Fri Sep 11 2026

Logo

પંજાબે આસાન વિજયને થોડો સંઘર્ષપૂર્ણ બનાવ્યો: પૉઇન્ટ્સમાં ટૉપ પર

2026-04-03 23:33:25
Author: Ajay Motiwala
પંજાબે આસાન વિજયને થોડો સંઘર્ષપૂર્ણ બનાવ્યો: પૉઇન્ટ્સમાં ટૉપ પર

શ્રેયસની મૅચ-વિનિંગ હાફ સેન્ચુરી, મ્હાત્રેના 73 રન પાણીમાં

ચેન્નઈઃ શ્રેયસ ઐયર (Shreyas Iyer)ની કૅપ્ટન્સીમાં પંજાબ કિંગ્સે શુક્રવારે અહીં યજમાન ચેન્નઈ સુપર કિંગ્સને છેલ્લે છેલ્લે સંઘર્ષભર્યા રોમાંચક મુકાબલામાં પાંચ વિકેટે હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું. તમામ 10 ટીમમાં માત્ર પંજાબ (Punjab)ના ચાર પૉઇન્ટ છે, જ્યારે રાજસ્થાન તેમ જ બેંગ્લૂરુ, મુંબઈ, દિલ્હી અને હૈદરાબાદના બે-બે પૉઇન્ટ છે. ગુજરાત, લખનઊ, કોલકાતા, ચેન્નઈ (Chennai)એ હજી ખાતું નથી ખોલાવ્યું. પંજાબના બૅટ્સમેનોમાં કૅપ્ટન શ્રેયસ ઐયર (50 રન, 29 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. શશાંક સિંહ 14 રને અને સ્ટોઈનિસ 9 રને અણનમ રહ્યો હતો. હેન્રી અને કમ્બોજે બે-બે વિકેટ લીધી હતી.

પંજાબે 210 રનનો લક્ષ્યાંક 18.4 ઓવરમાં પાંચ વિકેટના ભોગે મેળવી લીધો હતો. સતત બીજી મૅચમાં ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન કૂપર કૉનોલી (36 રન, બાવીસ બૉલ, છ ફોર) પાસે મૅચ-વિનિંગ પર્ફોર્મન્સની આશા હતી, પણ અંશુલ કંબોજે તેને લાંબુ ટકવા નહોતો દીધો. એ અગાઉ પ્રિયાંશ આર્ય (39 રન, 11 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) અને વિકેટકીપર પ્રભસિમરન સિંહ (43 રન, 34 બૉલ, એક સિક્સર, છ ફોર)ની જોડીએ 61 રનની ઓપનિંગ ભાગીદારી કરીને જીતનો પાયો નાખી આપ્યો હતો.

મ્હાત્રે-ગાયકવાડની 96 રનની ભાગીદારી એળે ગઈ

એ પહેલાં, ચેન્નઈએ 20 ઓવરમાં પાંચ વિકેટે 209 રન કર્યા હતા જેમાં વનડાઉન બૅટ્સમૅન આયુષ મ્હાત્રે (73 રન, 43 બૉલ, પાંચ સિક્સર, છ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. કૅપ્ટન ગાયકવાડ (28 રન) લાંબી ઇનિંગ્સ નહોતો રમી શક્યો, પણ તેણે મ્હાત્રે સાથે બીજી વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી.

14.20 કરોડવાળો કાર્તિક શર્મા એક જ રનમાં આઉટ

શિવમ દુબે (45 અણનમ, 27 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) તેમ જ સરફરાઝ ખાન (32 રન, 12 બૉલ, એક સિક્સર, છ ફોર)ના સાધારણ છતાં ઉપયોગી યોગદાન હતા. જોકે ચેન્નઈએ 14.20 કરોડ રૂપિયામાં ખરીદેલો કાર્તિક શર્મા ત્રીજા જ બૉલ પર પોતાના એક રનના સ્કોરે આઉટ થઈ ગયો હતો.

14.20 કરોડની કિંમતવાળો બીજો ખેલાડી પ્રશાંત વીર એક ચોગ્ગાની મદદથી બનાવેલા છ રને અણનમ રહ્યો હતો. ચેન્નઈની ટીમને 17 રન એક્સ્ટ્રામાં મળ્યા હતા. પંજાબ વતી વિજયકુમાર વૈશાકે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. ચહલ, બાર્ટલેટ તથા યેનસેને એક-એક વિકેટ મેળવી હતી.