Mon Nov 16 2026

Logo

કચ્છની કળાનો વૈશ્વિક ચમકારો: પાળિયા અને કમાંગરી શૈલીના તાર ૧૭,૦૦૦ વર્ષ જૂની સંસ્કૃતિ સાથે જોડાયા!

2026-11-03 11:27:00
Author: Mumbai Samachar Team
કચ્છની કળાનો વૈશ્વિક ચમકારો: પાળિયા અને કમાંગરી શૈલીના તાર ૧૭,૦૦૦ વર્ષ જૂની સંસ્કૃતિ સાથે જોડાયા!


ભુજ: તાજેતરમાં બે અલગ-અલગ ખંડોમાં થયેલી અદ્યતન પુરાતત્વીય શોધોએ સરહદી કચ્છ જિલ્લાની બે પ્રાચીન અને અમૂલ્ય કલા પરંપરાઓ પાળિયા અને કમાંગરી ભીંતચિત્રોને ફરી એકવાર વૈશ્વિક સ્તરે સંશોધકોના કેન્દ્રસ્થાને લાવી દીધી છે. શૌર્ય સ્મારક અને કુદરતી રંગો વડે દિવાલો પર કંડારાયેલા ઇતિહાસના આ તાર છેક દક્ષિણ ભારત અને બ્રિટન સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

પ્રથમ મહત્વપૂર્ણ શોધ તમિલનાડુના ધર્મપુરી જિલ્લાના સોટ્ટનદહલ્લી ગામે થયેલી ૧૩મી સદીના ઐતિહાસિક ‘વીર પથ્થર’ (હીરો સ્ટોન) ની છે. સંશોધક કુમારવેલ રામસામી દ્વારા દસ્તાવેજીકૃત થયેલા આ પથ્થરમાં હોયસલ રાજા વીર વિશ્વનાથના સમયમાં જંગલી ભૂંડ સામે ઝઝૂમીને ગામનું રક્ષણ કરતાં શહીદ થયેલા ‘ઉમાઈદેવન’ નામના વીરની અમરગાથા આલેખાયેલી છે. આશરે ૧૨૩ સેન્ટિમીટર ઊંચા અને ૧૧૩ સેન્ટિમીટર પહોળા આ શિલ્પમાં રાજા વીર વિજયનાદેવર તરીકે નોંધાયેલા વિશ્વનાથ, તેમના પિતા વીર રામનાથ અને દાદા વીર સોમેશ્વરનો ઐતિહાસિક ઉલ્લેખ છે. શિલ્પમાં યોદ્ધાના હાથમાં ટૂંકી તલવાર, ઢાલ, કુંડળ તેમજ શિકારી શ્વાન અને ભૂંડનું યુદ્ધ દ્રશ્ય બારીકાઈથી કોતરેલું છે.

આ વર્ણન કચ્છના લોક ઇતિહાસ માટે તદ્દન સાદૃશ્ય ધરાવે છે. કચ્છના અંધાઉ ગામેથી પ્રાપ્ત થયેલા બીજી સદીના ક્ષત્રપકાલીન પાળિયા સમગ્ર ભારતના સૌથી પ્રાચીન શહીદ સ્મારકો ગણાય છે, જ્યારે ભુજની ઐતિહાસિક છતરડી ખાતે ૪૦૦ થી વધુ પાળિયા મોજૂદ છે. કચ્છના પાળિયાઓની ત્રિ-સ્તરીય રચનામાં ટોચ પર અમરત્વ સૂચવતા સૂર્ય-ચંદ્ર, મધ્યમાં અશ્વસવાર શહીદ યોદ્ધા અને પાયામાં સમય, સ્થળ તથા શૌર્યકથા અંકિત હોય છે. તમિલ સંસ્કૃતિમાં પશુધનની રક્ષા કાજે શહીદ થનાર વીરને ‘આગોળ પૂસલ’ તરીકે બિરદાવાતા, જ્યારે કચ્છમાં ગાયો અને સીમની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનારા ચારણ, આહિર કે રજપૂતોના શૌર્યને આજે પણ ‘પાળિયા’ તરીકે પૂજવામાં આવે છે. 

ઉલ્લેખનીય છે કે ‘પાળિયા’ શબ્દ જ મૂળ રક્ષણ સૂચવતા ‘પાલ’ શબ્દ પરથી ઊતરી આવ્યો છે. બીજી તરફ, બ્રિટનના વેલ્સ સ્થિત ગોવર પ્રાયદ્વીપની ‘બેકન હોલ’ ગુફામાં થયેલી પુરાતત્વીય શોધ પણ અજોડ બની રહી છે. એક સદી સુધી માત્ર કુદરતી કાટ ગણાતી અગિયાર લાલ રેખાઓ આધુનિક યુરેનિયમ-થોરિયમ ડેટિંગ અને સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા ૧૭,૧૦૦ વર્ષ જૂની માનવસર્જિત આદિકળા હોવાનું સાબિત થયું છે. લિવરપૂલ યુનિવર્સિટીના સંશોધકોના મતે આ રેખાઓ સંદેશાવ્યવહાર કે હાજરી નોંધવાની પ્રાચીન પદ્ધતિ હતી, જેમાં વપરાયેલો લાલ રંગ ‘હેમેટાઇટ’ ખનિજ અને માટીનું મિશ્રણ છે, જેને કચ્છી ભાષામાં પરંપરાગત રીતે ‘ગેરુ’ કહેવામાં આવે છે.

આ ગેરુ પરંપરા સીધી રીતે કચ્છના વિશ્વવિખ્યાત કમાંગરી ભીંતચિત્રો સાથે જોડાયેલી છે. ૧૮મી સદીમાં કામણગર (ધનુષ બનાવનાર) મુસ્લિમ કારીગરો દ્વારા અંજાર, મુંદ્રા, તેરા, ભરપર, લાલા અને ફરાદી જેવા વિસ્તારોમાં ભાટિયા અને જૈન વેપારીઓની હવેલીઓને શણગારવા ભીંતચિત્રો કંડારવામાં આવ્યાં હતાં. ભીની ચૂનાની દીવાલો પર ગેરુમાંથી લાલ, હળદર અને ગૌમૂત્રમાંથી પીળો, ગળીમાંથી વાદળી તેમજ પથ્થરના ભૂકામાંથી કાળો રંગ બનાવી રામાયણ અને કૃષ્ણલીલાના અદભુત પ્રસંગો આલેખાતા હતા. વર્ષ ૨૦૦૧ના વિનાશક ધરતીકંપ બાદ હવે આ દુર્લભ કલા અંજારના મેકમર્ડો બંગલા, તેરાના કિલ્લા અને મુંદ્રાની જૂની હવેલી પૂરતી સીમિત રહી ગઈ છે. વેલ્સની ગુફા અને કચ્છની કમાંગરી શૈલી એ વાતની સાક્ષી પૂરે છે કે પ્રાકૃતિક ખનિજ રંગો વડે માનવ ઇતિહાસ અને સંસ્કૃતિને સદીઓ સુધી અમર રાખી શકાય છે.

(ઉત્સવ વૈદ્ય)