Tue Nov 10 2026

Logo

સ્કોરરની એક રનની ભૂલને લીધે ઝારખંડની મહિલા ટીમે ક્વૉર્ટર ફાઇનલની એન્ટ્રી ગુમાવવી પડી

2026-10-31 19:17:17
Author: Ajay Motiwala
સ્કોરરની એક રનની ભૂલને લીધે ઝારખંડની મહિલા ટીમે ક્વૉર્ટર ફાઇનલની એન્ટ્રી ગુમાવવી પડી

નાગપુરઃ ફટાફટ ક્રિકેટના આજના જમાનામાં બૅટ્સમેનો કે બૅટર્સ પોતાની ટીમને જિતાડવા છેવટની એટલે કે ડેથ ઓવર્સમાં `મરતે દમ તક' લડીને રન બનાવતી હોય છે અને પછી વિજય મળતાં જિંદગીમાં અગાઉ ક્યારેય ન કર્યું હોય એવું સેલિબ્રેશન કરતી હોય છે, પરંતુ તાજેતરમાં નાગપુરમાં મહિલા વર્ગની અન્ડર-19 ટી-20 ચૅમ્પિયનશિપમાં ઝારખંડની ટીમને એવો કડવો અનુભવ થયો જે અગાઉ કદાચ ક્યારેય કોઈ મૅચમાં નહીં થયો હોય.

આ ઘટનામાં ટૂર્નામેન્ટના સ્કોરરની ભૂલનું પરિણામ ઝારખંડની ટીમે ભોગવવું પડ્યું હતું અને આ ક્ષતિ બાબતમાં ઝારખંડ સ્ટેટ ક્રિકેટ અસોસિયેશને બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી હોવાનું ક્રિકેટની એક જાણીતી વેબસાઇટના અહેવાલમાં જણાવાયું હતું.

આ મૅચ ઝારખંડ અને ઉત્તરાખંડની છોકરીઓની અન્ડર-19 ટીમ વચ્ચે રમાઈ હતી. જે ટીમ જીતે તેને ક્વૉર્ટર ફાઇનલમાં જવાનો મોકો હતો. ઉત્તરાખંડે 134 રન બનાવ્યા બાદ ઝારખંડની ટીમને જીતવા 135 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને અંતિમ ઓવરની શરૂઆતમાં એનો સ્કોર 7/127 હતો અને જીતવા આઠ રનની જરૂર હતી.

પ્રથમ ત્રણ બૉલમાં ઝારખંડના ત્રણ રન બનતાં છેલ્લા ત્રણ બૉલમાં પાંચ રન બનાવવાના હતા. ચોથા બૉલમાં ટર્નિંગ પૉઇન્ટ આવ્યો હતો. લક્ષ્મી કુમારી બીજો રન દોડવા જતાં રનઆઉટ થઈ ગઈ હતી. જોકે સત્તાવાર સ્કોરરે લક્ષ્મીએ દોડીને જે પહેલો રન પૂરો કર્યો હતો એ સ્કોર-બુકમાં નોંધ્યો જ નહોતો. તેમણે માત્ર તેના રનઆઉટની નોંધ કરી હતી. પરિણામે, ઝારખંડને અંતિમ બે બૉલમાં (ચાર રનને બદલે) પાંચ રન બનાવવાનું કહેવામાં આવ્યું હતું. રોમાંચ અને પ્રેશરની સ્થિતિમાં સ્કોરરની એ ભૂલ ત્યારે કોઈના ધ્યાનમાં નહોતી આવી. પાંચમો બૉલ વાઇડ પડતાં હવે ઝારખંડને બે બૉલમાં ચાર રન બનાવવાનું કહેવામાં આવ્યું હતું.

બૅટર પાંચમા બૉલમાં બીજો રન દોડવા જતાં રનઆઉટ થઈ હતી. ઝારખંડ (Jharkhand)ને હવે છેલ્લા બૉલ પર ત્રણ રન બનાવવાનું કહેવામાં આવ્યું હતું અને એક જ વિકેટ પડવાની બાકી હતી. વાસ્તવમાં ઝારખંડે ત્રણ નહીં, પણ બે રન બનાવવાના હતા. આખરી બૉલમાં એની બૅટર એક રન પૂરો કર્યા બાદ બીજો રન દોડવા જતાં રનઆઉટ થઈ અને 10મી વિકેટ પડતાં ઝારખંડ માટે 10/133ના સ્કોર સાથે ખેલ ખતમ થઈ ગયો હતો.

ઉત્તરાખંડને એક રનથી વિજયી બતાવવામાં આવ્યું હતું. જોકે સ્કોરરે પેલા એક રનની ભૂલ ન કરી હોત તો બન્ને ટીમનો સ્કોર લેવલ થયો હોત અને મૅચ સુપરઓવરમાં ગઈ હોત. ઝારખંડની ટીમ મહિલાઓની અન્ડર-19 (Under-19) સ્પર્ધામાં પહેલી જ વખત નૉકઆઉટમાં પહોંચી હોત, પણ સ્કોરરની ક્ષતિએ તેમને એનાથી વંચિત રાખ્યા હતા અને ઉત્તરાખંડની ટીમે વિજયીની ઉજવણી કરી હતી.