Thu Nov 19 2026

Logo

બૅન્ક સાથે 13.96 કરોડની ઠગાઈ: ત્રણ દિવસમાં બનાવટી આરટીજીએસથી નાણાંની ઉચાપત

2026-11-02 21:05:17
Author: Yogesh C. Patel
બૅન્ક સાથે 13.96 કરોડની ઠગાઈ: ત્રણ દિવસમાં બનાવટી આરટીજીએસથી નાણાંની ઉચાપત

Chat GPT Generated Image


36 બૅન્કનાં 107 ખાતાંમાં 187 ટ્રાન્ઝેક્શનથી રૂપિયા જમા થયા: એક કરોડ કાંદિવલીના વેપારીના ખાતામાં જમા થતાં તેની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
સેન્ટ્રલ બૅન્ક ઑફ ઈન્ડિયાના રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા (આરબીઆઈ) સાથેના ટ્રેઝરી એકાઉન્ટને કથિત રીતે હૅક કરી બનાવટી પેમેન્ટ ઈન્સ્ટ્રક્શન જનરેટ કરીને 13.96 કરોડ રૂપિયાની ઉચાપત કરવાના કેસમાં મહારાષ્ટ્ર સાયબર પોલીસે કાંદિવલીના વેપારીની ધરપકડ કરી હતી. માત્ર ત્રણ દિવસમાં બનાવટી રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા દ્વારા 187 ટ્રાન્ઝેક્શનથી 36 બૅન્કનાં 107 ખાતાંમાં આ નાણાં જમા કરવામાં આવ્યાં હતાં, જેમાંથી એક કરોડ રૂપિયા કાંદિવલીના વેપારીના બૅન્ક ખાતામાં જમા થયા હોવાનું તપાસમાં જણાયું હતું.

મહારાષ્ટ્ર સાયબર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ મેહુલ પ્રવીણચંદ્ર સિમરિયા (49) તરીકે થઈ હતી. આ કેસમાં અન્ય બે આરોપીની ઓળખ છતી થઈ હતી, જેની તપાસ પોલીસ કરી રહી છે.

આ ફ્રોડની જાણ થતાં સાયબર પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. ફરિયાદને આધારે નોડલ સાયબર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(2), 318(3), 318(4) અને 319(2) તેમ જ ઇન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં 13.96 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ હોવાનું જણાવાતાં પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.

બૅન્કના સર્વરમાંની વિગતો અને અન્ય ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરતાં બનાવટી આરટીજીએસથી નાણાંની ઉચાપત કરાઈ હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન અધિકારીઓની ટીમ કાંદિવલીના વેપારી સિમરિયા સુધી પહોંચી હતી. આ ફ્રોડથી ટ્રાન્સફર કરાયેલાં નાણાંમાંથી એક કરોડ રૂપિયા સિમરિયાના બૅન્ક ખાતામાં જમા થયા હતા.

સાયબર પોલીસે જણાવ્યું હતું કે ખાતામાં જમા થયેલા એક કરોડ રૂપિયા અન્ય બૅન્ક ખાતામાં વળતા કરાયા હતા. પછી ખાતામાંથી એ નાણાં કઢાવી તેને ક્રિપ્ટોકરન્સી તરીકે યુએસડીટીમાં ક્ધવર્ટ કરવામાં આવ્યા હોવાનું તપાસમાં જણાયું હતું. આ કેસની વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.