અમદાવાદ: ગાંધીના ગુજરાતમાં સરકારના ચોપડે દારૂબંધી અમલમાં છે, પણ આ દારૂબંધીના લીરેલીરા ઊડે તેવા બનાવોના અહેવાલો લગભગ આપણે રોજ અખબારોમાં વાંચીએ છીએ, ટેલિવિઝન કે યુટ્યુબ પર જોઈએ છીએ. જો કે ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે પણ બુટલેગરોના કિમિયા ગજબના હોય છે, કારણ કે ગુજરાતમાં દારૂને ઘૂસાડવા, તેને અન્ય શહેરોમાં પહોંચતો કરવા માટે બુટલેગરો અને તેના સાગરીતો જે કિમિયા અપનાવે છે તે ચોંકાવનારા હોય છે. જો કે આ બધુ સફળ એટલા માટે પણ બને છે કારણ કે તેમાં તંત્રની સંદિગ્ધ ભૂમિકા પણ મહત્વનો ભાગ ભજવે છે.
આ ચર્ચા આપણે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે દારૂની હેરાફેરી માટે હવે ખાનગી વાહનોને બદલે જાહેર પરિવહનનો દારૂના માફિયાઓ ઉપયોગ કરી રહ્યા હોવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઈથી ઉપડતી અને રાજસ્થાનના બાડમેર તરફ જતી 21901 'હમસફર એક્સપ્રેસ'ના દારૂની ખેપ મારતો એક શખ્સ ઝડપાયો હતો. આ ટ્રેનમાં મુંબઈ સમાચારના પ્રતિનિધિ મુસાફરી કરી રહ્યા હતા. આ બનાવ અંગે તેમણે TC સાથે વાત કરી ત્યારે TCના જવાબથી રેલવેની મુસાફરી કેટલી સુરક્ષિત છે તેની સામે ઘણા પ્રશ્નો ઊભા કરી દીધા હતા. કારણ કે TCએ જણાવ્યું હતું કે 22 ડબ્બાની ટ્રેનમાં એક પણ રેલવે પોલીસનો જવાન ફરજ પર હાજર નથી.
આ ટ્રેનમાંથી દારૂની ખેપ મારતો એક શખ્સ ઝડપાયો હતો, તેની સાથે મુંબઇ સમાચારના પ્રતિનિધિએ જ્યારે વાત કરી ત્યારે પૂછ્યું કે આ રીતે દારૂની હેરાફેરી કરવી તે ખોટું છે, કાયદાકીય રીતે ગુનો છે છતાં તું કરે છે. તો શું તને પકડાઈ જવાનો ડર નથી લાગતો? તો તેના જવાબમાં જાણે કાયદાનો ખૌફ જ ન હોય તેમ સહજ બનીને કહી એ શખ્સે કહી દીધું હતું કે "ડર તો લાગે છે પણ જેલ થશે!'. જે સહજતાથી દારૂની ખેપ કરનારો શખ્સ જવાબ આપતો હતો એ વાત તરફ પણ ઈશારો કરે છે કે પૈસાના જોરે પોલીસ અને દારૂમાફિયાઓની ભક્તિ ચાલે છે અને આ માટે જ તેઓ જાહેર પરિવહનનો યપયોગ કરતાં પણ આચકાતા નથી.
આમ તો ટ્રેનની મુસાફરી ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે, લોકો એટેલે જ મોટાભાગે ટ્રેનનું મુસાફરીને પ્રાથમિકતા આપે છે. પરંતુ મુંબઈથી ઉપડતી અને રાજસ્થાનના બાડમેર તરફ જતી 21901 'હમસફર એક્સપ્રેસ'માં દારૂની ખેપની સાથે એક બીજો પણ ચોંકાવનારો ખુલાસો થયો હતો કે અંદાજે 13 કલાકની ટ્રેનની મુસાફરી અને 22 જેટલા કોચની ટ્રેનમાં એક પણ રેલવેનો પોલીસ જવાન હાજર ન હતો. આમ રેલવે પોલીસની નિષ્ક્રિયતા જ દારૂની હેરાફેરી માટે જાણે મોકળું મેદાન બની રહ્યું હોય તેવી ચર્ચા પણ જોરમાં છે.