કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને રામપુરહાટ વિધાનસભાસીટથી સતત પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા આશિષ બેનર્જીનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં ફાંસીના ફંદા પર લટકતો મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તાર સહિત પક્ષના વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પાર્ટી કાર્યાલયમાંથી મળ્યો મૃતદેહ
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, આશિષ બેનર્જી રામપુરહાટના વોર્ડ નંબર-5 સ્થિત હરિ તલાપારા વિસ્તારમાં રહેતા હતા. તેમના ઘરની બિલકુલ બાજુમાં જ તૃણમૂલ કોંગ્રેસનું કાર્યાલય આવેલું છે. રવિવારે સવારે જ્યારે પાર્ટી ઓફિસમાં તેમનો મૃતદેહ ફાંસીથી લટકતી હાલતમાં જોવામાં આવ્યો ત્યારે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ખબર ફેલાતા જ મોટી સંખ્યામાં સમર્થકો અને ગ્રામજનો સ્થળ પર એકઠા થઈ ગયા હતા.
આકસ્મિક અને રહસ્યમય મોતનું કારણ અકબંધ
ઘટનાસ્થળે પહોંચેલી રામપુરહાટ પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. હાલમાં તેમની આકસ્મિક અને રહસ્યમય મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ વધુ ખુલાસો થશે.
મમતા બેનર્જીના અત્યંત નજીકના અને કદાવર નેતા હતા
આશિષ બેનર્જીની ગણના પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના અત્યંત વિશ્વાસુ અને સિનિયર નેતાઓમાં થતી હતી. તેઓ વર્ષ 2001, 2006, 2011, 2016 અને 2021માં સતત રામપુરહાટ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. મમતા સરકારમાં તેઓ શાળા શિક્ષણ પ્રધાન અને કૃષિ પ્રધાન જેવા મહત્વના ખાતાઓ સંભાળી ચૂક્યા હતા. મહત્વની વાત એ છે કે, ગત મમતા સરકાર દરમિયાન તેઓ પશ્ચિમ બંગાળ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર રહી ચૂક્યા હતા. અત્યારે તેમના રહસ્યમય મોતના કારણે રાજ્યમાં ચર્ચાઓ શરૂ થઈ છે.