Wed Sep 16 2026

Logo

અકસ્માતમાં મૃત્યુ પામેલા વૃદ્ધના પરિવારજનોને 18.62 લાખ રૂપિયા વળતર ચૂકવવાના નિર્દેશ

2026-07-21 18:01:43
Author: Yogesh D. Patel
અકસ્માતમાં મૃત્યુ પામેલા વૃદ્ધના પરિવારજનોને 18.62 લાખ રૂપિયા વળતર ચૂકવવાના નિર્દેશ

થાણે: થાણે મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2022માં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસે સ્કૂટરને અડફેટમાં લેતાં મૃત્યુ પામેલા 62 વર્ષના વૃદ્ધના પરિવારને 18.62 લાખ રૂપિયા વળતર ચૂકવવાના એમએસઆરટીસીને નિર્દેશ આપ્યા હતા. એમએસીટીનાં સભ્ય આર.વી. મોહિતેએ 18 જુલાઇએ આ આદેશ જારી કર્યો હતો. ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે આ અકસ્માત બેદરકારીપૂર્વક અને પૂરપાટ વેગે વાહન હંકારવાને કારણે થયો હતો.

ટ્રિબ્યુનલે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને દાવાની અરજી દાખલ થયાની તારીકથી એક મહિનાની અંદર રકમ જમા ન થાય ત્યાં સુધી વાર્ષિક નવ ટકાના વ્યાજ સાથે 18.62 લાખ રૂપિયા ચૂકવવાના નિર્દેશ આપ્યા હતા.મૃતક રમેશ ઘાગની વિધવા પત્ની અને બંને સંતાન દ્વારા દાવાની અરજી દાખલ કરવામાં આવી હતી. દાવેદારો તરફથી એડવોકેટ એસ.એલ. માને, જ્યારે એમએસઆરટીસી તરફથી એડવોકેટ એચ.પી. પાટીલ હાજર રહ્યા હતા.

26 નવેમ્બર, 2022ના રોજ મુરબાડમાં ક્ધિહાવલી-ટિટવાલા માર્ગ પર થયેલા અકસ્માતમાં રમેશ ઘાગને ગંભીર ઇજા પહોંચી હતી. રમેશની મુરબાડ, ડોંબિવલી અને મુંબઈની હોસ્પિટલમાં સારવાર કરાઇ હતી અને 10 ડિસેમ્બર, 2022ના રોજ તેનું મૃત્યુ થયું હતું. એમએસઆરટીસીએ બેદરકારીનો ઇનકાર કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે મૃતકે ખોટી બાજુથી બીજા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને કારણે તે અકસ્માત માટે સમાન રીતે જવાબદાર હતો. જોકે ટ્રિબ્યુનલે આ દલીલને નકારી કાઢી હતી. (પીટીઆઇ)