(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં વર્ષોથી જમા થયેલા ૧૮૫ લાખ ટન કચરાના બાયોરિમેડિયેશન અને વેસ્ટ-ટુ-એનર્જી પ્રોજેક્ટ હજુ શરૂ થવાનો બાકી છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકા ૭.૭૨ કરોડ રૂપિયાના ખર્ચે દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડને કાર્યરત રાખવા અને આગના જોખમોનો સામનો કરવા માટે ૪૦૦ દિવસ માટે ૧૨ પોકલેન મશીન ભાડે લેવાની છે.
મુંબઈનો મોટા ભાગનો કચરો હવે કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઠાલવવામાં આવે છે. જોકે દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં હજી દરરોજ ૬૦૦-૭૦૦ મેટ્રિક ટન કચરો આવે છે, જ્યારે અન્ય ૮૦૦-૯૦૦ મેટ્રિક ટન કચરાને ઢાંકવા માટે ડેબરીઝ આવે છે. લાંબા ગાળાના વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટના કામ હજી શરૂ થયા નથી પણ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં આવતા કચરાના ઊંચા ઢગલાનું સપાટીકરણ કરીને તેને ઊંચાઈ પર વ્યવસ્થિત રીતે ફેલાવીને સ્થળાંતર કરવા માટે પ્રતિદિન ૧૨ પોકલેન મશીનની આવશ્યકતા હોય છે.
પાલિકાએ ૧૦ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ જારી કરાયેલા સ્વીકૃતિ પત્ર સાથે દેવનાર ખાતે ૧૮૫ લાખ ટન કચરાનું નિવારણ કરવા અને ૧૧૦ હેક્ટર જમીનને રીક્લેમ કરવાનો કૉન્ટ્રેક્ટ ખાનગી કંપનીને આપ્યો છે. જોકે આ પ્રોજેક્ટને ફરજિયાત ક્લિયરન્સ મળવાની રાહ જોઈને જમીન પર કામ શરૂ કરવાનું બાકી છે. દરમ્યાન વેસ્ટ ટુ ઍનર્જી પ્લાન્ટ જે દરરોજ ૬૦૦ મેટ્રિક ટન કચરા પર પ્રક્રિયા કરીને સાત મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે તે હવે ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે.
દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પોકલેન મશીન
જ્યાં સુધી આ પ્રોજેક્ટ કાર્યરત ન થાય ત્યાં સુધી દેવનારની દૈનિક કામગીરી ચાલુ રાખવા માટે પોકલેન મશીનો આવશ્યક હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. બે પાળીમાં ૧૨ મશીનો ઉંચા કચરાના ઢગલાને સપાટ કરશે અને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરાનું સ્થળાંતર પણ કરશે. બે પાળીમાં કામ કરીને કચરો ઝડપથી હટાવવાનો છે, કારણકે સામાન્ય રીતે ઑક્ટોબર અને મેના સમયગાળામાં કચરો સડવાથી જ્વલનશીલ વાયુઓ બહાર આવે છે અને આગ લાગવાનું પ્રમાણ વધે છે.