Fri Aug 28 2026

Logo

યુદ્ધ સહિતના પરિબળોની અસર? ફિફાએ અમેરિકાના વર્લ્ડ કપની ટિકિટનો ભાવ બે લાખ રૂપિયા વધારી દીધો!

Zurich   2026-04-02 17:13:20
Author: Ajay Motiwala
યુદ્ધ સહિતના પરિબળોની અસર? ફિફાએ અમેરિકાના વર્લ્ડ કપની ટિકિટનો ભાવ બે લાખ રૂપિયા વધારી દીધો!

Fabrice Coffrini/AFP


ઝુરિકઃ અમેરિકા એક તરફ પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ સાથે મળીને એક મહિના કરતાં પણ વધુ સમયથી ઇરાન સામે ભીષણ યુદ્ધમાં ઊતર્યું છે ત્યાં બીજી તરફ અમેરિકામાં જ અઢી મહિના પછી યોજાનારા ફિફા (Fifa) ફૂટબૉલ વર્લ્ડ કપ માટે સ્ટેડિયમોમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે અને આ માહોલમાં ફિફાએ ટોચની કૅટેગરીવાળી ટિકિટ (ticket)ના ભાવમાં બે લાખ રૂપિયાનો તોતિંગ વધારો કર્યો છે. આ ભાવ વધારો યુદ્ધ સહિતના પરિબળોની અસરને કારણે કરવામાં આવ્યો એવું નકારી ન શકાય.

11મી જૂનથી ફૂટબૉલ વર્લ્ડ કપની મૅચો ખાસ કરીને અમેરિકા (USA)માં તેમ જ કૅનેડા અને મેક્સિકોના સ્ટેડિયમોમાં રમાશે. આ વખતે સૌથી વધુ 48 દેશ ભાગ લઈ રહ્યા છે અને વર્લ્ડ કપના મેમ્બર રાષ્ટ્રોમાં આ નવો વિક્રમ છે. બુધવારે તમામ 48 દેશના નામ નક્કી થઈ ગયા ત્યાર પછી અગાઉ અડચણને કારણે અટકાવવામાં આવેલું ટિકિટોનું વેચાણ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં તો 72માંથી 17 લીગ મૅચો માટેની ટિકિટનું જ વેચાણ શરૂ કરાયું છે. નૉકઆઉટ રાઉન્ડની ટિકિટોનું વેચાણ હજી શરૂ નથી કરાયું.

નંબર-વન કૅટેગરીની એક ટિકિટનો ભાવ બે મહિના પહેલાં 8,680 ડૉલર (આશરે 8.08 લાખ રૂપિયા) હતો જે હવે વધારીને 10,990 ડૉલર (અંદાજે 10.23 લાખ રૂપિયા) કરવામાં આવ્યો છે. અન્ય બે કૅટેગરીની ટિકિટનો ભાવ પણ વધારવામાં આવ્યો છે.

19મી જુલાઈએ અમેરિકામાં ન્યૂ જર્સીમાં ઈસ્ટ રુધરફર્ડના સ્ટેડિયમમાં રમાનારી ફાઇનલ માટેની બીજી કૅટેગરીની એક ટિકિટનો ભાવ અગાઉ 5,575 ડૉલર (5.20 લાખ રૂપિયા) હતો જે વધારીને 7,380 ડૉલર (6.88 લાખ રૂપિયા) નક્કી કરવામાં આવ્યો છે. ત્રીજી કૅટેગરીની એક ટિકિટનો ભાવ 4,185 ડૉલર (3.90 લાખ રૂપિયા)થી વધારીને 5,785 ડૉલર (5.39 લાખ રૂપિયા) કરાયો છે.