Sat Aug 15 2026

Logo

વિદેશી હૂંડિયામણની અનામત 10.5 અબજ ડૉલર વધીને 692.87 અબજ ડૉલર

2026-08-08 19:06:57
Author: Ramesh Gohil
Article Image

મુંબઈઃ ગત 31મી જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની વિદેશી હૂંડિયામણની અનામત 10.512 અબજ ડૉલર વધીને 692.866 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત 6.118 અબજ ડૉલર વધીને 682.354 અબજ ડૉલરના સ્તરે રહી હતી. 

આ પૂર્વે ગત 27મી ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની વિદેશી હૂંડિયામણની અનામત વધીને 728.494 અબજ ડૉલરની ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચી હતી. જોકે, ત્યાર બાદ અમેરિકા અને ઈઝરાયલે સંયુક્તપણે ઈરાન પર હુમલાઓ કર્યા હતા અને તેનાં જવાબમાં ઈરાને પણ ઈઝરાયલ અને અમેરિકાના અખાતી સહયોગી દેશો પર હુમલા કરતાં ક્રૂડતેલના ભાવ વધી આવ્યા હતા. તેમ જ ક્રૂડતેલના વધારા સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં થઈ રહેલા ધોવાણને ખાળવા માટે રિઝર્વ બૅન્ક સમયાંતરે હાજર બજારમાં હસ્તક્ષેપ કરીને ડૉલર વેચી રહી હોવાથી અનામતમાં ક્રમશઃ ઘટાડો જોવા મળ્યો હતો.  

દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશના વિદેશી હૂંડિયામણની અનામતમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 8.75 અબજ ડૉલર વધીને 564.68 અબજ ડૉલરના સ્તરે રહી હતી. જોકે, વિદેશી ચલણી અસ્ક્યામતોમાં સપ્તાહ દરમિયાન ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવાં અન્ય મુખ્ય ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. 

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે રિઝર્વ બૅન્ક અને સરકારે વિદેશી હૂંડિયામણને આકર્ષવા માટે એફસીએનઆર (બી) જેવાં પગલાંઓનો સમાવેશ થાય છે અને આ સ્કીમ હેઠળ 32 અબજ ડૉલર એકત્રિત થયા હોવાના અહેવાલો હતા. 

વધુમાં સપ્તાહ દરમિયાન સોનાની અનામત 1.685 અબજ ડૉલર વધીને 104.743 અબજ ડૉલરના સ્તરે, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 4.8 કરોડ ડૉલર વધીને 18.666 અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત 2.8 કરોડ ડૉલર વધીને 4.778 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે ઉમેર્યું હતું.