ખાદ્ય સુરક્ષા કાયદામાં આજીવન કેદ અને મૃત્યુદંડની જોગવાઈ, જાલનાના ઘી કૌભાંડ બાદ સરકાર એક્શન મોડમાં!
મુંબઈ: મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) પ્રધાન નરહરિ ઝિરવાલે જણાવ્યું હતું કે હાલના કાયદામાં ખાદ્ય ભેળસેળ સામે કડક જોગવાઈઓ છે, પરંતુ અમલીકરણ અને પ્રયોગશાળા સંબંધિત અવરોધોને કારણે ઘણીવાર વિલંબ થાય છે. વિધાનસભામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓને આજીવન કેદ અથવા મૃત્યુદંડની માંગણીનો જવાબ તેઓ આપી રહ્યા હતા.
જાલનામાં કથિત રીતે ભેળસેળમાં સંડોવાયેલા ઘી ઉત્પાદન એકમ સામે લેવામાં આવેલા પગલાં અંગે ભાજપના વિધાન સભ્ય પ્રકાશ સોલંકેના પ્રશ્નના જવાબમાં ઝીરવાલે કહ્યું કે સરકાર આવા કિસ્સાઓમાં કાર્યવાહી થાય એની તકેદારી રાખશે.
ઝીરવાલે વધુમાં જણાવ્યું હતું કે 'જાલના ફેક્ટરીમાંથી એકત્રિત કરેલા આઠ નમૂનામાંથી છ હલકી ગુણવત્તાના હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તદનુસાર કંપની સામે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
કાયદામાં ગુનાની ગંભીરતાના આધારે 1 લાખ રૂપિયાના દંડથી લઈને આજીવન કેદ, મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે જ. આ કેસમાં યોગ્ય જોગવાઈઓ લાગુ કરવામાં આવશે.'
ઝીરવાલે એમ પણ જણાવ્યું હતું કે ઘીમાં ભેળસેળ કરનારી કંપનીઓના રિટેલ આઉટલેટ તાત્કાલિક બંધ કરવામાં આવશે અને તેમના લાઇસન્સ રદ કરવામાં આવશે. તપાસ અને પ્રયોગશાળાની પુષ્ટિ પછી જો જરૂરી હશે તો ધરપકડ કરવામાં આવશે.
એફડીએ નિરીક્ષણ દરમિયાન જ્યાં પણ ઉલ્લંઘન જોવા મળ્યા હતા ત્યાં ફોજદારી કેસ નોંધાઈ ચૂક્યા છે. તપાસમાં ગુનો સાબિત થયા પછી યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જો કાયદા હેઠળ ધરપકડ જરૂરી હશે, તો ધરપકડ પણ કરવામાં આવશે.'
ચર્ચામાં હસ્તક્ષેપ કરી સ્પીકર રાહુલ નાર્વેકરે સરકારને કેસની સંપૂર્ણ માહિતી મેળવવા અને જો પ્રથમ દ્રષ્ટિએ ગુનો બનેલો હોય તો શા માટે કોઈ ધરપકડ કરવામાં આવી નથી એ ગૃહને સમજાવવાનો નિર્દેશ આપ્યો હતો.