Thu Apr 23 2026

Logo

લાફ્ટર આફ્ટર: આ જા ફસા જા...

2026-04-23 08:51:00
Author: Pragya Vashi
Article Image

- પ્રજ્ઞા વશી

‘આમ જરાક ગબડી પડ્યા એમાં આટલા બરાડા શું કામ પાડો છો? અમે તો ઘર સાફ કરતાં કરતાં વર્ષમાં ચાર-પાંચ વાર પડીએ છીએ અને તોય બરાડા પાડતાં નથી...’ 

મોહનભાઈના કણસાટ સામે  રમાબહેને  આંખ આડા કાન કરતાં એમના હાથમાં આઇસ બેગ પકડાવીને કહ્યું,

‘હવે અહીંથી ઊભા થઈને ખાટલા ઉપર સૂઈ જાવ.’ 

‘પણ રમા, મારાથી તો ખસાતું પણ નથી. તો પછી ખાટલા ઉપર ક્યાંથી ચડવાનો?’ હવે રમાના હાથમાં દાવ હતો એટલે વ્યંગમાં બોલી, 

‘વિચાર કરો. આ હિસાબે હું પડેલી ત્યારે પગ ભાંગી ગયેલો અને મેં ચાર ગામ સુધી સંભળાય એટલા બરાડા પાડેલા. ગામે ગામના લોક ખબર લેવા દોડી આવેલા, પણ તમારા પેટનું પાણી સુધ્ધાં હાલ્યું નહોતું. એક બરફનો ટુકડો સુધ્ધાં આપ્યો નહોતો. ઊલટાનું તમારી માતાશ્રી અને તમે મારા હાથમાં મહેમાન માટે શું શું બનાવવાનું છે એનું લિસ્ટ થમાવેલું. ગામ આખાના લોકોની આંખોમાં પાણી આવી ગયાં હતાં  અને હા, સાંભળી લ્યો, તમે પડી ગયા છો એ વાત ફોન કરી કરીને ગામ આખાને કહેતા નહીં. નહીંતર  તમારાં દસ-બાર ડઝન સગાંવહાલાં એક બે અઠવાડિયા રહેવાય તેમ ધામા નાખશે... હવે કોઈને રાંધી રાંધીને ચાર ટાઇમ ખવડાવવાની તાકાત અમારામાં રહી નથી.’ 

મોહનભાઈએ તો દુખાવો સહન થતો નહોતો અને ઉપરથી રમાબહેનનું ભાષણ સાંભળી પેઇન કિલર અને ઊંઘવાની ગોળી લઈ લીધી હતી. પણ કામવાળી જેનું નામ! રમાબહેન જે ન કરવાનું કહે તે અવશ્ય કરનારી અતિ આજ્ઞાંકિત દાસી હતી. એટલે વાત લગભગ અડધા કલાકમાં ગામ આખામાં પ્રસરી ગઈ...  

‘પડોશી જ પહેલો સગો’ કહેવાય રમાબહેન. એટલે તમે ભલે છુપાવો પણ અમારે તો અમારો ધર્મ બજાવવાનો કે નહીં? તમે ભલે અમારી સેવા ના લેશો, પણ અમે તો દુ:ખમાં સૌથી પહેલાં તમને જ બોલાવશું. સમજ્યાં? તમે તો મોહનભાઈની સેવામાં રાધ્યું નહીં જ હોય. લો, આ ઢોકળાં બનાવેલાં છે એ ખવરાવજો ને ખાજો. જરા જીવને સારું લાગશે.’ એક પાડોશીએ આવીને કહ્યું. ત્યાં જમણી બાજુના પડોશીઓનું આખું ઘર એમની ત્રણે પેઢીને લઈને આવી ધમક્યું. એમાં એમનાં બીજી પેઢીનાં બે ટાબરિયાં મોહનભાઈના પલંગ નીચે સંતાયા અને એક ટાબરિયો ધડામ દઈને મોહનભાઈના પલંગમાં ચડીને, ‘અંકલ, તમને શું વાગ્યું? અંકલ, આ શું મૂક્યું છે પગ ઉપર?’ 

એ ટાબરિયાને પકડીને ખાટલાની નીચે ઉતારવા જતાં મોહનભાઈની ખરેખરની ચીસ પૂરા જોશમાં ગામ આખામાં પ્રસરી ગઈ. એકે દોડીને ઘૂંટણ તપાસ્યો તો તરબૂચ જેવો ફૂલેલો અને લાલઘૂમ... સહેજ અડક્યો ને ફરી એક ભયંકર ચીસ!

‘રમાબહેન, આ કેસ આઇસ બેગ મૂકી રાખવાનો નથી.’ અને તરત ચોથા ઘરનાં હાડકાનાં સર્જનને બોલાવ્યા. ત્રણ કલાકે સર્જરી પતાવી ડૉક્ટર આવ્યા અને સીધા શહેર ભેગા કરો એવું સૂચન આવ્યું.

‘આટલો વખત બધા દરબાર ભરીને કેમ બેસી રહ્યાં હતાં? અંદરના હાડકાં ભાંગ્યાં છે અને લોહી અંદર જામ થઈ ગયું છે. ’ 

‘પણ ડૉક્ટર, એવું કેવી રીતે બને?’

‘રમાબહેન, તમે ડોક્ટર છો કે હું?’

‘તમે જ વળી. પણ આ તો હું ચાર-પાંચ વાર એમના કરતાં પણ વધુ ઊંચાઈએથી પડી છું. પણ આઇસ બેગથી જ સારી થઈ ગઈ હતી.’

ડૉક્ટર ફરી ગુસ્સે થયા. ‘રમાબહેન, આપણે મોહનભાઈને તમે જ્યાંથી ગબડ્યા હતાં ત્યાંથી ફરી ગબડાવીને જોવું છે કે પછી તરત સુરતની હૉસ્પિટલમાં સર્જરી કરાવવી છે? કે પછી હાડવૈદને બોલાવી પાટા બંધાવવા છે? આ તમારાં કુટુંબીજનો ને પડોશીઓ મળીને સુરત ભેગાં જલદી થાવ તો સારું.’

એમ કહી ડૉક્ટર તો ગયા અને મોહનભાઈની ચીસો ફરી શરૂ થઈ.

 

‘પહેલો સગો પડોશી.’ એમ બોલનાર મહેશભાઈ તરફ જોઈને રમાબહેન બોલ્યાં, ‘મહેશભાઈ, તમારી મોટી ગાડીમાં આપણે લઈ જઈએ તો  કેવું?’

તતફફ કરતા મહેશભાઈ બોલ્યા : ‘એક ટીપું પેટ્રોલ નથી. નહીંતર હું તમારી કહેવાની રાહ જોઉં ખરો?’ 

ત્યાં બીજા પડોશી બોલ્યા: ‘પેટ્રોલ તો હું એક્સ્ટ્રા લાવ્યો જ છું મારી વાડીના પંપ માટે. હું હમણાં આખો કેરબો લઈને આવ્યો.’ 

ત્યાં એમનાં બધા ટાબરિયાં : ‘દાદા, અમે પણ તમારી નવી કારમાં સુરત મેળો જોવા  આવવાનાં...!’ 

બાળકોની વાતે મોહનભાઈથી ચીસ નીકળી ગઈ. ‘નહીં... આ ટાબરિયાં રે... નહીં. મારા પગ ઉપર કૂદશે...’ 

ત્યાં કામવાળી આવીને બરાડી, ‘આ વાહી ઢોકળાં મને ઘરે લઈ જવા આપ્યાં. એ તો હાવ બગડેલાં છે. અને આ હું... રમાબહેનને હો ખાવા આપ્યાં. તે ઘરમાં એક ખાટલો તો છે, એની હાથે બીજો ખાટલો હો પાડવાનો છે?’ 

રમાબહેન બોલે તો પણ શું બોલે. જેમણે ઢોકળાં આપ્યાં છે, એમની કાર જ મોહનભાઈને હૉસ્પિટલ ભેગા કરવાની છે. એટલે મેરી ભી ચૂપ ઓર તેરી ભી ચૂપ! બાકી આ પડોશી ધર્મ તો ભાઈ... તોબા! તોબા!