Fri May 22 2026

Logo

બસ ઊંધી વળતાં સાત મહિનાના બાળક સહિત ત્રણ જણનાં મોત: 33 જખમી

2026-05-21 19:05:01
Author: Yogesh C Patel
Article Image

ગઢચિરોલી: ગઢચિરોલી જિલ્લામાં એક વળાંક પાસે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (એમએસઆરટીસી)ની બસ સુરક્ષા માટે લગાવાયેલા લોખંડના બેરિકેડ સાથે ટકરાયા પછી ઊંધી વળી ગઈ હતી. આ ઘટનામાં સાત મહિનાના બાળક સહિત ત્રણે જીવ ગુમાવ્યા હતા, જ્યારે 33 જણ ઘવાયા હતા.પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની સવારે 7.30 વાગ્યાની આસપાસ ચંદ્રપુર રોડ પર નવેગાંવ-મુરખાલા નજીક બની હતી. એક વળાંક પાસે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત થયો હતો.

યવતમાળમાં ઉમરખેડ જઈ રહેલી બસ રસ્તાને કિનારે સુરક્ષા માટે લગાવાયેલા લોખંડના બેરિકેડ સાથે ટકરાયા પછી પાસેના ખેતરમાં ઊંધી વળી ગઈ હતી. અકસ્માતમાં જીવ ગુમાવનારા ત્રણેય ગઢચિરોલીના રહેવાસી હતા. તેમની ઓળખ ખ્વાજા શાહબુદ્દીન (60), લક્ષ્મી દુરકિવાર (55) અને સાત મહિનાના શિવાંશ નવઘરે તરીકે થઈ હતી. બાળકે સારવાર દરમિયાન હૉસ્પિટલમાં દમ તોડ્યો હતો.

અકસ્માતમાં પ્રવાસીઓ અને ડ્રાઈવર તેમ જ ક્ધડક્ટર મળી 33 જણ ઘવાયા હતા. સારવાર માટે તેમને ડિસ્ટ્રિક્ટ જનરલ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર પછી જખમીઓનું સ્વાસ્થ્ય સુધારા પર હોવાનું ડૉક્ટરે કહ્યું હતું. ઘટનાની નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)