સુરત: ગુજરાતના સુરતમાં દિવાળી પૂર્વે એસીબીને મોટી સફળતા મળી છે. જેમાં કોર્પોરેશન દ્વારા ફટાકડાના લાયસન્સને મંજૂર કરવા માટે રૂપિયા 11,000 રૂપિયાની લાંચ લેવા બદલ સેનેટરી ઇન્સ્પેક્ટર અને સફાઈ કામદારને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધા હતા.
ફરિયાદી પાસે ૧૧,૦૦૦ રૂપિયાની ગેરકાયદે લાંચની માંગણી કરવામાં આવી
આ અંગે એસીબી પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આ કેસના ફરિયાદી જાગૃત નાગરિક દ્વારા ફટાકડાના વેચાણ માટેનું અધિકૃત લાયસન્સ મેળવવા માટે સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોન અંતર્ગત વોર્ડ નં. ૩૭ (એ)ની પીપલોદ આરોગ્ય કચેરી ખાતે વિધિવત અરજી કરવામાં આવી હતી. આ અરજી સંદર્ભે ફટાકડા વેચાણ માટેનું લાયસન્સ આપવાની વહીવટી કાર્યવાહી પૂર્ણ કરવાના અવેજ પેટે સંબંધિત કર્મચારીઓ દ્વારા ફરિયાદી પાસે ૧૧,૦૦૦ રૂપિયાની ગેરકાયદે લાંચની માંગણી કરવામાં આવી હતી.
કાયદેસરની ફરીયાદ નોંધાવી હતી
જોકે, ફરીયાદી આ પ્રકારે લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ સતર્ક બનીને એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક સાધ્યો હતો અને કાયદેસરની ફરીયાદ નોંધાવી હતી. આ ફરીયાદના આધારે સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ધોબી અને તેમની ટીમે નિયમોનુસાર લાંચના છટકા (ટ્રેપ)નું આયોજન કર્યું હતું.
આ લાંચના છટકાની કાર્યવાહી દરમિયાન સેનેટરી ઇન્સ્પેકટર વિપુલકુમાર જંયતકુમાર જોશીની
સૂચના અને કહેવાથી સફાઇ કામદાર શૈલેષભાઇ કીશનભાઇ સોલંકીએ ફરિયાદી પાસેથી લાંચની માંગણી મુજબની પૂરેપૂરી રકમ રૂપિયા ૧૧,૦૦૦/- સ્વીકારી હતી.
આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી
તેમજ નાણાં સ્વીકારવાની આ ક્રિયા પૂર્ણ થતાની સાથે જ આસપાસ છૂપી રીતે ગોઠવાયેલી એસીબીની ટ્રેપિંગ ટીમે ત્વરિત કાર્યવાહી કરીને બંને આરોપીઓને પકડી લીધા હતા. ટ્રેપ દરમિયાન લાંચની સમગ્ર રકમ રૂપિયા ૧૧,૦૦૦/- હેમખેમ રીકવર કરી લેવામાં આવી છે. એસીબીની ટીમે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.