રાપ્ત સરકારી સ્કૂલ, મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ તથા ખાનગી સ્કૂલમાં  ખસેડવામાં આવ્યા છે.

મળેલ માહિતી મુજબ ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષમાં ૧૬૪ સ્કૂલ બંધ કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી. આ સ્કૂલમાં  લગભગ ૫,૦૦૦ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. પાલિકાના  શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આમાંથી લગભગ ૬૯૦ વિદ્યાર્થીઓને પાલિકા સંચાલિત સ્કૂલમાં  ખસેડવામાં આવ્યા છે, જ્યારે બાકીના ૫૫૦ વિદ્યાર્થીઓને પાલિકા પ્રશાસનની  મદદથી ખાનગી સ્કૂલમાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે.

પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે ગેરકાયદે સ્કૂલમાં ભણતા બાળકોને માન્યતા પ્રાપ્ત સ્કૂલમાં ખસેડવાની પ્રક્રિયામાં વાલીઓ તરફથી પૂરતો સહકાર મળ્યો નથી. પાલિકા દ્વારા એમ-પૂર્વ વોર્ડમાં ગોવંડીના શિવાજી નગર વિસ્તારમાં આવેલી નવી મ્યુનિસિપલ સ્કૂલની બિલ્િંડગમાં એડમિશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ વાલીઓ તરફથી અત્યંત મોળો પ્રતિસાદ રહ્યો હતો. 

પાલિકા પ્રશાસને ગેરકાયદે સ્કૂલ સામેની કાર્યવાહી વધુ તેજ બનાવી છે. અહેવાલ મુજબ ૧૬૪ ગેરકાયદે સ્કૂલમાંથી ૭૭ સ્કૂલ  વિરુદ્ધ પોલીસ ફરિયાદ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એફઆઈઆરમાં નામ ધરાવતી ૭૭ શાળાઓમાંથી ૭૦ સ્કૂલ સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, જેનાં કારણે સ્કૂલના  સંચાલકો સાથે કાનૂની લડાઈ શરૂ થઈ છે. આ દરમ્યાન બોમ્બે હાઈ કોર્ટે એક રિટ પિટિશન પર સુનાવણી કરતા નિર્દેશ આપ્યો છે કે, જ્યાં સુધી અરજી પર સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ગેરકાયદે સ્કૂલ  સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવે. પાલિકા કાયદાકીય  માર્ગદર્શન મેળવી રહ્યું છે. બીજી તરફ કોર્ટના આદેશ અને બાકીની અરજીઓના સંદર્ભમાં પાલિકા તેના લીગલ ડિપાર્ટમેન્ટ  પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યું છે. એવું પણ જાણવા મળ્યું છે કે પાલિકા પ્રશાસને રાજ્ય સરકારને એક પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં ૪૫ પ્રાથમિક સ્કૂલને માન્યતા આપવાની માગણી કરવામાં આવી છે. આ સ્કૂલમાં માધ્યમિક વિભાગ પણ ચલાવવામાં આવી રહ્યા હોવાનું કહેવાય છે.

વધુ જુઓ...