Wed Sep 16 2026

Logo

પાસપોર્ટ માટે પોલીસ સ્ટેશનના નહીં ખાવા પડે ધક્કા, જાણો શું થઈ નવી વ્યવસ્થા

2026-08-04 13:34:00
Author: Mumbai Samachar Team
પાસપોર્ટ માટે પોલીસ સ્ટેશનના નહીં ખાવા પડે ધક્કા, જાણો શું થઈ નવી વ્યવસ્થા

Ai Image


અમદાવાદઃ રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા રાજ્યના નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને મહત્વપૂર્ણ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા. નાગરિકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે બિનજરૂરી ધક્કા ન ખાવા પડે તે હેતુથી વહીવટી પ્રક્રિયામાં કેટલાક મહત્વના સુધારા અંગેની સ્પષ્ટતાઓ કરવામાં આવી હતી.

શું થઈ નવી વ્યવસ્થા

પાસપોર્ટ વેરિફિકેશન સંબંધિત મુખ્ય બાબતોમાં પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં. પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવાની રહે છે.

અપવાદરૂપ કિસ્સામાં જ લેવી પડશે રહેઠાણની મુલાકાત

પોલીસે પાસપોર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત નહીં રહે. એટલું જ નહીં, પોલીસે અરજદારને રૂબરૂ મળવાની કે અરજદારની સહી લેવાની પણ જરૂર નથી. જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ ખરાઈ કરવાની જરૂરિયાત લાગે, તેવા અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસે રહેઠાણ સ્થળની મુલાકાત લેવાની રહેશે. જો કે આ સંજોગોમાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની આવશ્યકતા નથી.

રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું કડકપણે પાલન કરવા આદેશ આપ્યો હતો. તેમજ નાગરિકોને પણ આ સરળ પ્રક્રિયાથી માહિતગાર થાય અને કોઈ પણ બિનજરૂરી પ્રક્રિયામાં ન પડે તેવી અપીલ કરી હતી.