Thu Mar 12 2026

Logo

જ્યાં જ્યાં ફરે ગુજરાતી, ત્યાં ત્યાં પ્યોર વેજ ફૂડ! સ્વિટ્ઝર્લેન્ડ હોય કે યુકે અથવા નેધરલેન્ડ્સ હોય, બધે આપણું ખાણું ઉપલબ્ધ છે

2 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

 

 

સાઉથ ઈન્ડિયન આઈટમ માણતી ડચ મહિલા

ચાય, ગરમ ચાય વેચતી એમા

ધોધ માણ્યા પછી સમોસા - વડા પાંઉની લિજ્જત

એક નજર ઈધર ભી... - કામિની શ્રોફ

કવિ અરદેશર ફરામજી ખબરદારની વિખ્યાત કાવ્ય પંક્તિ `જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' ફક્ત સાહિત્યિક કૃતિ નથી. એ એક એવી ભાવના છે, જેમાં દરેક સ્થળે ગુજરાતીપણું ઊભું કરવાની કોશિશ નજરે પડે છે. ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેરમાં દેશી ચણિયા ચોળી અને કેડિયા સાથે નવરાત્રિના રાસ - ગરબા હોય કે એમ્સ્ટર્ડમમાં પ્યોર ગુજરાતી ભાણું હોય, `ઈસ્ટ ઓર વેસ્ટ, ગુજરાતી ફૂડ ઈઝ ધ બેસ્ટ'ના પડઘા સાંભળવા મળે.   

એકવીસમી સદીમાં તો સહેલ સપાટાના પ્રમાણમાં ખાસ્સો ઉછાળો આવ્યો છે. તમે `મુંબઈ સમાચાર' નિયમિત વાંચતા હશો તો એમાં ફોરેન ટુર્સની ઢગલાબંધ જાહેરખબર નજરે પડતી હશે અને એ પણ અલગ અલગ ટુર ઓપરેટર્સની. દરેક ટુર ઓપરેટર્સની વિશેષતાની યાદીમાં એક બ્રહ્મવાકયની હાજરી હોય, હોય અને હોય જ: સંપૂર્ણ ટુર દરમિયાન સ્વાદિષ્ટ ભોજન - વેજ+ જૈન મળશે. આ એક સગવડથી મધમાખી જેમ મધપૂડા પાસે ખેંચાઈ આવે એમ બજેટની ફિકર ન હોય એવા ફોરેન ટુર કરવા ઉત્સુક ગુજરાતીઓ જોડાઈ જાય. નવ દિવસ+ દસ રાત્રીના પેકેજમાં એકાદ જગ્યા ઓછી જોવા મળે કે કોઈ સ્થળેથી વહેલા નીકળી જવું પડે તો `ઈટ્સ ઓકે', પણ દરેક ટંક પ્રોપર ગુજરાતી ફૂડ મળવું જ જોઈએ. જો એમાં ચૂક થઈ તો `ફેરવે બરાબર, પણ ફૂડમાં લોચા' એવા મતલબનો અભિપ્રાય વહેતો થઈ જાય. એટલે જ કદાચ ફોરેન ટુરના આયોજનના પ્રારંભ કાળમાં `પેરિસમાં પાતરાં અને રોમમાં રસપુરી'નું પ્રોમિસ પ્લસ પોઈન્ટ ગણાતો હતો. છેક 1997માં નેપાળની ટુર વખતે કાઠમંડુની હોટેલમાં પ્યોર વેજ - જૈન ફૂડ ખાવા મળ્યું હતું. આજે તો પ્યોર વેજ+ જૈન ફૂડનો મહિમા એટલો વધ્યો છે કે વિદેશના મહત્ત્વના ટુરીસ્ટ સ્પોટ કે શોપિંગ મોલમાં ટેસ્ટી ગુજરાતી - ભારતીય ખાણું ખરીદીને ખાઈ શકાય છે.

નેધરલેન્ડ્સમાં ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન વરાયટી

યુરોપના દેશોમાં ફરવા જવાની વાત નીકળે તો પહેલું નામ સ્વિટ્ઝર્લેન્ડનું આવે. પછી ફ્રાન્સ, ઈટલી કે જર્મની, નોર્વે, ટર્કી કે યુકેનો સુધ્ધાં ઉલ્લેખ થાય. દરેકને પોતીકું સૌંદર્ય કે ગ્લેમર છે. પ્રત્યેકની ખાસિયત છે. જોકે, નેધરલેન્ડ્સ યુરોપનો એવો દેશ છે જેની પાસે ફ્રાંસ - ઈટલી જેવું ગ્લેમર નથી કે નથી સ્વિટ્ઝર્લેન્ડ જેવું નખશિખ સૌંદર્ય, પણ તેમ છતાં એ અદ્ભુત દેશ છે જ્યાં સૌંદર્ય છલકાય છે. ડચ લોકો ભોજનમાં ડેરી પ્રોડક્ટ તરફ ઝુકાવ ધરાવે છે. નેધરલેન્ડ્સના રોકાણ દરમિયાન ઉતરેક્ત નામના શહેરમાં `ઓથેન્ટિક સાઉથ ઈન્ડિયન વરાયટી' ખાવાનો મોકો મળ્યો. સંપૂર્ણપણે ભારતીય મેનેજમેન્ટ અને ભારતીય સ્ટાફથી ચાલતી `કૃષ્ણ વિલાસ' નામની રેસ્ટોરાંમાં રૂટિન આઈટમ ઉપરાંત પોડી ડોસા, અપ્પમ, મૈસુર બોન્ડા, લેમન રાઈસ, પાલ પાયસમ આરોગવાની લિજ્જત અનેરી હતી. અમારા ગ્રુપમાં એક ખવૈયા ઉસ્તાદ હતો જેણે આ આઈટમને `ઓથેન્ટિક' યાને કે અધિકૃત દક્ષિણ ભારતીય વાનગીનું પ્રમાણપત્ર આપી દીધું. ગુજરાતીઓ ખાવાની વાનગી સાથે `પ્રોપર' અને `ઓથેન્ટિક' વિશેષણ જોડવામાં પાવરધા છે. દિવસ દરમિયાન ઉતરેક્તમાં નિહાળેલા ડોમ ટાવર, રેલવે મ્યુઝિયમ, ઐતિહાસિક રિટફેલ્ટ શ્રોડર હાઉસ, કેનાલ રાઈડના વૈભવની વાત થઈ એટલા જ રસથી ઓથેન્ટિક ખાણીપીણીનો ઉલ્લેખ થયો. વિદેશમાં અસ્સલ ભારતીય ભોજન મળે એનો આનંદ કોને કહેવાય એ તો ગુજરાતીના મોઢે જ જાણવું જોઈએ.

માદામ તુસો - મસાલા ચાય

માદામ તુસોના વેક્સ મ્યુઝિયમ વિશ્વવિખ્યાત છે. ચાર ખંડના 20 ઠેકાણે આવેલા આ વેક્સ મ્યુઝિયમમાં સેલેબ્રિટી, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી વ્યક્તિ તેમ જ સ્થાનિક હસ્તીઓની પ્રતિકૃતિ જોવા મળે છે. લંડન સ્થિત મ્યુઝિયમ જોવાનો મોકો મળ્યો ત્યારે સચિન તેંડુલકર, આલ્ફ્રેડ હિચકોક, ઓડ્રિ હેપબર્ન, બારાક ઓબામા, પેલે સહિત અનેક મહાનુભાવ સાથે મ્યુઝિયમની અંદર `મુલાકાત' થઈ. જોકે, મ્યુઝિયમની બહાર નીકળ્યા પછી બેલ્જિયમની એમા નામની ફૂટડી કિશોરી સાથેની કેટલીક મિનિટોની મુલાકાત કાયમ માટે સ્મૃતિપટ પર અંકિત થઈ ગઈ. એમા મ્યુઝિયમની બહાર હોટ બેવરેજીસ (ચા, કોફી, હોટ ચોકલેટ જેવા ગરમ પીણાં) વેચતા સ્ટોલમાં કામ કરતી હતી. અમે કુતૂહલવશ એ સ્ટોલ પાસે પહોંચ્યા ત્યારે અમે ભારતીય છીએ એનો અણસાર આવી જતા એ લહેકામાં બોલી `ચાય, ગરમ ચાય, મસાલા ચાય.' અમારા બધાના કાન સરવા થયા. `ગુડ મોર્નિંગ' કરી મીઠડાં સ્મિત સાથે પૂછવા લાગી `હેવ મસાલા ચાય, ઈન્ડિયન્સ લવ ઈટ.' એટલું કહી તેણે બોર્ડ સામે આંગળી ચીંધી જેમાં સૌથી ઉપર કોફીની વરાયટી, ત્યારબાદ હોટ ચોકલેટ અને પછી ટી એટલે કે ચાયનો ઉલ્લેખ હતો. ભારતીયોને રસ પડે એવી ચાર આઈટમ હતી: ઈન્ડિયન મસાલા ચાય, જીંજર ચાય (આદુંવાળી ચા), કરક ચાય (કડક ચા) અને કાર્ડેમમ ચાય (એલચીવાળી ચા) હતી. એમાના સૂચનથી અમે બે મસાલા અને બે કડક ચાનો ઓર્ડર આપ્યો. અતિશયોક્તિ વગર કહું છું કે મુંબઈમાં ટપરી પર ચા પિતા લિજ્જત આવી હોય એવી અસ્સલ તો નહીં પણ લગભગ એના જેવી મજા આવી. લંડનમાં માદામ તુસોના વેક્સ મ્યુઝિયમની બહાર ઠંડકમાં આવી ચા મળે તો કોને મજા ન આવે. એમાએ આપેલી જાણકારી અનુસાર ઈન્ડિયન સ્ટાઈલની ચા વેચવાનું શરૂ કર્યા પછી ઘરાકી સારી રહે છે.

ર્હાઈન ફોલ્સ સમોસા-વડા પાંઉ
ઊંચાઈ પરથી પાણી ધોધ બની છલાંગ લગાવે એ દૃશ્ય મનભાવન હોય છે. ગીતકાર શૈલેન્દ્રએ `મધુમતી' માટે લખેલા ગીતની પંક્તિ યાદ આવી જાય: `યે ગોરી નદીયોં કા ચલના ઉછલકર કે જૈસે અલહડ ચલે પિ સે મિલકર'. ધોધ કે વોટરફોલની વાત નીકળે એટલે બધાને સૌથી પહેલા તો કેનેડા - યુએસનો નાયગ્રા ફોલ યાદ આવી જાય. જોકે, સ્વિટ્ઝર્લેન્ડના શફોઝેન વિસ્તારમાં આવેલો 450 ફૂટ પહોળો અને 75 ફૂટ ઊંચો ર્હાઈન ફોલ યુરોપનો સૌથી મોટો ધોધ છે, સહેલાણીઓ માટે અનેં આકર્ષણ છે. દર વર્ષે 10 લાખ સહેલાણી આ જગ્યાનું સૌંદર્ય માણવા આવે છે. ધોધ સુધી પહોંચવામાં અને ધોધની મસ્તીને, એના સૌંદર્યને અલગ અલગ ઠેકાણેથી નિહાળવા માટે ખાસ્સું ચાલવું પડ્યું હતું. મન તરબતર થયા પછી પાછા વળવાનો સમય થયો ત્યારે કકડીને ભૂખ લાગી હતી. એક સ્ટોલ પર નજર પડી જેમાં સમોસા, વડા પાંઉ, પાંઉ ભાજી જેવી આઇટમોનો ઉલ્લેખ હતો. અલબત્ત, સ્વાદ વિશે શંકા હતી જે ખાધા પછી સદંતર ખોટી સાબિત થઈ. સ્વિટ્ઝર્લેન્ડમાં ર્હાઈન ફોલ પાસે સ્વાદિષ્ટ શાકાહારી વાનગી મળી જાય એ મહદંશે ગુજરાતીઓના પ્રતાપે જ ને.