મુંબઈઃ ગત 20મી માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામતમાં ખાસ કરીને સોનાની અનામતમાં 13.495 અબજ ડૉલરનો ઘટાડો થતાં કુલ અનામત 11.413 અબજ ડૉલરના ધોવાણ સાથે 698.346 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહમાં પણ અનામત 7.052 અબજ ડૉલરના ઘટાડા સાથે 709.759 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.
જોકે, અગાઉ 27મી ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહે અથવા તો પશ્ચિમ એશિયામાં વિવાદ શરૂ થયો તે પૂર્વે દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામત 728.494 અબજ ડૉલરની વિક્રમ સપાટીએ રહી હતી. સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ અનામતોમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 2.127 અબજ ડૉલર વધીને 557.695 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. નોંધનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવાં અન્ય મુખ્ય ચલણો સામે રૂપિયામાં સપ્તાહ દરમિયાન થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. વધુમાં સપ્તાહ દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત પણ 1.9 કરોડ ડૉલર વધીને 4.833 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.
જોકે, સપ્તાહ દરમિયાન સોનાની અનામત 13.495 અબજ ડૉલર ઘટીને 117.186 અબજ ડૉલરના સ્તરે અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 6.5 કરોડ ડૉલર ઘટીને 18.632 અબજ ડૉલરના સ્તરે રહ્યા હોવાનું રિઝર્વ બૅન્ક સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં ઉમેર્યું હતું.