એકસ્ટ્રા અફેર - ભરત ભારદ્વાજ
અમેરિકા અને ઈઝરાયલે કરેલા હુમલામાં સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થતાં આખી દુનિયામાં સ્તબ્ધતા છે. દુનિયાભરના શિયા મુસ્લિમોના સર્વોચ્ચ નેતા મનાતા 86 વર્ષના હતા પણ કડેધડે હતા ને અમેરિકા-ઈઝરાયલ સામેના જંગમાં ઈરાનનું નેતૃત્વ કરતા હતા. ખામેનેઈનો આ રીતે અકાળે અંત આવશે તેની કોઈને કલ્પના પણ નહોતી.
ખામેનેઈને પણ ઈઝરાયલ આ રીતે ઘરમાં ઘૂસીને ઠોકી દેશે એવો અંદાજ નહીં હોય તેથી નિરાંતે પોતાની સત્તાવાર ઓફિસમાં બેસીને ખામેનેઈ લશ્કરી કમાન્ડરો સાથે મીટિંગ જ કરી રહ્યા હતા. એ વખતે તેમને ખબર નહીં હોય કે, આ મીટિંગ પતે એ પહેલાં સીધા ઉપર પહોંચી જવાનું છે. એ તો અમેરિકા અને ઈઝરાયલના હુમલાનો કઈ રીતે જવાબ આપવો તેની વ્યૂહરચનામાં વ્યસ્ત હતા પણ ઈઝરાયલે અચાનક સીધો હુમલો કરીને તેમને ઉંઘતા ઝડપી લીધા.
ઈઝરાયલે ઈરાનમાં ઘૂસીને ખામેનેઈને મારીને ફરી એક વાર પોતાની ધાકનો પરચો આપ્યો છે. આપણે નયા ભારત ઘર મેં ઘૂસકર મારતા હૈ એવા ફડાકા મારીએ છીએ પણ ખરેખર ઘરમાં ઘૂસીને મારવું આને કહેવાય. ખામેનેઈ બંકર જેવા તેમના ઓફિસ કોમ્પ્લેક્સમાં આખા પરિવાર સાથે રહેતા હતા. આ બંકરને ઈઝરાયલ કે અમેરિકા કશું કરી નહીં શકે એવું મનાતું હતું પણ ઈઝરાયલે ખામેનેઈ જ્યાં બેઠા હતા ત્યાં જ ઉપરાછાપરી 30 મિસાઈલ છોડીને ખામેનેઈને ભૂતકાળ બનાવી દીધા. ઈઝરાયલના હુમલામાં ખામેનેઈની પુત્રી-જમાઈ, પુત્રવધૂ અને પૌત્રી સહિત મોટા ભાગનો પરિવાર પણ મરાયો છે. કોમ્પ્લેક્સમાં હાજર 40 કમાન્ડરો પણ માર્યા ગયા છે. ઈઝરાયલ અને અમેરિકા કેવા ખતરનાક છે તેનો અંદાજ આ વાત પરથી જ આવી જાય.
ખામેનેઈના મોતથી આઘાતમાં સરી પડેલા દુનિયાભરના શિયા મુસ્લિમો રસ્તા પર ઊતરીને દેખાવો કરીને આક્રોશ ઠાલવી રહ્યા છે. ભારતમાં પણ કેટલાંક શહેરોમાં દેખાવો થયા છે. પાકિસ્તાનમાં તો લોકોએ યુએસ એમ્બેસી પર હુમલો કરી દીધો. અમેરિકાએ ખામેનેઈના ચાહકોના હુમલાનો જવાબ ગોળીઓથી આપીને 10નાં ઢીમ ઢાળી દીધાં તેથી પાકિસ્તાનમાં પણ તણાવ થઈ ગયો છે.
ઈરાનમાં અત્યારે મિશ્ર માહોલ છે. ઈરાનની સરકાર ખામેનેઈના મોતનો બદલો લેવાની કસમો ખાઈ રહી છે જ્યારે વિરોધીએ જશ્ન મનાવી રહ્યા છે. અલબત્ત આ જશ્ન સોશ્યલ મીડિયા પર જ છે કેમ કે ખામેનેઈના મોત પછી પણ ઈરાન હજુય શિયા કટ્ટરવાદીઓના હાથમાં જ છે તેથી જશ્ન મનાવનારાએ પોતાની લાગણીઓને કાબૂમાં રાખવી પડે. બાકી તેમને પણ ખામેનેઈને કંપની આપવા ઉપર પહોંચાડી દેવાય.
ઈઝરાયલ અને અમેરિકાની સાથે સાથે સાઉદી અરેબિયા સહિતના સુન્નીઓના દેશો પણ ખુશ છે. વિશ્વમાં શિયા મુસ્લિમોને પોતાના ગુલામ બનાવવાની સુન્નીઓની મહત્ત્વાકાંક્ષા આડે ઈરાન સૌથી મોટો અવરોધ છે તેથી આરબ દેશોની ખુશી સમજી શકાય એવી છે. અમેરિકા અને ઈઝરાયલ પણ ખામેનેઈને સૌથી મોટો દુશ્મન માનતાં તેથી એ પણ ખુશ થાય જ. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે તો ટ્રુથ સોશ્યલ પર લખ્યું છે કે, ઇતિહાસના સૌથી ક્રૂર વ્યક્તિઓમાંથી એક ખામેનેઈ માર્યો ગયો છે. ખામેનેઈના મોતથી ઇરાનની જનતાની સાથે-સાથે અમેરિકા અને દુનિયાભરના દેશોને પણ ન્યાય મળ્યો છે.
ટ્રમ્પનું નિવેદન અમેરિકાનાં બેવડાં ધોરણોનો નાદાર નમૂનો છે. ઈરાને ઈઝરાયલને પરેશાન કરવા હિઝબોલાહ અને હુતી જેવાં શિયા આતંકવાદી સંગઠનોને પોષ્યાં એ સાચી વાત છે. આ ઇરાક, સીરિયા, લેબનોન અને યમન જેવા દેશોમાં સત્તા કબજે કરવા ભારે ખૂનામરકી કરી છે. ઈઝરાયલમાં પણ ઈરાને આતંકવાદ ફેલાવ્યો છે તેથી ખામેનેઈ શાંતિના દૂત નહોતા એ વાત સાચી પણ ઈરાન જેવા ધંધા તો પાકિસ્તાન પણ કરે છે છતાં અમેરિકા પાકિસ્તાનને પંપાળે છે. અમેરિકાએ પોતે આખી દુનિયાની મેથી મારનારા અલ કાયદા અને તાલિબાન જેવાં સંગઠનોને પેદા કરીને આતંકવાદને પોષ્યો છે પણ અમેરિકા કદી પાકિસ્તાનની કે પોતાની વાત નથી કરતું. બીજાં કરે એ છિનાળું ને પોતે કરે એ લીલા એ આનું નામ.
ખામેનેઈ અમેરિકા અને ઈઝરાયલ સહિતના તેના સાથી દેશો માટે વિલન હશે પણ ભારત માટે વિલન નહોતા. જમ્મુ અને કાશ્મીર સહિતના મુદ્દે ઈરાન પાકિસ્તાનના પડખે ઊભું રહેતું પણ એ તો આપણે અત્યારે જેમની દોસ્તીની દુહાઈઓ આપીએ છીએ એવા યુએઈ, સાઉદી અરેબિયા, કતાર સહિતના દેશો પણ કરતા જ હતા એ જોતાં ખાલી ખામેનેઈને વિલન ના ગણી શકાય.
ઈરાનમાં થયેલી ઈસ્લામિક ક્રાંતિને ભારતે માન્યતા નહોતી આપી પણ પછી ભારત અને ઈરાનના સંબંધો અત્યંત મજબૂત બન્યા. ખોમેનેઇના સમયમાં તેની શરૂઆત થઈ અને ખામેનેઈ ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યા પછી આ સંબંધો વધારે ગાઢ બન્યા. એક સમયે ઈરાન ભારતના ટોપ થ્રી ક્રૂડ ઓઈલ સપ્લાયર્સમાંથી એક હતું. ભારતની કુલ ક્રૂડ ઓઈલ આયાતમાં ઈરાનનો હિસ્સો લગભગ 17 ટકાની આસપાસ હતી.
ભારત ઈરાનનું સૌથી મોટું ક્રૂડ ખરીદદાર હતું તેનો બદલો ઈરાન પણ ઉદારતાથી વાળતું હતું. ઓએનજીસી સહિતની ભારતીય સરકારી ઓઈલ કંપનીઓને ઈરાનમાં ક્રૂડ અને ગેસના કોન્ટ્રાક્ટ મોટા પ્રમાણમાં મળતા હતા. 2009માં ભારતે પાંચ અબજ ડૉલરનું રોકાણ ઈરાનનાં ગેસ ફિલ્ડમાં કરેલું તેના પરથી જ બંને દેશોના ગાઢ સંબંધોનો ખ્યાલ આવે. ઈરાનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટ પણ ભારતીય કંપનીઓને મળતા હતા. ઈરાને પોતાનું સૌથી મહત્ત્વનું ચાબહાર બંદર વિકસાવવાનો કોન્ટ્રાક્ટ પણ ભારતને આપ્યો હતો તેના પરથી જ ઈરાન માટે ભારત કેટલું મહત્ત્વનું હતું એ સાબિત થાય છે.
ભારતે 2008માં અમેરિકા સાથે પરમાણુ કરાર કર્યો પછી અમેરિકાએ ઈરાન સાથેના સંબંધો કાપી નાખવા ભારત પર દબાણ શરૂ કર્યું. ભારતના શાસકો અમેરિકા સામે ઝીંક ના ઝીલી શક્યા તેથી ધીરે ધીરે ઈરાન પાસેથી ક્રૂડની ખરીદી અને બીજા આર્થિક વ્યવહારો બંધ કરવા પડ્યા. બાકી ખામેનેઈએ તો ભારત પોતાની પાસેથી ક્રૂડની ખરીદી કરે તેની ચૂકવણી ભારતીય રૂપિયામાં કરવાની અને ક્રૂડના બદલામાં ભારત આપે એટલું અનાજ લેવાની વ્યવસ્થા પણ કરી આપેલી. ભારત અને ઈરાન વચ્ચેના આ વ્યવહારમાં ભારતના બેઉ હાથમાં લાડુ હતા કેમ કે ભારતની નિકાસ પણ વધતી હતી અને ક્રૂડની ખરીદી માટે મોંઘું વિદેશી હૂંડિયામણ પણ નહોતું ખર્ચવું પડતું. અમેરિકાથી ભારતનો આ ફાયદો જોયો ના ગયો તેથી ઘોંચપરોણા કરીને બધું બંધ કરાવી દીધું.
ઈરાન પણ ભારતના વલણથી નિરાશ થઈને ચીન તરફ ઢળવા માંડેલું પણ હળાહળ ભારતવિરોધી વલણ નહોતું લીધું. છેલ્લે તો ચાબહાર બંદરનું સંચાલન કરવા માટે કરાર કરીને ઈરાને ભારત તરફ તેને ખાર નથી એ સાબિત કરેલું જ પણ આપણામાં અમેરિકાની ઐસીતૈસી કરીને ઈરાન સાથે ખુલ્લેઆમ સંબંધો રાખવાની ત્રેવડ નથી તેથી સંબંધો સ્થગિત થઈ ગયા.
ખામેનેઈના મોત પછી ઈરાનમાં શું થશે એ ખબર નથી પણ અમેરિકા ઈરાનના ક્રૂડ પર કબજો કરવા મથશે તેમાં બેમત નથી. સામે ખામેનેઈના ચેલકા પણ જલદી હથિયાર હેઠાં મૂકવાના મૂડમાં નથી એ જોતાં જોરદાર જંગ થશે એ નક્કી છે.