Tue Nov 10 2026

Logo

ઑસ્ટ્રેલિયા હારથી બચવા ફાંફા મારે છે, સાઉથ આફ્રિકાનો વિજય નિશ્ચિત જણાય છે...

Cape Town   2026-10-31 18:31:17
Author: Ajay Motiwala
ઑસ્ટ્રેલિયા હારથી બચવા ફાંફા મારે છે, સાઉથ આફ્રિકાનો વિજય નિશ્ચિત જણાય છે...

કેપ ટાઉનઃ બૅટિંગ માટે મુશ્કેલ બની ગયેલી અને નીચા બૉલ સામે રમવામાં બૅટ્સમેનોની આકરી કસોટી લેતી કેપ ટાઉનની પિચ પર ટેસ્ટના વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા સામે ઑસ્ટ્રેલિયા (Australia) ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટમાં પરાજયથી બચવા ફાંફા મારી રહ્યું છે.

કાંગારુઓને જીતવા માટે 288 રનનો લક્ષ્યાંક મળ્યો અને તેમણે 88 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી. ન્યૂલૅન્ડ્સની પિચ પહેલા ત્રણ દિવસ માટે ફ્લૅટ હતી જેને લીધે 300થી 400 રનના ટોટલ જોવા મળ્યા હતા, પરંતુ હવે પિચ તૂટી રહી હોવાથી સ્પિન-ફ્રેન્ડ્લી થઈ ગઈ છે.

બૉલ પડતાં પિચ પર ધૂળ ઉડતી હોવાથી બૅટ્સમેનને રમવામાં તકલીફ પણ થઈ રહી છે. આવી સ્થિતિમાં કૅપ્ટન પૅટ કમિન્સ 66 બૉલમાં ફક્ત નવ રન બનાવીને રમી રહ્યો હતો અને તેની સાથે નૅથન લાયન નૉટઆઉટ હતો જેણે 31 બૉલમાં 16 રન બનાવ્યા હતા. મિચલ સ્ટાર્ક 24 બૉલનો સામનો કર્યા બાદ પચીસમા બૉલ પર ઝીરોમાં આઉટ થયો હતો.

સાઉથ આફ્રિકાના સ્પિનર સાયમન હાર્મર (Harmer)એ પ્રથમ દાવ પછી બીજા દાવમાં પણ ચાર વિકેટ લીધી છે, જ્યારે કૅગિસો રબાડા ત્રણ વિકેટ લેવામાં સફળ થયો છે.