Sat Nov 07 2026

Logo

જૂનાગઢમાં હાઈટેન્શન વીજ લાઈન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ: પૂર્વ મંજૂરી વિના કામગીરી શરૂ કરાતા હોબાળો

2026-11-01 12:45:00
Author: Mayur Patel
જૂનાગઢમાં હાઈટેન્શન વીજ લાઈન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ: પૂર્વ મંજૂરી વિના કામગીરી શરૂ કરાતા હોબાળો

જૂનાગઢ: ગુજરાતમાં મોરબી બાદ જૂનાગઢમાં પણ ખેડૂતોએ વીજલાઈન મુદ્દે વિરોધ શરૂ કર્યો છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના કંકાસા ગામે ખેડૂતોની ખાનગી માલિકીની ખેતીની જમીનમાંથી હાઈટેન્શન વીજ લાઈન પસાર કરવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કે મંજૂરી વિના સીધી કામગીરી શરૂ કરી દેવાતાં સ્થાનિક ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઊઠ્યો હતો અને ખેડૂતોએ એકઠા થઈ સ્થળ પર જોરદાર હોબાળો મચાવ્યો હતો.

મળતી વિગતો અનુસાર, કંકાસા ગામના ખેડૂતોની માલિકીની ફળદ્રુપ ખેતીની જમીનમાંથી હાઈટેન્શન વીજ લાઈન પસાર કરવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ હતી. કામગીરી શરૂ થવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ખેડૂતો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ચાલુ કામગીરી અટકાવી હોબાળો મચાવ્યો હતો.

ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યો કે સંબંધિત વિભાગ દ્વારા તેમને વિશ્વાસમાં લીધા વગર કે તેમની લેખિત સંમતિ મેળવ્યા વિના જ મનસ્વી રીતે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રોષે ભરાયેલા ખેડૂતોએ વેધક સવાલ ઉઠાવ્યો હતો કે, અમારી ખાનગી માલિકીની જમીનમાંથી આટલી મોટી વીજ લાઈન પસાર કરતાં પહેલાં અમને કોઈ નોટિસ કે જાણ કેમ કરવામાં ન આવી? ખેડૂતોએ માગ કરી છે કે આ લાઈન નાખવા માટે કયા કાયદા અને નિયમો હેઠળ પ્રક્રિયા હાથ ધરાઈ છે તેની વહીવટી તંત્ર તાત્કાલિક સ્પષ્ટતા કરે.

ખેડૂતોએ તેમની રજૂઆતો શાંતિપૂર્ણ રીતે સાંભળવામાં આવે અને તમામ કાયદેસરની જોગવાઈઓનું પાલન કર્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી. ખેડૂતોના આ ઉગ્ર વિરોધ અને આક્રોશ બાદ હવે વીજ વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર આ મામલે શું વલણ અપનાવે છે તેના પર સમગ્ર પંથકની નજર મંડાયેલી છે.